દિવાળીના તહેવાર સમયે જ્યારે લોકો ફટાકડા ફોડી પર્વની ઉજવણી કરતા હોય છે ત્યારે કેટલાંક સ્થળે આકસ્મિક આગ લાગવાની ઘટનાઓ પણ બનતી હોય છે. દિવાળીના સમયે ફાયર વિભાગના કંટ્રોલ રૂમમાં ફોનની ઘંટી રણકે ત્યારે મનમાં એક જ વાત હોય છે કે, ભગવાન કોઈ મોટી હોનારત ન હોય. દર વર્ષે દિવાળીના તહેવારો દરમિયાન આગના કોલમાં વધારો નોંધતો હોય છે.
આ દિવસોમાં કોલની સંખ્યાને પહોંચી વળવા માટે અને ફાયર બ્રિગેડ વિભાગે શું એક્શન પ્લાન બનાવ્ય છે તે વિશે ચિત્રલેખા.કોમએ અમદાવાદ ફાયર વિભાગના ઇન્ચાર્જ ચીફ ઓફિસર જયેશ ખાડિયા સાથે વાતચીત કરી.
ચિત્રલેખા: દિવાળીના સમયે કેવાં પ્રકારની તૈયારીઓ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવે છે?
જયેશ ખાડિયા: દરેક ફાયર સ્ટેશન ખાતે તમામ સ્ટાફ અને ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલ તૈયાર રાખવામાં આવે છે જેથી કરીને કોઇપણ પ્રકારની ઈમરજન્સીમાં પહોંચી વળવા સરળતા રહે અને તાકીદે ઘટના સ્થળે પોહંચી શકાય. સ્ટાફને સ્ટેન્ડ ટુ રાખવામાં આવે છે. કર્મચારીઓની રજા બંધ રાખવામાં આવે છે.
કેટલાં કર્મચારીઓ અને કેટલી સાધન સામગ્રી સ્ટેન્ડ બાય રાખવામાં આવે છે?
દરેક સ્ટેશન ખાતેનો તમામ હાજર સ્ટાફ અને તમામ ફાયર વ્હીકલ હમેશા કોઇપણ પ્રકારની ઈમરજન્સી માટે તૈયાર રાખવામાં આવતા જ હોય છે પરંતુ તેને વધારે સાવચેતી રૂપ થાય તેના ઉપર બહાર મુકવામાં આવે છે.
દિવાળીના દિવસોમાં લગભગ કેટલા કોલ આવતા હોય છે?
દિવાળીના તહેવારોમાં સરેરાશ દિવસોમાં કોલની સંખ્યા કરતા વધારે કોલ આવતા હોય છે જે દિવાળીના દિવસોમાં આશરે કોલની સંખ્યા ૧૫૦ થી ૨૦૦ કોલની આજુબાજુ સંખ્યા પોહંચે છે.
મોટા કોલ દરમિયાન ક્યા પ્રકારની કામગીરી હોય છે? શું સાવચેતી રાખવામાં આવે છે?
કોઇપણ પ્રકારની અંગાર કોલની કામગીરીમાં વોટર ટેન્કર મારફતે પાણીની જરૂરીયાત પૂરી કરવા માટે મદદરૂપ થાય છે તેમજ દરેક કોલમાં અલગ-અલગ પ્રકારના ચેલેન્જીસ મળતા હોય છે જેથી કરીને દરેક કોલમાં અલગ-અલગ પ્રકારની કામગીરી કરીને આગ બુજાવવામાં આવેલ છે. તકેદારી માટે તમામ ફટકડા ફોડનાર તેમની પાસે પાણીની બકેટ ભરીને રાખવી.
દિવાળી દરમિયાન સામાન્ય લોકોને શું સૂચના આપવા માંગશો?
- ઢીલાં કપડા ન પહેરવા જોઈએ
- નાના બાળકો ફટાકડા ફોડે તે દરમિયાન વડીલો જોડે રહેવું જોઈએ.
- ફોડેલા ફટાકડા ઉપર પાણી નાખીને આગ ઠારી દેવી જોઈએ જેથી કરીને કોઈ જગ્યાએ આગ ન લાગે અથવા અન્ય નુકશાન ન થાય તેની તકેદારી રાખવી જોઈએ. ફટાકડા સાવચેતીથી ફોડવા જોઈએ કોઈના ઉપર નાખીને ફટાકડા ફોડવા જોઈએ નહિ.
(રાધિકા રાઓલ – અમદાવાદ)
