Opinion: શું બ્લોગરે કહ્યું એટલે 100% સાચું?

ડિજિટલ યુગમાં, બ્લોગર્સ અને કન્ટેન્ટ ક્રિયેટર્સનું કન્ટેન્ટ લોકોના મંતવ્યોને પ્રભાવિત કરે છે. જોકે, જ્યોતિ મલ્હોત્રાના કેસ બાદ કન્ટેન્ટની સત્યતા અને ઇરાદાઓ વિશે પ્રશ્નો ઊભા થયા છે. ક્રિયેટરનું કન્ટેન્ટ કેટલું સાચું છે? આપણે બ્લોગર્સ પર કેટલો વિશ્વાસ મૂકી શકીએ?

 

આ વખતના ઓપિનિયન વિભાગમાં જાણો કે વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો આ મુદ્દે શું કહે છે…

ભાવેશ મોદી, બ્લોગર & ઈન્ફ્લુએન્સર

“એક બ્લોગર તરીકે મારી જવાબદારી છે અમને ફોલો કરનારાને અમે સાચી માહિતી આપી શકીએ. અત્યારે કોઈ પણ જગ્યા પર જઈને કઈ પણ બ્લોગ બનાવીશું, તો લોકો અમારા પર ભરોસો કરી શકશે નહીં. મારી પાસે આવનારી તમામ વસ્તુ કે પ્રોપટીની પાછળની તમામ હિસ્ટ્રી અમે ચકાસીયે છીએ. જેથી કરીને અમે જનતા સુધી સાચી માહિતી પહોંચાડી શકીએ.”

ક્રિમીલ હરીયા, કો.ફાઉન્ડર & પ્રોડ્યુસર, લેનસ્કેપ વર્લ્ડ પ્રાઇવેટ લિમિટેડ

“કોઈપણ ક્રિયેટર બ્લોગ લોકોને પોતાના તરફ આકર્ષવા માટે જ બનાવે છે. ઘણી વખત અમુક વાતો તોડી મરોડીને પણ પિરસવામાં આવતી હોય છે. બ્લોગર્સ અને કન્ટેન્ટ ક્રિયેટર્સ પર ભરોસો કરવો જોઈએ, પરંતુ આ ભરોસો સભાન અને ચકાસણી આધારિત હોવો જોઈએ. લોકો બ્લોગર્સના કન્ટેન્ટને સત્ય માની લે છે, પરંતુ તેની પાછળના ઇરાદા ચકાસવાની જરૂર છે.”

દેવમ દિવેચા, ફાઉન્ડર, ગણેશ ડિજિટલ માર્કેટીંગ, ઉના

“બ્લોગર્સ પર ભરોસો રાખવો જોઈએ, પણ આંધળો ભરોસો કરવો એ ખોટી વાત છે. કોઈ પણ બ્લોગ માત્ર મનોરંજન માટે ન જોવાઈ, બ્લોગ બનાવવા પાછળનું તર્ક વિષે પણ વિચાર કરવો જોઈએ. આપણે કોઈ પણ ક્રિયેટરને ફોલો કરતા હોય, ત્યારે તેમના વિશેની માહિતી જાણવી જરૂરી છે. ઘણી વખત આંધળો વિશ્વાસ રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી હોઈ શકે છે.”

રોહિત પટેલ, સામાજિક કાર્યકર, અમદાવાદ

“બ્લોગર્સ અને કન્ટેન્ટ ક્રિયેટર્સ પર ભરોસો કરતાં પહેલાં તેમની ઓળખ, ઇરાદા અને કન્ટેન્ટની પ્રામાણિકતા ચકાસવી આવશ્યક છે. આપણે સ્થાનિક કલાકૃતિ જેવા વિષયો દ્વારા સંસ્કૃતિ અને એકતાને દર્શાવતા કન્ટેનને પ્રોત્સાહન આપવું જોઈએ. જોકે, શંકાસ્પદ સ્પોન્સરશિપ કે ખોટી માહિતીથી સામાજિક નુકસાન થઈ શકે તેવા કન્ટેન અને કન્ટેન આપનારા લોકો પ્રોત્સાહન ન આપવું જોઈએ. આપણે ડિજિટલ સાક્ષરતા અને જાગૃતિ કાર્યક્રમો દ્વારા લોકોને સાવધ કરવા જોઈએ.”

(તેજસ રાજપરા, અમદાવાદ)