શેખ હસીના દેશ છોડીને નીકળી ગયાં પછી પણ બાંગ્લાદેશમાં હિંસા ઠરવાના બદલે વધુ ભડકી છે. હસીના સરકારના સૂર્યાસ્ત બાદ લઘુમતી હિન્દુ સમુદાય વિરુદ્ધ હિંસાના ઘણા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. બાંગ્લાદેશમાં હિન્દુઓનું રહેવું મુશ્કેલ બન્યું છે. હિન્દુઓની ઘરમાં ઘૂસીને હત્યા કરવામાં આવી રહી છે. ઈસ્કોન મંદિર અને કાલી મંદિર તોડી પાડવામાં આવ્યા છે. હિન્દુઓના ઘરમાં આગચંપી કરવામાં આવી રહી છે. જેના વિરોધમાં હિન્દુઓએ લડત આપવાનું નક્કી કરી ચટગાંવમાં રેલીનું આયોજન કર્યું હતું. તો કેટલાક હિન્દુએ તો હિજરતનો વિકલ્પ પસંદ કર્યો છે.
આ તમામ ઘટના વચ્ચે યક્ષ પ્રશ્ન એ થાય કે બાંગ્લાદેશના હિન્દુઓ માટે ભારત સરકારની શું વિચારધારા હોવી જોઈએ?
આ વખતે ઓપિનિયન વિભાગમાં જાણો બાંગ્લાદેશના હિન્દુઓ માટે ભારત સરકારના પક્ષ પર અલગ-અલગ વર્ગના લોકોએ શું મત આપ્યો…
રૂઝાન ખંભાતા, જાણીતા સામાજીક અગ્રણી, અમદાવાદ
બાંગ્લાદેશના હિન્દુને લઈ ભારતે એક મજબૂત સ્ટેન્ડ લેવું જોઈએ. આ માત્ર બાંગ્લાદેશની વાત નથી સમગ્ર વિશ્વમાં કોઈ પણ જગ્યાએ હિન્દુ પર અત્યાચાર થાય ત્યારે આપણા દેશે તેમનો પક્ષ લેવો જોઈએ. આ ઉપરાંત માત્ર ધર્મ માટે જ નહીં પરંતુ આપણે માણસાઈની રીતે પણ સ્ટેન્ડ લેવું જોઈએ. હાલના સમયમાં અર્થતંત્રની રીતે જોવા જઈએ, તો આપણી પાસે અત્યારે પુરતા રિસોર્સિસ છે. આપણે બાંગ્લાદેશની ઘણી મદદ કરી પણ છે. હા એ વાત છે કે, શાંતિપૂર્ણ વાટાઘાટોની જો હિન્દુ પર અત્યાચાર અટકી જતા હોય તો સારુ છે. પરંતુ જો વાટાઘાટોથી ન થાય તો, આપણે કડક નિર્ણય કરવા જોઈએ. જ્યારે શરણાગતિ આપવી કે ન આપવી એ અલગ-અલગ દેશ પર આધાર રાખે છે. મારા મત પ્રમાણે શરણાગતિ એ સરકારના નિર્ણય પર આધાર રાખે છે. કેમ કે અત્યારના સમયમાં આપણે વસ્તી વધારાની સમસ્યાનો પણ સામનો કરી રહ્યા છીએ.
