શું મહિલાએ પૈસાનો હિસાબ આપવો જરૂરી છે?

અનિકા, તારી સેલેરી આવ્યે તો એક વીક પણ થયું નથી તો પછી તારા સર્વિસ એકાઉન્ટમાં કેમ પૈસા નથી? રાઘવે પત્ની પર શબ્દોના તીક્ષ્ણવાર કરતા પૂછ્યું. અનિકાએ સામો જવાબ આપતાં કહ્યુ કે, મેં મારા બીજા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા છે. રાઘવ ફરી અકળાયો. રાડ પાડતા બોલ્યો કે, તું આવા નાટકો કેમ કરે છે, આ ખાતામાંથી પેલામાં અને પેલામાંથી બીજામાં. ગઈ વખતે પણ તારા પગારમાંથી વધારે પૈસા વપરાઈ ગયા હતા, મેં તને પૂછ્યું તો તે મને આ જ જવાબ આપ્યો હતો. આખરે તારા પગારનો હિસાબ તો આપ? ક્યાં જાય છે આટલા બધા પૈસા?

અનિકા પણ થોડી ગુસ્સે થતા બોલી કે, રાઘવ એ મારા પૈસા છે, હું નોકરી કરું છું, મને મારા પૈસા વાપરવાનો હક નથી? જવાબ સાંભળીને રાઘવ વધારે ગુસ્સામાં આવી ગયો અને સ્પષ્ટ ભાષામાં અનિકાને કહી દીધું, આ મારા પૈસા શું હોય?  હું તને રાખુ છું, ખવડાવું છું, ફરવા લઈ જઉં છું એ બધા મારા જ પૈસા હોય છે ને? માટે તારે મને પૈસાનો હિસાબ તો આપવો જ પડે. તારી કમાણી પર મારો પણ હક છે જ અને તારી ફરજ છે મને હિસાબ આપવાની.

અનિકાએ વધારે દલીલ કરી તો રાઘવે બધી શરમ છોડીને કહી દીધુંઃ મારી સાથે રહેવું હોય તો હિસાબ તો આપવો જ પડશે સમજી?

સવાલ એ છે કે, શું ખરેખર મહિલાએ હિસાબ આપવો પડે? પિતા, ભાઈ, પતિ અને પુત્રને દરેક પૈસાનો હિસાબ આપવો મહિલા માટે કેમ ફરજીયાત છે? ક્યારેક મજબૂરીમાં તો ક્યારેક કંકાસના કારણે તો ક્યારેક ડર અને અન્ય સામાજિક બંધનો વચ્ચે ફસાયેલી મહિલા બાળપણથી જ પાઈપાઈનો હિસાબ આપવા કેમ બંધાયેલી રહે છે?

 મહિલાઓ પરિવારનો મુખ્ય આધારસ્તંભ હોય છે

કહેવામાં આવે છે કે મહિલાઓ પરિવારનો મુખ્ય આધારસ્તંભ હોય છે. પરંતુ ઘણા પ્રસંગો એવા હોય છે જ્યાં મહિલાને નાની વયથી જ પોતાના પૈસાનો હિસાબ આપવો પડે છે. પહેલા પિતાને, પછી ભાઈને, ત્યારબાદ પતિને અને છેલ્લે પુત્રને. સામાન્ય રીતે આ હિસાબ ધારાને આધારે જ એક મહિલાના જીવનની સફર નક્કી થતી હોય છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ‘વિંગ્સ ટુ ફ્લાય ધ ફાઉન્ડેશન’ના ફાઉન્ડર અર્પિતા વ્યાસ કહે છે, “હા એ વાત બિલકુલ સાચી છે કે મહિલાઓને પોતાની આવકનો પણ હિસાબ આપવો પડે છે. હકીકતમાં કોઈ પણ સ્ત્રી હોય એ પરિવાર માટે જ કામ કરતી હોય છે. એની આવકનો મોટાભાગનો હિસ્સો ઘર, બાળકો અને વ્યવહાર પાછળ જ વપરાતો હોય છે. ઘણીવાર તો મહિલા પોતાની જાતે જ ઘરની અનેક જવાબદારી ઉપાડી લે છે. એ અલગ વાત છે કે એમની આ સમજણને પણ ફરજનો ભાગ માની લેવામાં આવે છે. આ કહેવાતી ફરજ પાછળ થતો ખર્ચનો હિસાબ પણ જયારે મહિલાઓ પાસે માંગવામાં આવે એ યોગ્ય નથી. આજે તો મોટા ભાગે પતિને મદદ કરવાના આશય સાથે પત્ની કામ કરતી જ હોય છે. છતાં એના પૈસાનો પણ હિસાબ રાખવામાં આવે છે. જો એ પોતાની ઇચ્છાથી બે પૈસા વાપરે તો પણ એને કેટલુ સાંભળવું પડે છે. સમાજમાં ચોક્કસથી આધુનિકતા આવી છે. છતાં વુમન એમ્પાવરમેન્ટની વાત અનેક જગ્યાએ પોકળ દાવા જેવી છે.”

પુરુષ પૈસાનો હિસાબ માંગે એમાં નવાઈ શેની?

