‘મમ્મી, તું ફરી પાછી એ જ વાત કરીને મને હેરાન ન કર, મેં તને કેટલી વખત કહ્યું કે મારે લગ્ન નથી જ કરવા, કોઈ પણ ભોગે કે સંજોગે હું લગ્ન નહીં જ કરું…’ માતા કામિનીબહેનની સાથે મહિનામાં લગભગ બે વખત તો સારિકાની આ રીતે માથાકૂટ થતી જ.
માતાની અભિલાષા છે દીકરીના લગ્ન અને દીકરીની ઈચ્છા છે માતા-પિતા અને પરિવાર સાથે સુખેથી રહેવું. 28 વર્ષીય સારિકાની વાત માનવા કોઈ તૈયાર જ નથી. ઉચ્ચ અભ્યાસ કરી સારી કંપનીમાં સીઇઓ તરીકે કામ કરી રહી છે. પરંતુ એના માતા-પિતા,ભાઈ-ભાભી એના જટ લગ્ન કરવા ઇચ્છે છે. સારિકાએ ઘણી વખત સ્પષ્ટ કહ્યું છે કે મારે લગ્ન નથી કરવા. પરિવાર એની પાસે કારણ માંગે છે ત્યારે સારિકા કહે છે, કારણ વગર લગ્ન નથી કરવા. જરૂરી નથી દરેક યુવતિઓએ લગ્નગ્રંથીમાં બંધાવું જ પડે. સામે પરિવાર એને સમાજ, કુટુંબ-કબીલાની બલિહારી આપે છે. પરંતુ સારિકા વાત માનવા તૈયાર જ નથી. ઘણીવાર તો એને સ્વચ્છંદી પણ કહેવામાં આવે છે.
પ્રશ્ન એ થાય કે શું ખરેખર સારિકા એની જગ્યાએ ખોટી છે ? દરેક યુવતીએ લગ્ન કરવા જ જોઈએ? કોઈ યુવતી કે લગ્ન કરી પછી વિધવા થયેલી મહિલા કે પછી કોઈ કારણોસર લગ્ન પછી છૂટાછેડા થયા હોય એવી મહિલા માટે લગ્નનું ટેગ ફરજિયાત છે?
સિંગલ હોવાને લઈને હજુ પણ ઘણી ગેરમાન્યતાઓ છે
ભારતમાં પરંપરાગત રીતે છોકરીનો ઉછેર એવી રીતે કરવામાં આવે છે કે તે એક સારી પત્ની અને માતા બને અને લગ્ન એમના જીવનનો મહત્વપૂર્ણ ધ્યેય હોય. જોકે હવે મોટી સંખ્યામાં મહિલાઓ પોતાની સ્વતંત્રતા માટે એકલા ચાલવાનો માર્ગ અપનાવીને સિંગલ રહેવાનો વિકલ્પ પસંદ કરી રહી છે. ફેસબુક જેવા સોશિયલ માધ્યમ પર સ્ટેટસ સિંગલ નામનું મહિલાઓનું એક ગ્રુપ પણ છે. જેના ફાઉન્ડર અને લેખિકા શ્રીમઈ પીયુ કુંડુએ પોતાના વિચારો રજૂ કરતા એક લંચ દરમિયાન કહ્યું હતું કે, “આપણે પોતાને વિધવા, છૂટાછેડા લેનાર અથવા અપરિણિત કહેવાનું બંધ કરી દેવું જોઈએ. આપણે પોતાને ગર્વથી ‘સિંગલ’ કહેવાનું શરૂ કરવું જોઈએ.” પરંતુ જે સમાજમાં લગ્ન એ પરંપરા, પારિવારિક સંબંધ અને જીવનનું મહત્વપૂર્ણ કામ માનવામાં આવે છે ત્યાં સિંગલ હોવાને લઈને હજુ પણ ઘણી ગેરમાન્યતાઓ છે.
સમાજ સિંગલ મહિલાને જોવા ટેવાયેલો નથી
ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. સંગીતા પટેલ ચિત્રલેખા.કોમને કહે છે “ આપણે ત્યાં પિતૃસત્તાક સમાજ વ્યવસ્થા છે. જેમાં સ્ત્રીની સામાજિક સાંસ્કૃતિક ભૂમિકાના પહેલેથી જ નક્કી છે. દીકરી પરિવારમાં પોતાની માતાને રોલ મોડેલ તરીકે જૂએ છે. એ માતા જે એના પપ્પાનું ધ્યાન રાખે છે, અન્ય બાળકોને સાચવે છે, સંયુક્ત પરિવાર હોય તો સાસુ-સસરા પ્રત્યેની જવાબદારી નિભાવે છે. હવે જ્યારે આ દીકરીને સિંગલ રહેવાનું આવે ત્યારે એની માટે એ પડકારરૂપ છે માટે પહેલા તો એને એ માટે પોતાની જાત સાથે જ સંઘર્ષ કરવો પડે છે. બીજી એક નક્કર હકીકત એ પણ છે કે આપણો સમાજ સિંગલ મહિલાને જોવા ટેવાયેલો નથી, સ્ત્રીની ભૂમિકાને માતા, બહેન, દીકરી કે પછી પત્નીના રોલમાં ફીટ કરી દેવામાં આવી છે. જો કોઈ મહિલા ત્યક્તા કે વિધવા હોય તો પરિવાર એની ઉપર બીજા લગ્ન કરી લેવાનું દબાણ કરે છે. હકીકતમાં તો એની જવાબદારી માંથી છુટવા માંગતા હોય છે.”
