અકબરે કેમ અબૂ તુરાબનું સ્વાગત કર્યુ હતું?

અમદાવાદ શહેરના બહેરામપુરા દાણીલીમડા વિસ્તારમાં આ ઔદ્યોગિક વસાહતની વચ્ચે ઐતિહાસિક ધરોહર સમાન અબૂ તુરાબ સહિત અનેક મહાનુભાવોને યાદ કરતી હેરિટેજ ઈમારતો આવેલી છે.

અબૂ તુરાબ વલી પ્રસિદ્ધ ઇતિહાસગ્રંથ ‘તવારીખે ગુજરાત’ તૈયાર કરનાર શીરાઝના સલામી સૈયદ કુટુંબનો નબીરા હતા. એમના પિતા શાહ કુત્બુદ્દીન શુકરુલ્લાહ. દાદા સૈયદ શાહ મીર તરીકે જાણીતા વિદ્વાન મીર ગ્યાસુદ્દીન, જે કુત્બુદ્દીનના સમયમાં (1451-58) ગુજરાતની મુલાકાત લઈ ગયા હતા. 1492માં પુત્ર મીર કમાલુદ્દીન સાથે ચાંપાનેરમાં વસી ગયેલા. અબૂ તુરાબ વલી ગુજરાતના સરદાર એતિમાદખાનની નોકરીમાં 1571માં હતો. અકબરે ગુજરાત જીત્યું એ વખતે તેની સાથે વાટાઘાટો કરવામાં અબૂ તુરાબ વલીએ મહત્વનો ભાગ ભજવેલો. 1577માં અકબરે તેને ‘મીરે હજ’ બનાવીને મક્કા મોકલેલો. હજથી પાછા ફરતાં અબૂ તૂરાબ ‘કદમે રસૂલ’ (હ. મોહંમદની પગછાપવાળો પથ્થર) સાથે લાવેલા.

એ પવિત્ર પથ્થર અબૂ તુરાબ ગુજરાતમાં લાવ્યા ત્યારે એનું સ્વાગત ખુદ અકબરે કર્યુ હતું. તેના પર સૂફી ઉપાશ્રય બાંધવામાં આવેલો. ઇ.સ. 1583માં એતિમાદખાન ગુજરાતનો સૂબો થતાં અબૂ તુરાબ વલીને ‘અમીને સુબાહ’નો હોદ્દો મળેલો. એનો પુત્ર મીર ગદાઈ અકબરનો મન્સબદાર હતો. ‘મિરાતે અહમદી’ પ્રમાણે અબૂ તુરાબ વલી 1594(હિ. 1003)માં અવસાન પામ્યા. એમનો મકબરો અમદાવાદમાં જમાલપુર દરવાજા બહાર બહેરામપુરામાં આવેલો છે.

અબૂ તુરાબની યાદગીરી અદભુત છે. કલાત્મક સ્થાપત્યની અગાસીમાં  આઠ અર્ધઘૂમટ બનાવ્યા છે.  મધ્યખંડમાં ફરતી જાળીઓ પણ  હતી. ઐતિહાસિક ધરોહરની મધ્યમાં મુખ્ય કબરની બંને બાજુ એક એક અને મંડપના રવેશમાં બીજી બે મળીને કુલ પાંચ  કબરો જોવામાં આવે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)