રહીમન ધાગા પ્રેમ કા…

હેરિટેજ સિટી અમદાવાદના મોટાભાગના સ્થાપત્યો જાણીતા છે, પણ હજુ ક્યાંક કોઇ એવી ઇમારત મળી આવે જેનું ઐતિહાસિક મહત્વ હોવા છતાં એ ઉપક્ષિત ખંડર સમી ભાસે. સરખેજ-જુહાપુરા પાસે આવેલા ફતેહવાડીના એક ખંડેર ઢાંચામાં ખાનેખાનાન એટલે કે અમીરોમાં અમીર તરીકે અબ્દુલ રહીમની યાદો જ્યાં સચવાયેલી છે એ પણ આવી જ એક ઇમારત છે.

સમ્રાટ અકબરના સામ્રાજ્યના પ્રથમ વકીલ (વડા પ્રધાન) બહેરામખાનનો પુત્ર અને તુર્કમાન લોકોની બહારલૂ શાખાના વંશજનું નામ સમ્રાટ હુમાયુએ અબ્દુલ રહીમ રાખ્યું હતું. પિતાના અવસાન સમયે ચાર વર્ષનો હોવાથી અકબરની છત્રછાયા હેઠળ તે મોટો થયો. મુઘલ સમ્રાટ અકબરનાં નવ રત્નોમાંના એક અબ્દુલ રહીમ ખાનેખાનાન એક પ્રખર વિદ્વાન, કવિ અને સાહિત્યનો આશ્રયદાતા હતા. અરબી, ફારસી, તુર્કી, હિન્દી અને સિંધી ભાષાઓનો જાણકાર અને અનેક ભાષાઓમાં કાવ્યરચનામાં નિપુણ.

ખાસ કરીને એ હિંદી કાવ્યરચનાઓ, દોહા અને ભક્તિભાવના માટે ખૂબ પ્રખ્યાત છે. એનું કવિનામ ‘રહીમન’ છે. અબ્દુલ બાકી નિહાંવદીએ લખેલા તેના જીવનચરિત્ર ‘મઆસિરે રહીમી’માં તેના આશ્રય હેઠળના ઘણા કવિઓ, સાહિત્યકારો અને વિદ્વાનો વિશે માહિતી મળે છે. એમનું નામ હિંદમાં જ નહિ પણ ઈરાન અને તુર્કસ્તાનમાં પણ પ્રસિદ્ધ થયું હતું. ‘રામચરિતમાનસ’ના સર્જક ગોસ્વામી તુલસીદાસજીને પણ એણે આશ્રય આપેલો.

ખાનેખાનાનના આશ્રય હેઠળ ભારતમાં ફારસી અને હિંદી ભાષા અને સાહિત્યને પ્રોત્સાહન મળ્યું. અમદાવાદમાં ‘દારૂલ હિકમત’(વિદ્યા-જ્ઞાનકેન્દ્ર)ની સ્થાપના કરી હતી ત્યાં કેટલીક હસ્તપ્રતો પણ હતી. ખાનેખાનાનના સાહિત્યવર્તુળમાં ગણાતા તમામ કવિઓ, સાહિત્યકારો, વિદ્વાનો ત્યાં સાહિત્યગોષ્ઠીમાં ભાગ લેતા, કાવ્યવાચન કરતા. એમના દ્વારા ઘણી ઇમારતો, બગીચાઓ, ધર્મશાળાઓ અને તળાવો બંધાયેલાં. આ ફતેહવાડી સંકુલ એમની યાદ અપાવતું ઉભું છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)