આ છે વિશ્વના પ્રસિદ્ધ અને પ્રાચીન નૃત્ય

નવલી નવરાત્રી ચાલી રહી છે, ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે. આમે ગરબાની વાત આવે એટલે પગ જાણે ઓટોમેટિક જ થિરકવા લાગે. હવે તો ગુજરાતના ગરબા વિદેશની ભૂમિ પર પણ ધૂમ મચાવી રહ્યા છે. ત્યારે સવાલ એ પણ થાય કે ભારતમાં જેમ ગરબાનું મહત્વ છે એ જ રીતે અન્ય દેશોની નૃત્ય શૈલી કેવી હશે? આમ પણ ગરબા નૃત્યની જ એક શૈલી છે. એ વાતમાં કોઈ બે મત નથી કે ભારતમાં નૃત્ય મહત્વનું સ્થાન ધરાવે છે. નૃત્ય આધ્યાત્મિક સાધના છે તો નૃત્ય પૂજા પણ છે. જો કે જુદા-જુદા દેશોમાં નૃત્યની વિશેષતા પણ જુદી છે. ભારતમાં, નૃત્યને આધ્યાત્મિક અભ્યાસ અને આદ્યા શક્તિની આરાધનાનું એક સ્વરૂપ માનવામાં આવે છે. નૃત્યની વિવિધ શૈલીઓ સમગ્ર વિશ્વમાં પ્રચલિત છે. ત્યારે જાણીએ વિશ્વના કેટલાક જાણીતા નૃત્યો વિશે..

ગરબા (ભારત)

છેલ્લા 5,000 વર્ષની પરંપરાથી પ્રાપ્ત થયેલી ગુજરાતની આગવી કળા એટલે ગરબો. ગરબા એ ગુજરાતનું સાંસ્કૃતિક ગૌરવ છે. સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓની ઓળખ સમા ગુજરાતના આ સૌથી લોકપ્રિય લોકનૃત્યનો યુનેસ્કોએ માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં પણ સમાવેશ કર્યો છે. આમ તો ગરબા ખાસ કરીને આસો સુદ એકમથી શરૂ થાય છે. નવ-નવ દિવસ સુધી ઉજવાતા આ ઉત્સવમાં હવે પરદેશમાં વસતા ગુજરાતીઓ પણ મનભરીને ગરબા રમે છે. જો કે ગરબા નવરાત્રિ સુધી સીમિત નથી ગુજરાતમાં કોઈ પણ સારો પ્રસંગ હોય ત્યારે ગરબા તો રમાતા જ હોય છે.

કેસિનો (ક્યુબા)

ક્યુબામાંથી ઉત્પન્ન થયેલું આ નૃત્ય “સાલ્સા” તરીકે જાણીતું છે. જે કપલ્સ સાથે કરવામાં આવે છે. 1950ના દાયકામાં હવનામાં કેસિનો ક્લબમાં કરવામાં આવતા આ નૃત્યનું નામ “કેસિનો” રાખવામાં આવ્યું. ખાસ કરીને આ નૃત્ય પહેલાના સમયમાં જયાં સામાજિક મેળાવડા થતા કે કોઈ ફેસ્ટિવલ હોય ત્યારે થતું. જો કે આજકાલ સાલ્સા જાણીતું ડાન્સ ફોર્મ પણ છે.

ટેરેન્ટેલા (ઇટાલી)

ટેરેન્ટેલાની શરૂઆત 15મી સદીમાં થઈ હતી. ઈટાલિયન વરુ સ્પાઈડર પરથી એનું નામ આપવામાં આવ્યું છે. દંતકથા પ્રમાણે ટારેન્ટ્યુલા એટલે કે મકડીના કરડવાથી શરીરમાં જે ઝેર ફેલાતું એને દૂર કરવા માટે આ નૃત્યની શરૂઆત કરવામાં આવી હતી. સમયની સાથે ટેરેન્ટેલા નૃત્ય ઈટાલીનું આઈકોનિક નૃત્ય બની ગયું. ખાસ કરીને ઈટાલી નાના મોટા તહેવારોમાં આ ડાન્સ કરવામાં આવે છે. ખાસ કરીને કોઈ પણ પ્રકારનો સામાજિક પ્રસંગ હોય ત્યારે ટેરેન્ટેલા ડાન્સ બેસ્ટ વિશ માનવામાં આવે છે.

