સાપના જીવ બચાવનાર આ ઇશાન કોણ છે?

ગુજરાતી કહેવત “મોરાના ઈંડા ચીતરાવા ન પડે” એ અમદાવાદના 16 વર્ષીય ઈશાન લાખાણીના કેસમાં સાચી પડી છે. અત્યાર સુધીમાં સમીરભાઈએ 6000થી વધુ સાપનું અને એ સિવાય પણ ઘણા વાઈલ્ડ એનિમલને રેસ્ક્યૂ કરીને એમના જીવ બચાવ્યા છે. ઈશાનના પિતા સમીર લાખાણી પણ એક વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂર છે. તેઓ પોતાના શોખથી સેવાકીય ભાવે વાઈલ્ડ એનિમલનું રેસ્ક્યૂ કરવા માટે જાય છે. એમના આ 16 વર્ષીય દીકરાએ અત્યાર સુધીમાં 300થી વધુ સાપનું રેસ્ક્યૂ કર્યું છે.

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ઈશાન લાખાણીએ કહ્યું, “ત્રીજા ધોરણમાં હતો ત્યારથી જ પપ્પા સાથે રેસ્ક્યૂમાં જતો હતો. સૌપ્રથમ તો ઉતરાયણના તહેવાર બાદ બર્ડ રેસ્ક્યૂમાં ગયો હતો. નેશનલ જીયોગ્રાફી ચેનલ પર વિવિધ પ્રોગ્રામ્સ જોઈને અને ઘરમાં પપ્પાનું કામ જોઈને મને પણ વાઈલ્ડ એનિમલ અને તેના રેસ્ક્યૂના કામમાં રસ પડ્યો. આથી ચોથા ધોરણમાં એટલે કે 11 વર્ષની ઉંમરે મેં મારો પ્રથમ સ્નેક રેસ્ક્યૂ કર્યું હતું. ત્યારે અમે સુરતમાં રહેતા હતા. અમારી સોસાયટીમાં એક સાપ નીકળ્યો હતો. પપ્પા ઘરે ન હતા. આથી મેં જ સોસાયટીના લોકોને કહ્યું કે ગભરાશો નહીં આ સાપ બિનઝેરી છે કંઈ કરશે નહીં અને સાપનું રેસ્ક્યૂ કરીને ઘરે લઈ આવ્યો હતો. તે ટ્રિનકેટ સ્નેક હતો. પપ્પાની સાથે રહીને મને સાપ અને તેની પ્રજાતિ વિશેની થોડીઘણી સમજણ તે ઉંમરે પડવા લાગી હતી. અત્યારે તો સાપની દરેક પ્રજાતિ વિશે મારી પાસે નોલેજ છે.”

ઈશાનના પિતા સમીરભાઈનું કહેવુ છે કે પતંગની દોરીથી પક્ષીઓને થયેલા નુક્સાનને જોઈને ઈશાન એટલી હદે દ્રવિત થયો કે તેણે ઉતરાયણનો તહેવાર ઉજવવાનું છોડી દીધું. ઈશાન હાલમાં બ્રાઈટ ઈંગ્લિશ મીડિયમ શાળામાં ધોરણ-9માં અભ્યાસ કરે છે. પોતાનું ભણવાનું પૂરું કર્યા બાદ રાત્રે જ્યારે પણ પિતાને રેસ્ક્યૂ કોલ આવે ત્યારે ઈશાન પણ સાથે જતો હોય છે.

ઈશાનના કામ વિશે પિતા સમીર લાખાણીએ ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા જણાવ્યું કે, ઉનાળામાં જ્યારે અમે કોઈ સાપને રેસ્ક્યૂ કરીએ ત્યારે તેને તરત જ દિવસે છોડી મૂકતા નથી. કારણ કે ટેમ્પરેચર વધારે હોય. આથી હું એ સાપને ઘરે લઈ આવું. ત્યારે ઈશાન પણ તેને જુએ. તેના વિશે તેને બધી માહિતી આપું. કઈ પ્રજાતિનો છે, બીન ઝેરી છે કે ઝેરી છે. રાત્રે સાપને છૂટો મૂકવા જાઉં ત્યારે એ મારી સાથે પણ આવે. આમ, ધીમે-ધીમે તેને આ કામમાં અને વાઈલ્ડ એનિમલમાં રસ જાગ્યો. તેને બધી સાપની પ્રજાતિ વિશેની માહિતી આપતો હતો. જો રેસ્ક્યૂ કરવા માટે એ મારી સાથે આવે તો કઈ રીતે રેસ્ક્યૂ કરાય એ સમજાવતો હતો. આથી તેનામાં ઘણી બધી સમજણ ખુબ જ નાની ઉંમરથી આવી ગઈ હતી. એક્સિડન્ટલી એણે અમારી સોસાયટીમાં આવેલો સાપ રેસ્ક્યૂ કર્યો અને તેને ઘરે લઈ આવ્યો. ત્યારથી મને પણ લાગ્યું કે તે સાપ રેસ્ક્યૂ કરી શકે છે. ઈશાને અત્યાર સુધીમાં 300થી વધુ સાપનું રેસ્ક્યૂ કર્યું છે. જો કે તે માત્ર બીનઝેરી સાપોને જ રેસ્ક્યૂ કરે છે. 18 વર્ષ બાદ ફોરેસ્ટ વિભાગની પરીક્ષા પાસ કર્યા બાદ જ તે ઝેરી સાપોનું રેસ્ક્યૂ કરી શકશે.

