Opinion: શું મહિલા સુરક્ષા માટે બનેલા કાયદા સ્ત્રી માટે વેર વાળવાનું હથિયાર છે?
દેશમાં કુરિવાજોના દુષણોને ડામવા કડક કાયદાનું ગઠન કરવામાં આવ્યું છે, જેથી દહેજ પ્રથા, ઘરેલું હિંસા જેવા દૂષણો સામે લડલા મહિલાઓ કાયદાનો સહારો લઈ શકે. આવા કાયદાઓ બેશક જરૂરી છે અને સમાજમાં મહિલાઓ આ કાયદાઓના સહારે જ લડત માટે આગળ આવતી રહી છે એ વાત પણ એટલી જ સાચી છે, પરંતુ ઘણીવાર કાયદાની આ કલમોનો ગેરલાભ પણ ઉઠાવાતો હોય છે અને ખાસ કરીને પુરુષો સામે ખોટી ફરિયાદો પણ દાખલ થતી હોય છે.
હમણાં બેંગલુરૂમાં અતુલ સુભાષ નામના યુવાને આત્મહત્યા કર્યા પછી એની સ્યુસાઇડ નોટ અને વિડીયોમાં જે વાતો બહાર આવી છે એ પછી ફરી એકવાર સવાલ ઉઠ્યો છેઃ શું દરેક વખતે મહિલા સાચી જ હોય છે? અહીં દરેક મહિલા ખોટી ફરિયાદ જ કરતી હોય છે એમ કહેવાનો આશય નથી, પણ ક્યારેક સૂકા ભેગું લીલું બળે એ ન્યાયે નિર્દોષ પુરુષો પણ દંડાતા હોય છે.
સવાલ એ થાય કે શું મહિલા સુરક્ષા માટે બનેલા કાયદા સ્ત્રી માટે વેર વાળવાનું હથિયાર છે? આવો જાણીએ, શું કહે છે સમાજના વિવિધ વર્ગના લોકો આ અંગે?
પ્રમીલા રામજીભાઈ, ASI, અમદાવાદ
“હું મારા વિસ્તારમાં મહિલા અને બાળકો માટે કાર્યરત છું, સામાન્ય રીતે કોઈ પણ કેસ આવે તે પહેલા અમે મહિલા સાથે ચર્ચા કરીએ છીએ. પછી એ વિષય પર મહિલાના ફરિયાદ સંબંધિત વિષય પર જાણકારી મેળવયે છીએ. ત્યાં સુધીમાં ફરિયાદની સામાન્ય અરજી જ લેવામાં આવે છે. જેથી કરી આ પ્રકારના ખોટા કેસમાં કોઈ પણ પુરુષ ફસાય નહીં. જે બાદ અમે મહિલાના પતિ અને ફરિયાદ પર ઈન્વેસ્ટીગેશન કરીએ છીએ. આ તમામ પ્રક્રિયા દરમિયાન જો કોઈ મહિલા ખોટી દેખાય તો તેના પર પણ એક્શન લેવાય છે. અમે લગ્ન સંસારને લગતા કેસ પર ત્વરીત એક્શન નથી લેતા, કેમ કે આ લગ્ન સંબંધ માત્ર પતિ પત્નીનો નથી હોતો તેની સાથે બાળકો અને બે પરિવાર પણ હોય છે. જેથી કરી કોઈ પણ માસૂમના જીવન પર ખરાબ છાપ ના છૂટે તે વાતનું પણ ધ્યાન રાખીએ છીએ. ઘણી વખત એમ પણ બને કે મહિલા વિકલના પ્રભાવમાં આવી જાય આવી શક્યતાને નકારી ના શકાય”
પાર્થ રાવલ, એડવોકેટ, સિટી સિવિલ સેશન કોર્ટ અને હાઈકોર્ટ, અમદાવાદ
