Opinion: તંત્રના હાથે શું જનતા એ વગાડી તાલી?

રાજકોટ સહિત ગુજરાત માટે 25મી મે એક ગોઝારો દિવસ સાબિત થયો છે. ટીઆરપી ગેમઝોનમાં લાગેલી આગ અને માસૂમોના મોત પછી સત્તાવાળાઓ સામે લોકોમાં ભયંકર રોષની લાગણી ફેલાયેલી છે અને લોકો સરકાર પાસેથી એ ખાતરી માગી રહ્યા છે કે, ભવિષ્યમાં આવી કોઇ ઘટનાનું પુનરાવર્તન ન થાય.

એવું તે શું કરવું જોઇએ સરકારે કે આવી કોઇ ઘટના ભવિષ્યમાં ન બને?

ચિત્રલેખા.કોમ  એ આ માટે વિવિધ વર્ગના લોકો સાથે વાતચીત કરીને એમના મત જાણ્યા. આવો જાણીએ, શું કહે છે લોકો આ વિશે…

ડો. વિદ્યુત જોશી, જાણીતા સમાજશાસ્ત્રી

યૌવન, ધન, સંપત્તિ, આધિપત્ય અને અવિવેક હંમેશા વિનાશ વેરે

यौवनं धन संपत्ति: प्रभुत्वमविवेकिता।

एकैकमप्यनर्थाय किमु यत्र चतुष्टयम् ||

આપણે પશ્ચિમી દેશની સંસ્કૃતિને લઈ આવ્યા. ત્યાંના મનોરંજન સાધનો, સિનેમા, મોલ અપનાવી લીધા, પણ આપણે ત્યાંના નિયમોને આપનાવી શક્યા નથી. તેમણે ઉદાહરણ આપતા જણાવ્યું કે “વિદેશમાં એક બસમાં ચડવા માટે લોકો લાઈનમાં ઉભા રહે છે. જ્યારે આપણે બીજી બસ કેટલા સમયમાં આવશે તેવું વિચારીને પહેલી બસ પર ઝપાટ મારીએ છીએ” દરેક માતા પિતાએ પોતાના બાળકને 12 વર્ષની ઉંમર પહેલા નાગરીક શાસ્ત્રનો પાઠ ભણાવી દેવો જોઈએ. જ્યારે સરકારે એક મનોરંજન કાયદો લાવવો જોઈએ. આપણે ભાગ્યવાન માનવા વાળા લોકો આપણા અધિકારોની માગ કરતા નથી. ટિકિટ ખરીદ્યા બાદ પણ આપણે જીવને જોખમે મુક્યે છીએ. તેમણે એક શ્લોકનું વાંચન કરતા કહ્યું કે યૌવન, ધન, સંપત્તિ, આધિપત્ય અને અવિવેક હંમેશા વિનાશ વેરે જ છે.

હેમંત શાહ, અર્થશાસ્ત્રી

બે વર્ષ સુધી મનોરંજન ટાળવું જોઈએ!

રાજકોટ દુર્ઘટના બાબતે વાત કરતા તેમણે જણાવ્યું કે આવી દુર્ઘટના બનાવાનું એક માત્ર કારણ નિયમનુ ઉલ્લંઘન છે. જ્યારે નિયમનુ ઉલ્લંઘન કરનારા લોકો સામે પણ કડક પગલા નથી લેવાતા, જેથી આવી દુર્ઘટનાનું પુનરાવર્તન થાય છે. સરકાર અને આવા એકમોના માલિકોએ નિયમોની કાળજી રાખવાથી પણ આવી દુર્ઘટનાને રોકી શકાય. જ્યારે સામાન્ય પ્રજાને આગલા બે વર્ષ સુધી આવી જગ્યા પર જવા માટે ખુદ જ પ્રતિબંધિત થવું જોઈએ. જેના કારણે માલિક સામાન્ય જનતાની સલામતી માટે જાગૃત બને. આ ઉપરાંત તમામ એકમોને જરૂરી સર્ટીફિકેટને ફ્રેમ કરી જાહેરમાં રાખવાનો કડક નિયમ પણ બનાવવો જોઈએ.

 

રાજવીરસિંહ, સોશિયલ વર્કર

રાજ્યના 90% બાંધકામ છે ગેરકાયદેસર

બાળકોની દુર્ઘટનાને લઈ રાજવીરસિંહ એ કહ્યું કે આગ બનેલા હાલ સુધીના બનાવોમાં એક સમાનતા જોવા મળી છે, ત્યાં કોઈ પણ જાતની બહાર નીકળવાની જગ્યા જ બનાવવામાં નહોતી આવી. ગુજરાતની અંદરના 90 ટકા બાંધકામ ગેર કાયદે બનાવવામાં આવ્યા છે. સામાન્ય દિવસોમાં ટિકિટોના દર ઉંચા હોય છે. જ્યારે ઓફરના દિવસોમાં ઓછા રૂપિયામાં મનોરંજન માટે લોકો જીવી તાળવે બાંધીને પણ મોજ મસ્તી માણે છે. લુભામણી ઓફરને જોઈ મનોરંજનથી થનારી ભયજનક અસરો પર પ્રજાએ પણ ધ્યાન આપવું જોઈએ.

 

પૂજા પ્રજાપતિ, વકીલ & સમાજીક કાર્યકર

સલામતી માટે પ્રશ્ન કરવા જોઈએ

બાળક દેશનું ભવિષ્ય છે, જેને ધ્યાને રાખી મનોરંજનની જગ્યા પર તામામ જરૂરી દસ્તાવેજની છે કે નહીં તેની સરકાર અને આપણે કાળજી લેવી જોઈએ. સરકાર, પોલીસ સહિત આપણી સલામતી આપણા હાથ હોય છે. જાગૃત નાગરીકે પોતાની સલામતી માટે મનોરંજનના એકમો પાસે સલામતીના પુરાવા માંગવા જોઈએ. પુરાવા ન મળે તો તાત્કાલિકના ધોરણે પોલીસ અથવા ફાયર વિભાગને જાણ કરવી જોઈએ.

 

 

શ્લોકા સુથાર, હોમિયોપેથિક ડોક્ટર 

દૂઘનો દાઝ્યો છાશ પણ ફૂંકીફૂંકીને પીવે!

શ્લોકા પોતાનો અનુભવ જણાવતા કહે છે “હું અમદાવાદ TRP મોલના ગેમ ઝોનમાં મારા મિત્રો સાથે ગઈ હતી. જે બાદ ત્યાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. આ બનાવ બાદ હું કોઈ પણ ગેમ ઝોન કે થિયેટર જતા પહેલા વિચારું છું. જ્યાં લોકોનો ઓછો જમાવડો થતો હોય તેવી જગ્યા જવાનું પસંદ કરું છે. કેમ કે લોભામણી ઓફરો આપી ગેમ ઝોનના માલિકો ક્ષમતા કરતા વધુ લોકોને પ્રવેશ આપે છે. જેના કારણે પણ આવી દુઘર્ટના બનતી હોય છે. આ માટે દરેક વ્યક્તિ એ સજાગ રહેવાની જરૂર છે.

(તેજસ રાજપરા – અમદાવાદ)