આઇરિશ સ્ટેપ ડાન્સ (આયર્લેન્ડ)

આઇરિશ સ્ટેપ ડાન્સ આયર્લેન્ડનું પરંપરાગત નૃત્ય છે, જે એના અનોખા અંદાજના કારણે જાણીતું બન્યું છે. આ નૃત્યમાં શરીરના ઉપરનો ભાગ સ્થિર રહે છે. જ્યારે નૃત્ય કરનારના પગ ખૂબ ઝડપથી સ્ટેપ કરે છે. રિવર ડાન્સ નામના નૃત્ય કાર્યક્રમમાં 1994માં યુરો વિઝન સોન્ગ કોન્ટેસ્ટમાં પ્રદર્શન આપ્યા પછી આઇરિશ સ્ટેપ ડાન્સને આંતરરાષ્ટ્રીય સ્તરે લોકપ્રિયતા મળી. આ નૃત્ય શૈલીમાં ખાસ પ્રકારના પગરખાં પહેરવામાં આવે છે. જેનાથી ટેપ અવાજ ઉત્પન્ન થાય આઇરિશ સ્ટેપ ડાન્સ માટે પરંપરાગત આઇરિશ સંગીત, ખાસ કરીને ફિડલ એટલે કે વીણા, વ્હિસલ, બોડીહ્રાન ડફ અને ટીન વ્હિસલ જેવા સાધનો વપરાય છે. 18મી સદીમાં શરૂ થયેલું આ નૃત્ય આઇરિશ લોકપ્રદાંશમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કેથોલિક ચર્ચ અને લોકલ સામાજિક કાર્યક્રમના મેળાવડાઓમાં આ નૃત્ય મહત્વ ધરાવે છે.

 ભાંગડા (ભારત)

ભાંગડા પંજાબનું ખૂબ જ ઊર્જાસભર અને ઉત્સાહપૂર્વક કરવામાં આવતું લોકનૃત્ય છે. ભાંગડા નૃત્ય કૃત્ય અને સંગીત બંનેના સંગમથી જન્મ્યું છે, અને એનું મૂળ એ કૃષિ ઉત્સવ સાથે જોડાયેલું છે. ખેડૂતો હર્ષ અને ઉત્સાહની સાથે ભાંગડા દ્વારા એમના શ્રમને ઉજવવા નૃત્ય કરતા. ફાગણ માસ, એટલે કે વસંતઋતુમાં ફસલ કાપતી વખતે, ભાંગડા એમના પ્રસંગ ઉપસ્થિત કરતું નૃત્ય હતું. સમય જતાં, એ લગ્ન સમારંભો, તહેવારો અને અન્ય પ્રાસંગિક કાર્યક્રમોનું મુખ્ય ભાગ બન્યું. જો કે હવે ભાંગડા માત્ર પંજાબ અથવા ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત બન્યું છે. ખાસ કરીને યુકે, કેનેડા, યુએસએ અને અન્ય દેશોમાં પ્રચલિત છે, જ્યાં પંજાબી અને ભારતીય સમુદાયના લોકો વસે છે. આ નૃત્યને આધુનિક મ્યુઝિક સાથે મિશ્રિત કરીને નવી શૈલીની ઓળખ પણ મળી છે. જેને “પોપ ભાંગડા” અથવા “ભાંગડા ફ્યુઝન” કહેવામાં આવે છે.

હેલે (તુર્કી)

હેલે તુર્કીનું પરંપરાગત લોકનૃત્ય છે, જે સમૂહમાં કરવામાં આવે છે. તુર્કીમાં હેલે નૃત્ય દરેક ક્ષેત્રમાં કરવામાં આવે છે, અને દરેક ક્ષેત્રમાં આ નૃત્યના અલગ-અલગ પ્રકાર જોવા મળે છે. ખાસ કરીને આ નૃત્યમાં નૃત્યકર્તાઓ પરંપરાગત તુર્કી કપડાં પહેરે છે, જેમાં અને રંગબેરંગી પોશાક, ટોપી અને અન્ય ઔપચારિક પરિધાન શામેલ છે.

નૃત્યના ઇતિહાસની વાત કરીએ તો હેલે નૃત્યનું મૂળ તુર્કીના અનુમાનિત આદિકાળના જંગી સમાજ સાથે જોડાયેલું છે. આ નૃત્ય મૂળભૂત રીતે જંગી વિજયનો ઉત્સવ અને સાંપ્રદાયિક એકતાને વ્યક્ત કરતો હતો. સમય જતાં, હાલે તુર્કી સમાજમાં લગ્ન, તહેવારો અને અન્ય સામાજિક પ્રસંગોમાં મુખ્ય ભાગ બન્યું. હેલે માત્ર એક નૃત્ય નથી, પરંતુ તે તુર્કી સમાજમાં એકતાનું પ્રતિક છે.

