રાવ્યા એક વ્યસ્ત વર્કિંગ વુમન છે. કામના ભારણ અને રોજિંદી જવાબદારીઓના કારણે સતત તણાવમાં રહેતી હતી. ઘણી વખત ગુસ્સામાં આવીને એ પતિ આદિત્યને કહેતી કે, ઘર, નોકરી અને આ વ્યવહાર-તહેવારોની જવાબદારીઓ મારાથી હવે સંભાળાતી નથી. બધું છોડીને ક્યાંક દૂર ચાલી જવાનું મન થાય છે, પરંતુ બાળકો અને તમારી ચિંતા મને રોકે છે. આદિત્ય એને શાંત થવા અને થોડો વિરામ લેવાનું કહેતો, પરંતુ રાવ્યાને લાગતું કે કોઈ સામાન્ય બ્રેકથી એને રાહત નહીં મળે.
રાવ્યાની વધતી ચિંતા જોઈ આદિત્યએ ડોક્ટરની સલાહ લીધી. ડોક્ટરે રાવ્યાને દવાની નહીં, પરંતુ માઈન્ડફુલનેસ થેરાપીની કરવાની સલાહ આપી, જે એક પ્રકારનું ધ્યાન છે. આ થેરાપી લીધા પછી થોડા સમયમાં રાવ્યાના જીવનમાં નવી ઊર્જા અને તણાવમુક્તિ આવી, જેણે એને માનસિક શાંતિ અને જીવનમાં સંતુલન પ્રાપ્ત કરવામાં મદદ કરી.
માઈન્ડફુલનેસ થેરાપીમાં જરૂરી છે…
માઈન્ડફુલનેસ થેરાપી એ એક એવી પદ્ધતિ છે જેમાં વ્યક્તિને વર્તમાન ક્ષણમાં જીવવાનું અને પોતાના વિચારો, લાગણીઓ તેમજ શારીરિક અનુભવો પર ધ્યાન આપવાનું શીખવવામાં આવે છે, બિનજરૂરી નિર્ણયો લીધા વિના. માઈન્ડફુલનેસ થેરાપીમાં શ્વાસ પર ધ્યાન, શરીરની જાગૃતિ, અને મનની શાંતિ વધારવા માટેની વિવિધ ટેકનીકોનો સમાવેશ થાય છે. આ થેરાપીને નિયમિત રીતે અનુસરવામાં આવે તો ધીમે-ધીમે ડિપ્રેશનમાં રહેતી વ્યક્તિ પણ ખુશ રહેતા શીખી જાય છે.
આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતાં અને નિયમીત ધ્યાન કેન્દ્રમાં જતા અર્ચના ચંદ્રેશકુમાર બારોટ કહે છે, “આ થેરાપી કરવા માટે કોઈ ખાસ જગ્યાએ જવાની જરૂર નથી, કે નથી મસમોટી ફી ચૂકવવાની જરૂર. માઈન્ડફુલનેસ થેરાપી તમે ગમે ત્યારે ગમે ત્યાં બેસીને ધ્યાન કરી શકો છો. જેમ કે ઘરમાં જમીન પર બેસીને કે પછી ખુરશી પર બેસીને પણ કરી શકો છો. કમરને ટટ્ટાર રાખી બેસો અને દસ મિનિટ સુધી ધ્યાન કરો. તમારી સમક્ષ જે સ્થિતિ છે એનો સ્વીકાર કરી માત્ર એટલું જ વિચારો કે જે સત્ય છે તે સામે છે, અને જે થવાનું છે એ થઈને જ રહેશે. બસ, આ રીતે પંદર દિવસ નિયમિત કરવાથી ચોક્કસથી ઊર્જા મળે છે.”
ખુશ રહેવાથી જ મુશ્કેલીઓનો હલ થશે
આ થેરાપી દ્વારા જે ક્ષતિ હોય એની સાથે આપણે જોડાઈ જઈએ છીએ. એટલું જ નહીં, એને સ્વીકારી પણ લઈએ છીએ. માટે ભવિષ્યમાં શું બનશે, વર્તમાનમાં કેમ આવું બની રહ્યું છે કે ભૂતકાળ કેમ નબળો હતો. આ બધાં કારણ વગરના વિચારોથી મુક્તિ મળી જાય છે. એ હકીકત સ્વીકારી લઈએ છીએ કે જે નજર સમક્ષ છે એ જ સત્ય છે. એમાં ખુશ રહેવાથી જ મુશ્કેલીઓનો હલ થશે.
આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા સરોજ પ્રકાશભાઈ ચૌહાણ કહે છે, “રોજના અનેક કામો મારે ફરજિયાત કરવા પડે છે. ઘણીવાર એકસરખાં કામો કરવાથી માનસિક અને શારીરિક થાક લાગે છે. માનસિક થાક શરીર અને મન બંનેને નબળાં પાડે છે. મેં માઈન્ડફુલનેસ થેરાપી અપનાવી, જેનાથી મારું મન ખુશ રહે છે, શરીર અને મનને આરામ મળે છે, નવા વિચારો તેમજ કામ પ્રત્યે ઉત્સાહ વધે છે.”
માઈન્ડફુલનેસ થેરાપીના ફાયદા
તણાવ ઘટાડવો: માઈન્ડફુલનેસ ચિંતા અને તણાવ ઘટાડવામાં મદદ કરે છે, જેનાથી મન શાંત થાય છે. |
માઈન્ડફુલનેસ થેરાપીનો ટૂંકમાં સમજીએ તો ભવિષ્યની ચિંતા છોડી, વર્તમાનમાં જીવો અને જે કરો એના પર ધ્યાન કેન્દ્રિત કરો. આ માટે છ બાબતોનું ધ્યાન રાખો. ભવિષ્ય વિશે ન વિચારતાં મનને શાંત રાખો, પોતાના શરીર અને લાગણીઓ પર ધ્યાન આપો, સત્યને સ્વીકારી સકારાત્મક વિચારો, પાંચ ઇન્દ્રિયોનો ઉપયોગ કરી સ્વ-જાગૃત રહો, વાસ્તવિકતાને સમજી વ્યક્તિને જેવું છે એવું સ્વીકારો, અને એક સમયે એક જ કામ કરી શાંતિથી સાંભળો અને કામ કરો. આ પ્રથા જીવનને સરળ અને શાંત બનાવે છે.
હેતલ રાવ