જ્યારે એક છોકરી નાની હોય છે, ત્યારે એનો દરેક ખર્ચ પિતાની મંજૂરીથી જ થાય છે. એને કહેવામાં આવે છે કે તારે આની જરૂરી નથી કે પછી આ વસ્તુ ઘણી મોંઘી છે. આ વસ્તુ વગર કામ ચલાવતા શીખ. છોકરીને એના શોખને લગતા મુદ્દે મર્યાદિત કરી દે છે. બાળપણની આ સ્ટેજમાં જ એ સમજી લે છે કે પૈસાનો ઉપયોગ એની વ્યક્તિગત ઇચ્છાઓ માટે નહી પણ પરિવારની જરૂરિયાત માટે થવો જોઈએ.

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અભિનેત્રી અને નિર્માતા વિવેકા પટેલ ચિત્રલેખા.કોમને કહે છે, આજે મહિલાને કમાવવાની ફ્રીડમ મળી છે. પરંતુ પૈસા વાપરવાની ફ્રીડમ નથી મળી. બાળપણથી જ દીકરી પોતાની માતાને જોઈને મોટી થાય છે. મમ્મી પપ્પાને દરેક પૈસાનો હિસાબ આપે છે. માટે એ જ સાચી રીત હશે એવુ પણ માની બેસે છે. થોડી મોટી થતા ભાઈ પણ એને પુછે કે તારી પોકેટ મનીના પૈસા ક્યાં ગયા? એટલે એનો બાળપણનો વિશ્વાસ વધારે અડગ બને કે હા પૈસાનો હિસાબ લેવાનો પિતા, ભાઈ, પતિ અને પુત્રને હક છે. પરંતુ એવું નથી હોતું. પોતાની આવકનો પોતાની મરજીથી હિસાબ રાખવો એ જુદી વાત છે અને હિસાબ કોઈને આપવો એ અલગ વાત છે. કોઈ પણ સ્ત્રી ક્યારેય ખોટો ખર્ચ ન કરે. અને મોટાભાગે તો દરેક મહિલા પાસે એના એક એક રૂપિયાનો હિસાબ હોય જ. હિસાબ રાખે તો વાંધો નહીં પરંતુ આજના સમયમાં જો એને હિસાબ રાખવા માટે મજબૂર થવું પડે એ યોગ્ય નથી.

શોખ પૂરો કરવા પણ મંજૂરી લેવી જરૂરી છે?

જ્યારે છોકરી થોડી મોટી થાય છે, ત્યારે ઘરમાં ભાઈનું સ્થાન એક અનૌપચારિક નિરીક્ષક તરીકે ઉભરાય છે. ભલે છોકરી પોતાની પોકેટમનીમાંથી બચત કરે, છતાં ભાઈને ક્યારેક એના ખર્ચ વિશે શંકા થાય ત્યારે એ તરત જ સવાલ કરે છે કે, પૈસા ક્યાંથી આવ્યા? અથવા તો તારી પાસે તો આટલા બધા પૈસા હતા ક્યાં ખર્ચ કર્યા?  એ જ રીતે લગ્ન પછી મહિલાનું નવું જીવન શરૂ થાય છે, પરંતુ ત્યાગ અને સમર્પણના પાઠ ચાલુ જ રહે છે. પતિ માટે, ઘરની દરેક આર્થિક યોજના ખૂબ મહત્વની હોય છે. મહિલાઓને પોતાનો પગાર ઘર માટે બચાવવો પડે છે, અને તેઓ પોતાના નાનકડા શોખ પૂરા કરવા માટે પણ કયારેક મંજૂરી લેવી પડે છે.

અમદાવાદમાં માર્કેટિંગ હેડ તરીકે કામ કરતી ધ્વનિ જીવાણી ચિત્રલેખા.કોમને કહે છે, કોઈ યુવતી પોતાના પૈસાનો હિસાબ જાતે આપે ત્યાં સુધી કોઈ વાંધો નથી. પરંતુ જો એની પર દબાણ કરીને કે પછી અન્ય રીતે એના જ પૈસાનો હિસાબ વારંવાર માંગવામાં આવે એ જરાય સારું ન જ કહેવાય. બીજી એક વાત એ પણ છે કે જે હિસાબ માંગવાનો હક રાખે એ પોતે પણ હિસાબ આપવાની ફરજ નિભાવે એ જરૂરી છે.

એક સ્ત્રી જ્યારે વૃદ્ધાવસ્થામાં હોય છે, ત્યારે એ પોતાના બાળકો પર આધારિત થાય છે. પુત્ર કે દીકરીની સાથે રહેતી માતાને પોતાના પૈસાની વ્યવસ્થા માટે પુત્રના દિશાનિર્દેશો પર આધાર રાખવો પડે છે. મહિલાઓને આર્થિક સ્વતંત્રતા માટે સમર્થન આપવું એ સમાજની મુખ્ય જવાબદારી છે. પૈસાનો હિસાબ એમની જીવનશૈલીનો ભાગ નહીં પરંતુ એમની પસંદગીઓનો આગ્રહ હોવો જોઈએ.

હેતલ રાવ