“લોકોએ કાયદાથી જાણકાર થવું જોઈએ, કાયદો એવા લોકોને જ મદદ કરશે જે કાયદાના જાણકાર છે. સ્ત્રીને તેનું સરક્ષણ કરવા ઢાલ રૂપી બની રહે તે હેતુ થી કાયદા તેમની તરફેણ માં બનાવેલ છે પણ હાલ કેટલીક સ્ત્રીઓ તે કાયદાઓનો તલવાર સ્વરૂપે દૂર ઉપયોગ કરી રહેલ હોય તેમ લાગી રહ્યું છે. સામાન્ય રીતે બે ભાગ છે એક તો અર્બન એરીયા અને બીજો છે વિલેજ એરીયા, અર્બન એરિયામાં લગભગ 80 થી 90 ટકા કેસ ખોટા થતાં જણાઈ આવે છે. વિલેજ એરીયામાં 50 ટકા કેસ ખોટા થતાં જણાઈ આવે છે. આવા જ થતાં કેસોને લઈ સુપ્રીમ કોર્ટ દ્વારા પણ તમામ કોર્ટને જરૂરી સુચનો પણ કર્યા છે કાયદામાં સુધારા પણ લાવે છે. ઘણી વખત ભરણપોષણ માટે મહિલા પોતાના આવકના સ્ત્રોત છુપાવતી હોય છે. ભરણપોષણના કેસમાં પણ સુપ્રીમ કોર્ટ દ્વારા આવક અને મિલકત બાબતે પુરાવા અને સોગંદનામુ આપવા ફરમાવેલ છે, જેથી કરી કોઈ મહિલા પુરુષ પર ભરણ પોષણનો કેસ કરે ત્યારે પુરુષ સાથે અન્યાય ન થાય. પુરુષને પત્ની તરફથી શારીરિક કે માનસિક ત્રાસ મળે ત્યારે માત્ર ડાયવોર્સ કેસ સિવાય બીજા કેસ કરવા માટે પ્રાવધાન નથી, જ્યારે મહિલાને મળતા શારીરિક, માનસિક ત્રાસ બાબતે ડાયવોઝ, ડોમેસ્ટિક વાયોલાન્સ, દહેજ ધારા, ભરણપોષણ કેસ બી.એન.એસ કલમ 84 ,(આઇ.પી.સી 498A)ફાઈલ કરે છે. ક્યારેક પોતાનું ધાર્યું કરવા કરાવવા આ કાયદાઓનો ઉપયોગ કરી દબાણ ઉભુ કરી ડાયવોઝ મેળવે છે અથવા ધાર્યું કરાવે છે. આવા સમયે પુરુષ ઉપર કે તેના પરિવાર ઉપર જો પત્ની અથવા અન્ય સ્ત્રી દ્વારા ખોટા આક્ષેપો કરી ફરિયાદ, FIR અથવા કોર્ટ માં અરજી કરવામાં આવે ત્યારે ગભરાવાની કે ડિપ્રેશનમાં આવવાની જરૂર નથી. નિષ્ણાત વકીલને મળીને હાઇકોર્ટ માં કોસિંગ પિટિશન કરી ફરિયાદ/ અરજીઓ પર સ્ટે, અથવા કોસ/કેન્સલ પણ કરવી શકાય છે.”
ડૉ. ઝરણા પાઠક, ડિરેક્ટર, અવાજ સંસ્થા, અમદાવાદ
“મારા મત પ્રમાણે, પુરુષ પર ખોટા આરોપ લગાવવાના કેસ એટલા મોટા પ્રમાણમાં નથી બનતા. કોઈક જ એવા કેસ હશે, જેમાં કાયદાનો દુરુપયોગ થાય. આ વસ્તુની નોંધ લઈ તંત્ર વધુ સતર્કતાથી કામ કરે તો, બીજી વખત આવું બનશે નહીં. કેમ કે, આવા કેસમાં પોલીસ તરત ફરિયાદ લેતી જ નથી. આવા કેસમાં જીતવાથી વધુ હારવાની શક્યતા હોય છે. કોઈ પણ એક કેસને લઈ બધા પર જર્જમેન્ટ પાસ કરવું એ બીજા કેસો માટે પણ યોગ્ય નથી. એટલા માટે જ સામાન્ય ઘરની સ્ત્રીઓ કોર્ટ સુધી પહોંચી જ શકતી નથી. ઘણી વખત એવું પણ બનતું હોય કે મહિલાને વકિલ દ્વારા કહેવામાં આવતું હોય કે, આવું કરવાથી કેસ સ્ટ્રોંગ થશે. આવા કેસમાં તંત્રએ એક્શન લેવું જોઈએ, વધુ સતર્કતાથી કેસની સંપૂર્ણ તપાસ કરવી જોઈએ.”
