આસ્થાનું અનોખું કેન્દ્ર ગણપતપુરાનું આ મંદિર

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કોઠ ગામ પાસે આવેલું ભગવાન ગણેશજીનું મંદિર ખૂબ જ પ્રસિધ્ધ છે. વિક્રમ સંવત 933ના અષાઢ વદ 4ના રવિવારના રોજ હાથેલમાંથી જમીનના કેરડાના જાળાના ખોદકામ સમયે ગણપતિ દાદાની મૂર્તિ પ્રગટ થઇ હતી. આ મૂર્તિના પગમાં સોનાના તોડા, કાનમાં કુંડળ, માથે મુગટ અને કેડમાં કંદોરો પણ હતા.

લોકવાયકા પ્રમાણે એ સમયે નજીકના ગામ કોઠ, રોજકા, વણકુટાના આગેવાનોમાં ગણપતિ દાદાની મૂર્તિને લઇને વિખવાદ શરૂ થયો. એ પછી નક્કી થયું દાદાની ઇચ્છા હશે ત્યાં સ્થાપિત થશે એટલે મૂર્તિ ગાડામાં ચડાવાઇ અને વગર બળદે ગાડુ ચાલ્યું. થોડેક દૂર ગણપતિપુરાના ટેકરે જઇને ઉભું રહ્યું એટલે એક ભરવાડના હાથે આ સ્થળે મૂર્તિ ઉતારવામાં આવી. એ સમયથી આ સ્થળનું નામ ગણપતપુરા પડ્યું હતું.

ગણપતપુરાના મંદિરની કેટલીક ઐતિહાસિક બાબતો લીલાપુરવાળા ભરવાડના બારોટ જીલુભાઇ મોહનભાઇના ચોપડે પણ મળી આવી હતી. ગણપતપુરાના ભગવાન ગણેશજીની આ મૂર્તિ અતિ વિશિષ્ટ છે. બાપ્પાની મૂર્તિ જમણી તરફની સુંઢ ધરાવે છે. અમદાવાદથી 60 કિલોમિટરના અંતરે આવેલું આ મંદિર આસ્થાનું અનોખું કેન્દ્ર છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)