સામાન્ય રીતે સિંગલ એટલે એને કઇ કામ ન હોય એમ માની લેવામાં આવે છે. પરંતુ સિંગલ મહિલા માતા-પિતા અને પરિવારની જવાબદારી પણ નિભાવતી હોય છે. સૌથી મોટી સમસ્યાની વાત કરીએ તો સિંગલ મહિલા રાત્રે એકલી ઘરે આવે તો એના માટે સો સવાલ ઉભા થઈ જાય છે. એના ડ્રેસિંગથી લઈને ચરિત્ર સુધીની દરેક વાત પર આંગળી ચીંધવામાં આવે છે. એટલું જ નહીં સિંગલ મહિલા ગમે એટલી ઉચ્ચ અભ્યાસુ કે સારી હોય છતા પણ એકલી રહેતી મહિલાઓને ઘર મેળવવા અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
સિંગલ રહેવું એમાં કશું જ ખોટુ નથી
માતા-પિતા અને પરિવાર સાથે જીવનને એન્જોય કરતા અર્પિતા ડેવિડભાઈ ક્રિશ્ચિયન ચિત્રલેખા.કોમને કહે છે, “દરેકની પોતાની પ્રકૃતિને વિચારધારા હોય છે કે કેટલું જતું કરી શકે અને કેટલું સ્વીકારી શકે. લગ્નજીવન પછીની જવાબદારીમાં પણ ઘણું એડજેસ્ટમેન્ટ હોય છે. એટલે જો સ્વીકારવાની ભાવના હોય તો આરામથી લગ્નની મજા માણી શકાય. પરંતુ અમુક વસ્તુ કે વ્યક્તિ કે એન્વાયરમેન્ટ આવું જ જોઈએ એટલે કે સ્વીકાર કરવાની ક્ષમતા જ ન હોય તો લગ્નજીવનમાં મતભેદો રહ્યા જ કરવાના. દરેકનું પોતાનું અલગ અસ્તિત્વ છે. જો કોઈ પોતાની સ્વતંત્રતા સાથે જીવવા માંગતા હોય ને સિંગલ રહેવું હોય તો મારા મતે એમાં કશું જ ખોટુ નથી. સમાજે આ વાત સ્વીકારવી જોઈએ.”
એવા સવાલ જે દરેક સિંગલ મહિલાને પૂછવામાં આવે છે
સમાજનું વલણ હજુ રૂઢિચુસ્ત છે. એકલી રહેતી મહિલાને જજ કરવામાં આવે છે. સિંગલ મહિલા તરીકે ભેદભાવ અને અપમાનનો સામનો કરવો પડે છે. મોટા શહેરોમાં જ્યારે ભાડાનું ઘર શોધી રહ્યા હોય ત્યારે હાઉસિંગ સોસાયટીના સભ્યો વ્યસન, સેક્સ્યુઅલ અને વર્જિનિટી વિશે મહિલાઓને સવાલો કરે છે. આ એવા સવાલ છે જે સામાન્ય રીતે દરેક સિંગલ મહિલાઓને પૂછવામાં આવે છે.
ભારતમાં દસ કરોડ સિંગલ મહિલા છે
જોકે નવાઈની વાત તો એ છે કે ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ 7.14 કરોડ ‘સિંગલ વુમન’ છે. આ સંખ્યા બ્રિટન અથવા ફ્રાંસની કુલ વસ્તી કરતાં પણ વધુ છે. આ સંખ્યા વર્ષ 2001ના આંકડા 5.12 કરોડ કરતાં 39 ટકા વધુ હતી. વર્તમાન સમયની વાત કરીએ તો એક અંદાજ પ્રમાણે આ આંકડો 10 કરોડને આંબી ગયો હશે.
કેટલીક મહિલાઓ પોતાના પતિથી અલગ થઈને કે છૂટાછેડા લઈને રહેતી હોય, જ્યારે અન્ય એવી મહિલાઓ પણ હોય જે વિધવા છે અને ફરી લગ્ન કરવા જ નથી ઇચ્છતી અથવા જેમણે લગ્ન કર્યા જ નથી એવી મહિલાઓ પણ હોય છે. પરંતુ આપણા ત્યાં ગ્રામીણમાં એકલી મહિલાને એમનો પરિવાર હંમેશાં બોજ માને છે, અપરણિતને ઘણા ઓછા અધિકાર મળે છે અને વિધવાઓને તો વૃંદાવન અને વારાણસી જેવા સ્થળોએ મોકલી આવે છે. પણ હવે એ વાત સ્વીકારવાની જરૂર છે કે સમાજ ભલે પિતૃસત્તાક હોય પરંતુ લગ્ન કરવા કે પછી સિંગલ રહેવું એ નિર્ણય લેવાનો પૂરેપૂરો હક મહિલાઓને છે.
હેતલ રાવ