હેતલ પટેલ, આચાર્ય, હોલી ચાઈલ્ડ સ્કૂલ, કલોલ
“આ પ્રકારના કેસમાં ઘણી વખત ખોટું પણ અને ઘણી વખત સાચુ પણ હોય છે. મહિલા માટે આટલી બધી સુવિધા મળી છે, તેનો દુરુપયોગના કરવો જોઈએ. આ પ્રકારના કેસથી સમાજનો પણ સ્ત્રી પરનો ભરોસો ડગી જાય છે. સ્ત્રી એક ઘરનું કેન્દ્ર બિંદુ હોય છે તેને આવુ ના જ કરવું જોઈએ. પહેલાના સમયમાં પુરુષ ભણી ગણીને પણ અભણ સ્ત્રીઓને અપનાવતા હતા. પણ હવેના સમયમાં ભણેલી સ્ત્રી અભણ પુરુષને અપનાવતી નથી. ભાષાકીય શિક્ષણ નબળું પડ્યું એ પણ ક્યાંકને ક્યાંક આવું થવાનું કારણ બની શકે છે. પહેલાના સમયમાં શિક્ષણ સાથે સંસારના મૂલ્યોના પણ પાઠ ભણાવવામાં આવતા હતા, જે આજે ખોવાય ગયા હોય તેવું લાગી રહ્યું છે.”
રાજુભાઈ સરવૈયા, સામાજીક કાર્યકર, અમદાવાદ
“આવા કેસોનું પ્રમાણ ખુબ ઓછું હોય પણ, ઘણી વખત સમય સંજોગો પણ આ પ્રકારના કેસમાં મહત્વ પૂર્ણ ભૂમિકા ભજવતા હોય. અત્યારનો સમય એવો છે બધી વસ્તુ આપણે ફોન કે સોશિયલ મીડિયામાં જોઈ શકીયે છે. ત્યારે આ સોશિયલ મીડિયાથી ઘણી વખત નાની વસ્તુઓ મોટી બબાલનું સ્વરૂપ ધારણ કરી લે છે. હું સોશિયલ મીડિયાનો કોઈ વાંક નથી બતાવી રહ્યો, પરંતુ તમામ વસ્તુ અસર કરતી હોય છે. લગ્ન સંસાર ત્યાગ અને સમર્પણની સુગંધીત થતું હોય છે. પણ જ્યારે ત્યાગની ભાવના જતી રહે છે, ત્યારે બદલાની ભાવનાથી આવી નિર્ણય લેવાય જતા હોય છે. આવા કેસોમાં કાયદો ખુબ સરસ કામ કરે છે અને સત્યને ન્યાય આપે છે.”
ભાવિક મોદી, આઇટી એન્જિનિયર, અમદાવાદ
“સ્ત્રી સુરક્ષાને સમર્થન આપનાર કાયદાનો હેતુ પીડિત મહિલાઓને ન્યાય પ્રદાન કરવાનું છે. જો કે, કેટલાક કેસોમાં દુરુપયોગ થાય છે, તો તેનો અર્થ એ નથી કે આખી વ્યવસ્થાને ખોટી માનવી જોઈએ. કાયદાઓના દુરુપયોગની શક્યતા દરેક ક્ષેત્રમાં હોય છે, અને તે માટે યોગ્ય તપાસ અને તકેદારી જરૂરી છે. તમામ પક્ષોને સાંભળીને નિર્ણય લેવો જરૂરી છે. આપણે આ પ્રકારના કેસોને પારદર્શિતા માટે ડિજિટલ મોનિટરિંગ સિસ્ટમ લાવવી જોઈએ. આ સાથે ફેક્ટ-ચેકિંગ અને ડેટા એનાલિટિક્સ દ્વારા બંને પક્ષો દ્વારા કરવામાં આવેલા દાવાનું મૂલ્યાંકન કરવું જોઈએ. અંતે તો કાયદો મહિલાઓની સુરક્ષા માટે જ બનાવવામાં આવ્યો છે”