Opinion: શું અર્વાચીન ટ્રેન્ડથી લોકો ભૂલ્યા પરંપરાગત ગરબાનું ભાન?

નવરાત્રિ એટલે મા જગદંબાની આરાધનાનું પાવન પર્વ. આ તહેવારની ગુજરાત સહિત દેશ વિદેશના લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. નવરાત્રિના નવ દિવસ યુવાનો માતાજીના ગરબાના તાલે જુમીને તો વડીલો માતાજીની પૂજા અર્ચના કરી માતાને રીઝવવાનો પ્રયાસ કરે છે. પહેલાના સમયમાં શેરીના ચોકમાં ગરબાનું આયોજન થતું, જ્યાં દુર્ગા સ્વરૂપા દીકરીઓ ગરબાની રમઝટ બોલાવતી. હવેના સમયમાં મોટા પાર્ટી પ્લોટમાં DJના તાલે ગરબાની જમાવટ થાય છે.

આમ તો પરિવર્તન એ સંસારનો નિયમ છે, પણ ભૂલાતી સંસ્કૃતિ એ ક્યાંનો ન્યાય છે? DJની મહેફીલમાં માતાની આરાધના થાય ખરી? ચાચરના ચોકમાં ગુંજતી તાળી હિન્દી ગીતના હલ્લા ગુલ્લા નીચે દબાઈ જાય છે?

આ વખતેના ઓપિનિયન વિભાગમાં અમે પૂછ્યું કે શું વધતા અર્વાચીન ગરબાના ટ્રે્ન્ડથી લોકો પારંપરિક ગરબાનું મહત્વ ભૂલી રહ્યા છે? આવો જાણીએ, આ મુદ્દે શું લોકોનો મત..

પ્રો.ડૉ.સ્મિતા જોશી, જાણીતા સમાજશાસ્ત્રી

સમય સાથે પરિવર્તન સંસારનો નિયમ છે. ત્યારે બીજા કલ્ચરને અપનાવીને વિચિત્ર ગાયન પર ડાન્સ કરવો એ અમુક અંશે આપણે પરિવર્તનમાની સ્વીકાર પણ કરી શકીએ, પરંતુ એક રિપોર્ટ પ્રમાણે જોવા મળ્યું છે કે નવરાત્રિ બાદ ગર્ભપાતના કેસોમાં ઉછાળો જોવા મળે છે. એટલે કે નવરાત્રિના સમયે દીકરી સાથે છેડતી કરવી અને એમની સાથે અભદ્ર વર્તન કરવા જેવા કિસ્સા પણ જોવા મળે છે. આ ઉપરાંત છોકરીના ખાવામાં નશીલા પદાર્થ નાખી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય કરવું એ ક્યાં માતાજીની આરાધના છે? નવરાત્રિના દિવસો એટલે ચોમાસાની સીઝન પૂર્ણ થયા બાદ જ્યારે ખેતરોની માટી ભીની હોય અને ખેડૂતો આરામમાં હોય ત્યારે સાથે મળી માતાજીનો ભક્તિ ભાવથી આરાધના કરવી. પરંતુ હાલના સમયમાં મોંઘા પાસ, ચણીચોલી અને DJના તાલે ગરબા રમવાને ઉત્સવ માને છે પરંતુ આમાં ક્યા માતાજીના આરાધના છે?