ગમબૂટ ડાન્સ(દક્ષિણ આફ્રિકા)

આ નૃત્ય દક્ષિણ આફ્રિકાની ઐતિહાસિક સંસ્કૃતિ અને મજૂરોના જીવનની પરિસ્થિતિને વ્યક્ત કરે છે. આજે એ મજદૂર વર્ગના સંઘર્ષ અને એકતાનું પ્રતિક છે, જેનાથી માનવતા અને સાંસ્કૃતિક વારસાની જાળવણી થાય છે. એટલું જ નહીં ગમબૂટ ડાન્સ દક્ષિણ આફ્રિકાનું લોકપ્રિય નૃત્ય છે, જે ઐતિહાસિક રીતે ખાણમાં કામ કરતાં મજૂરો દ્વારા વિકસિત થયું છે. આ નૃત્યનું નામ એમના વસ્ત્રોના એક મહત્વપૂર્ણ ભાગ, એટલે કે ગમબૂટ (રબરની લંબચોરસ બૂટ્સ) પરથી પડ્યું છે, જે આ મજૂરો ખાણમાં કામ કરતી વખતે પહેરે છે. આ નૃત્ય શૈલી પાછળ પણ અનોખો ઇતિહાસ છે. પહેલાના સમયમાં ખાણમાં પાણી ભરાવાની સમસ્યા હતી, અને મજૂરો ભીંજાઈ જવાનું ટાળવા માટે રબરના બૂટ પહેરતા. જેના કારણે કામ કરતા સમયે આ બૂટ માંથી અલગ પ્રકારનો અવાજ ઉત્પન્ન થતો. કહેવાય છે કે આના કારણે જ ગમબૂટ નૃત્યનું સર્જન થયું.

આ નૃત્ય દક્ષિણ આફ્રિકાના સાંસ્કૃતિક સમારંભોમાં અને તહેવારોમાં કરવામાં આવે છે. આ પ્રદર્શનમાં મજૂરોના વારસાને ઉજાગર કરવામાં આવે છે. દક્ષિણ આફ્રિકાના મિલિટરી અથવા સામાજિક ઉજવણીના ભાગ રૂપે પણ ગમબૂટ ડાન્સ થાય છે. આ ડાન્સ દક્ષિણ આફ્રિકા બહાર પણ લોકપ્રિય બન્યો છે. જેને આંતરરાષ્ટ્રીય સ્તરે લોક નૃત્ય શૈલીમાં સામેલ કરવામાં આવ્યું છે.

સાંબા (બ્રાઝિલ)

સાંબા નૃત્ય બ્રાઝિલની સાંસ્કૃતિક ઓળખનું પ્રતિક છે અને આજે તે આખા વિશ્વમાં જાણીતું છે. અનેક દેશોમાં સાંબા તાલીમ અને વર્કશોપ યોજાય છે, અને તે બોલીવુડ તથા હોલીવુડ જેવા ફિલ્મ ઉદ્યોગોમાં પણ ઉપયોગમાં લેવાયું છે. સાંબા એ માત્ર એક નૃત્ય નથી, એ બ્રાઝિલની જાતીયતા, ઉત્સવ અને સામાજિક ચેતનાનું પ્રતીક છે, જેની વ્યાપકતા અને પ્રભાવ વિશ્વભરમાં અનુભવાય છે. સાંબા નું મૂળ 19મી સદીના અંતમાં બ્રાઝિલમાં આફ્રિકન દાસોના આધારે પડ્યું. આ નૃત્યનો ઉદય સંઘર્ષની પરિસ્થિતિઓમાંથી થયો.  ખાસ કરીને રિયો ડી જનેરો અને અન્ય શહેરોમાં લોકપ્રિય બન્યું. 20મી સદીના શરૂઆતમાં, સામ્બા બ્રાઝિલના ગરીબ વિસ્તારના લોકગીત અને નૃત્ય તરીકે વિકસ્યું, અને એ રાષ્ટ્રીય છબીનું પ્રતીક બની ગયું. 1920ના દાયકામાં, સાંબા રિયો કાર્નિવલમાં મહત્વનું સ્થાન મેળવ્યું, ત્યાર પછી એ સમગ્ર બ્રાઝિલ અને પછી આખા વિશ્વમાં પ્રસિદ્ધ થયું.