પ્રો.ડૉ.સ્મિતા જોશી, જાણીતા સમાજશાસ્ત્રી
આમ તો, કોઈ પણ દેશે પોતાના નાગરિકોના રક્ષણ માટે પગલાં ભરવા જોઈએ. પરંતુ ભારતના જ ભાગમાંથી બનેલા બાંગ્લાદેશના હિન્દુ માટે ભારતે રાજકીય રીતે બાંગ્લાદેશ સરકાર સાથે શાંતિપૂર્ણ વાટાઘાટો કરવી જોઈએ. હિન્દુઓ પર થતાં અત્યાચારો અને હુમલાઓને રોકવાનો પ્રયાસ કરવો જોઈએ. મારા મત પ્રમાણે ભારત સરકાર તેમના પક્ષમાં કોઈપણ નિર્ણય કરે તે પહેલાં, બાંગ્લાદેશના હિન્દુઓએ પોતાના રક્ષણ માટે પગલાં લેવાની જરૂર છે. બાંગ્લાદેશના ઇસ્કોન ટ્રસ્ટના સંતોએ લોકોને ખવડાવવાની સાથે સ્વરક્ષણ માટેના ટ્રેનિગ સેન્ટર શરૂ કરવાની જરૂર છે. દરેક જગ્યા પર પાડોશી દેશની સરકાર પહોંચી નથી વળતી. આજે જે કિસ્સો બાંગ્લાદેશમાં થયો, તેવા કિસ્સા આવનાર ભવિષ્યમાં બીજા દેશમાં પણ બની શકે છે. તો મારું એવુ માનવું છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓએ રેલી, સંઘર્ષ કરવાની જરૂર નથી. તેમને તાલીમ સેન્ટર ઉભા કરી સ્વરક્ષણ કરવું જોઈએ. ભારત સરકાર સાથે હિન્દુ સંગઠનો, ધર્મગુરુઓ આ મુદ્દે ચિંતિત છે અને તે લોકોને બચાવવા માટે જરૂરી કાર્યવાહી કરી જ રહ્યા છે.
ગૌરવ ધોળકિયા, ડેપ્યુટી મેનેજર, યસ બેંક, સુરેન્દ્રનગર
બાંગ્લાદેશની જરૂરિયાતના સમયે ઇસ્કોન ટેમ્પલ તેમને મદદ કરી હતી. જ્યારથી શેખ હસીનાની સરકારને ત્યાંથી હટાવવામાં આવી છે, ત્યારથી લઘુમતી સમુદાય સાથે થતાં અત્યાચાર પર ઘણા લોકો રાજકીય રીતે પોતાના હાથ શેકી રહ્યા છે. હા, જો ભારત સરકાર આ વાતમાં કોઈ કડક પગલાં લેશે તો, ત્યાંના હિન્દુ બચી શકે છે. મારા મત પ્રમાણે ત્યાંની સરકાર લઘુમતી ધરાવતી કોમને હટાવવા માંગે છે. કેમ કે, બાંગ્લાદેશની મોટાભાગની સરહદ ભારત સાથે જોડાયેલી છે અને ત્યાંના શરણાર્થી ભારતમાં આવવાની પૂરી સંભાવના છે. તેઓ આપણા દેશમાં આવી ભારતનું વાતાવરણ ખરાબ કરવાની મનસા પણ ધરાવતા હોઈ શકે છે. જો ભારત સરકાર આ વિષય પર કડક નિયમો અને કાર્યવાહી કરે તો આવું થતા અટકાવી શકાય.
ડેવિડ ક્રિશ્ચિયન, નિવૃત એ.એસ.આઈ, એન્ટી કરપ્શન બ્યુરો, અમદાવાદ
બાંગ્લાદેશનું અસ્તિત્વ જ ભારત સાથે જોડાયેલું છે. બાંગ્લાદેશમાં હિન્દુની સંખ્યા લગભગ દોઢ કરોડની આસપાસ છે. મોટાભાગના લોકો ભાગલા પડ્યા એ પહેલાના છે. ભૂતકાળમાં પણ ભારતે બાંગ્લાદેશને સાથ આપ્યો છે અને અત્યારે પણ સાથ આપી જ રહ્યો છે. દેશના મૂળ નાગરિકો સાથે આવો અત્યાચાર ન જ થવો જોઈએ. કોઈ ધર્મ અત્યાચારને પ્રોત્સાહન આપતુ નથી. ચીન અને પાકિસ્તાનની વાતોમાં આવીને બાંગ્લાદેશ પોતાના જ નાગરિકો પર પ્રહાર કરી રહ્યા છે. જે ખરેખર નિંદાને પાત્ર છે. આ બાબતે ભારત સરકારે પણ યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.
(તેજસ રાજપરા)