નિશીત ભાટી, ગરબા આયોજક અને ગાયક કલાકાર

પારંપરીક ગરબા વચ્ચે અર્વાચિન થીમ પર નાચવું એકદમ અયોગ્ય છે. અત્યારે આપણે આપણી સંસ્કૃતિ ભુલી રહ્યા છીએ. આપણ ગરબા અને સમાજ વચ્ચે વિકૃતિ આવી રહી છે. પહેલાના સમયમાં ગરબાનું આયોજન થતુ, ત્યારે એક ગરબીની ફરતે ગરબા રમાતા અને આ આયોજન શેરી કે ચોકમાં થતું હતું. અને હાલના સમયમાં પાર્ટીપ્લોટમાં ગરબીને ફરતે ગરબા રમતા નથી. લોકોને માતાજીની આરાધના કરતા વધારે DJ સોગ પર નાચવું ગમે છે. ધીમે-ધીમે આ શેર ગરબાનું મહત્વ ઘટી રહ્યું છે. જ્યાં નાની નાની બાળાઓ પ્રાચીન ગરબાની તાલે ગરબા ઘૂમે, પછી આઠમના દિવસે નાની-નાની ગોયણી જમાડવામાં આવે. આ સંસ્કૃતિ ભૂલી લોકો મોંઘા પાસ અને સારા ગાયક કલાકારો પાછળ દોડી રહ્યા છે. આજ કાલના લોકોને ગરબાની જગ્યા પર ફિલ્મી ગીત પર ગરબા રમવા પસંદ આવે છે. આ સંસ્કૃતિને જાળવવા માટે જ અમે દર વર્ષે પારંપરિક ગરબાનું આયોજન કરીએ છીએ.

દિનેશભાઈ, ચેરમેન, પદમાવતી સોસાયટી, અમદાવાદ

સામાન્ય રીતે નવી જનરેશનના લોકો અર્વાચીન ગરબા તરફ વળ્યા છે. પરંતુ જુની રૂઢીના લોકોને તો શેરી ગરબા જ ગમે છે. જ્યારે વાત અર્વાચીન ગરબાની થાય તો જૂની પ્રથા સાથે એક નવો ઉમેરો થયો છે, જેમાં કોઈ વાંધો નથી. અમારી સોસાયટીમાં અમે દર વર્ષે પ્રાચીન ગરબાનું જ આયોજન કરીએ છીએ. જેમાં સૌ પ્રથમ માતાજીની આરતી થાય, જે બાદ લોકો  પારંપરિક ગરબા કરે. જ્યારે ગરબાના અંતે એક નાનો એવો ડાન્સ માટે રાઉન્ડ પણ ગોઠવીએ છીએ. આમ તો પાર્ટીપ્લોટમાં જવાનું ટાળવું જોઈએ. કેમ કે કેટલીક વખત દીકરીઓ સાથે છેડતી અને મારામારી થવાની શક્યતા રહે છે, જેથી પાર્ટી પ્લોટ જવાનું ટાળવું જોઈએ. જ્યારે પાર્ટી પ્લોટના સંચાલક સારો હોય અને આયોજન સારું હોય, ત્યારે આવી ઘટના બનવાની શક્યતા ઓછી રહે છે.

તિક્ષિતા પટેલ, ગરબા પ્રેમી

પ્રાચીન ગરબા અને અર્વાચીન ગરબાની વચ્ચે જ્યારે પસંદ કરવાની વાત આવે, ત્યારે મને પ્રાચીન ગરબા વધુ પસંદ આવે છે. મને પાર્ટી પ્લોટ કરતા વધુ શેર કે ચોકના નાકા પર થાત સામાન્ય ગરબા રમવા જ ગમે છે. મને શેરી ગરબા ગમે કેમ કે ત્યાં આપણા પરિવાર અને મિત્રો હોય છે. એમાં પણ શેરી ગરબામાં પ્રાચીન ગરબા ગીતો પર રમવાનું હોય એટલે વધુ મજા ત્યારે આવે. આમ તો બંને ગરબામાં મને કોઈ પણ વાંધો લાગતો નથી કેમ કે સમય સાથે તહેવાર ઉજવવાની પ્રથા બદલી છે. હા ફેશન પાછળ કેટલી વિકૃતિને મોકળુ મેદાન મળ્યું છે, પણ આપણી સલામતી આપણા હાથમાં જ હોય છે. જ્યારે પાર્ટી પ્લોટનું આયોજન અને સંચાલન સારું હોય ત્યારે આવી ઘટના બનવાની શક્યતા ઓછી હોય છે.

(તેજસ રાજપરા – અમદાવાદ)