સમીરભાઈ છેલ્લાં 15 વર્ષથી વાઈલ્ડ લાઈફ એનિમલના રેસ્ક્યૂ સાથે જોડાયેલા છે. આ માટે તેમણે ફોરેસ્ટ વિભાગમાંથી તાલીમ લીધી છે. તેઓ પોતાની NGO લાઈફ ફોર વાઈલ્ડ ફાઉન્ડેશન પણ ચલાવે છે. જેમાં તેમની પાસે અમદાવાદ અને સુરતમાં થઈને 30 કરતા વધારે વોલેન્ટિયર છે. જેઓ વાઈલ્ડ લાઈફ એનિમલના રેસ્ક્યૂના કામમાં ફોરેસ્ટ વિભાગની મદદ કરે છે. આ રીતે સાપ રેસ્ક્યૂના કોલ આવે તો તેમાં પણ જતાં હોય છે. ઈશાન તેમની સાથે આ કામમાં ખુબ જ નાની ઉંમરથી જોડાયેલો છે. મોટાભાગે મોડી રાત્રે આવતા રેસ્ક્યૂ કોલ જલ્દી કોઈ અટેન્ડ ના કરે. ત્યારે સમીરભાઈ અને ઈશાન સાથે આવા કોલ કરવા માટે જતા હોય છે. એક માતા તરીકે બાળકની ચિંતા થવી સ્વાભાવિક હોય છે. ત્યારે ઈશાનના માતા સરોજ લાખાણીને વિશ્વાસ છે કે ઈશાન સાપને સારી રીતે રેસ્ક્યૂ કરી લેશે. આ ઉપરાંત તેને પૂરી તકેદારી રાખવાનું કહેવામાં આવતું હોય છે. જેમ કે પગમાં બૂટ પહેરવા ફરજીયાત છે, ફૂલ જીન્સ અથવા તો ટ્રેક પહેરેલું હોવું જોઈએ, આખી બાંયની ટી-શર્ટ કે શર્ટ પહેરેલો હોવો જોઈએ.

ચોમાસું અને ઉનાળામાં સાપ નીકળવાની ઘટના વધતી હોય છે. ઉનાળામાં તો ઠંડકના કારણે કદાચ સાપ દરમાં બેસી રહેતા હોય છે. પરંતુ ચોમાસામાં તો દરમાં પાણી ભરાય જવાના કારણે સાપ નીકળવાની ઘટનાઓમાં વધારો થતો હોય છે. ત્યારે ઈશાન અને સમીરભાઈ સાથે જ રેસ્ક્યૂ કોલમાં જતા હોય છે. ગુજરાતમાં સાપની જે 63 પ્રજાતિઓ મળે છે તેમાંથી માત્ર ચાર સાપ જ ઝેરી હોય છે. જ્યારે બીજા ઓછા ઝેરી અથવા તો બિન ઝેરી હોય છે. સાપ એ ઠંડા લોહીનું પ્રાણી છે. આથી ચોમાસાની ઠંડકમાં એણે શરીરનું તાપમાન જણાવાય રહે તે માટે ગરમ વસ્તુનો સહારો લેવો પડતો હોય છે. આથી જ ચોમાસામાં ઘરમાંથી, વાડામાંથી, ગાડીના એન્જિનમાંથી, બુટ કે પગ લૂછણિયામાંથી સાપ નીકળવાની ઘટનાઓ બનતી હોય છે. આથી સવારના સમયે બૂટ પહેરતી વખતે અથવા તો ગાડી ચાલુ કરતા સમયે ખાસ ધ્યાન રાખવું પડે છે.

અમદાવાદમાં લગભગ દરેક એરિયામાંથી સાપ નીકળવાની ઘટનાઓ સામે આવે છે. પરંતુ જ્યાં તાજેતરમાં કન્સ્ટ્રક્શન થયું હોય તે વધારે આવી ઘટનાઓ બને છે. ત્યારે ઈશાન જેવાં કિશોરો જ આગળ આવીને લોકોને સાપથી અને સાપને સામાન્ય લોકોથી બચાવે છે. અત્યારે તો ઈશાન શાળામાં અભ્યાસ કરે છે. પરંતુ તેને આ જ ફિલ્ડમાં આગળ વધવું છે અને વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂર બનવું છે. પ્રાણીઓ સાથે તેને ખુબ જ લગાવ છે. એમના  જીવ બચાવવાના કામને ઈશાનને પોતાનું જીવન બનાવી લીધું છે.