ફ્લેમેન્કો  (સ્પેન)

આ નૃત્ય શાસ્ત્રીય ગિટાર, તાળીઓ અને પગલાંના ઝનકાર સાથે કરવામાં આવે છે. સ્પેનના આંદલુશિયા પ્રાંતના જિપ્સી અને મુસ્લિમ સંસ્કૃતિના મિશ્રણથી આ નૃત્ય જન્મ્યું. ફેસ્ટિવલ અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં આ ડાન્સ કરવામાં આવે છે.

ફ્લેમેન્કો સ્પેનનું લોકપ્રિય અને પરંપરાગત નૃત્ય શૈલી છે. 18મી સદીમાં સૌ પ્રથમ વખત આ પ્રકારની શૈલીનું નૃત્ય થયાનું માનવામાં આવે છે. જેમાં સંગીત, નૃત્ય અને ગીતનો અનોખો સમન્વય જોવા મળે છે. આ નૃત્યની વિવિધ શૈલીઓ છે જેમ કે, બુલેરિયા, અલેલિઆ, ફંડાંગો, અને સેગિરિયા. દરેક શૈલીમાં લય અને અભિવ્યક્તિ અલગ હોય છે, જેમાં દુઃખ, આનંદ, અને જુદા જુદા ભાવોને પ્રગટ કરવામાં આવે છે. ફ્લેમેન્કો વિશ્વભરમાં લોકપ્રિય છે અને એને યુનેસ્કો દ્વારા માન્યવાર આપવામાં આવી છે.

હુલા (હવાઇ)

હુલા નૃત્ય હવાઇની પરંપરાગત નૃત્ય શૈલી તરીકે ઓળખાય છે, જે હવાઇની સંસ્કૃતિ અને વારસાનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. આ નૃત્ય હવાઈના પ્રાચીન દેવતા, કુદરત, પૌરાણિક કથાઓ અને ઇતિહાસની કથાઓને વ્યક્ત કરવા માટે કરવામાં આવે છે. હુલા નૃત્યના બે મુખ્ય પ્રકાર છે હુલા કાહિકો જે હવાઈના પ્રાચીન નૃત્યનું રૂપ છે, જે મહાન પૌરાણિક વારસાની કથાઓને વ્યક્ત કરવા માટે કરવામાં આવે છે. આ શૈલીનું નૃત્ય ડ્રમ્સ, શંખ અને અન્ય પરંપરાગત વાદ્યો પર આધારીત છે, જેમાં હવાઇની ઐતિહાસિક ઘટનાઓ અને દેવતાઓના દર્શન થાય છે. બીજો પ્રકાર છે હુલા અઉઆ,  આ 19મી સદીમાં વિકસિત થયેલું અને આધુનિક હુલા નૃત્ય છે, જેમાં પરંપરાગત ઘાટને આબેહૂબ સંગીત અને આધુનિક વાદ્ય સાથે રજૂ કરવામાં આવે છે. હવાઇયન ગીતો અને ગિટાર, યુકુલેલે જેવા વાદ્યોનો ઉપયોગ થાય છે.

ખાસ કરીને આ નૃત્યના વસ્ત્રો સૌનું ધ્યાન ખેંચે છે જેમાં નૃત્ય દરમિયાન પહેરવામાં આવતી પરંપરાગત પોશાકોમાં પત્તા, ફૂલો, અને કુદરતી ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. નૃતકો “લોઆ” (સ્કર્ટ) અને “લેઈ” (ફૂલોની માળા) પહેરે છે, જે હવાઇની પ્રકૃતિનું પ્રતિબિંબ છે. હુલા માત્ર નૃત્ય જ નથી, એ હવાઇયન સંસ્કૃતિમાં આધ્યાત્મિક અને ધાર્મિક કથાઓનું પ્રતીક છે. નૃતકો દેવી “લાકા”ને હુલા નૃત્યનું સ્વામી માને છે, અને આ નૃત્યના માધ્યમથી તેઓ પોતાનો આભાર વ્યક્ત કરે છે. આ નૃત્ય હવાઇની પરંપરા અને ભાષાને જીવંત રાખે છે અને એને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ મળી છે.

હેતલ રાવ