ફક્ત આઠ મહિનાની પ્રેક્ટીસ પછી કોઈ વ્યક્તિ વર્લ્ડકપની ટીમમાં પસંદગી પામે તો તમે તેનાં વિશે શું કહેશો? 18 વર્ષીય અંશી શેઠ સાથે ચિત્રલેખા.કોમ એ વાત શરૂ કરતા જ પૂછ્યું કે, તમારી પિકલબૉલની સફર કઈ રીતે શરૂ થઈ?અંશીનો જવાબ હતો કે, ‘મારી 12મા ધોરણની બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ કે તરત જ મેં બીજા દિવસથી પિકલબૉલની પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી અને માત્ર આઠ મહિનામાં વિવિધ ટુર્નામેન્ટ્સમાં ભાગ લીધો અને મેડલ પણ મેળવ્યા. ઉત્કૃષ્ટ દેખાવના કારણે વર્લ્ડકપની ટીમમાં સિલેક્શન પણ થઈ ગયું.’
ભારતીય પિકલબોલ એસોસિએશન (IPA), પિકલબોલ વર્લ્ડ રેન્કિંગ્સ (PWR) સાથે ભાગીદારીમાં આગામી 22 થી 27 ઓક્ટોબર, 2024 દરમિયાન પેરુના લિમા ખાતે યોજાનાર પિકલબૉલ વર્લ્ડ કપ 2024માં પોતાની 8 સભ્યની ટીમ મોકલી રહ્યું છે. પિકલબૉલ વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા ઓપન કેટેગરી અને ટીમ ઈન્ડિયા સિનિયર્સ 50+ કેટેગરી એમ બે ટીમ મોકલવામાં આવશે. જેમાં ઓપન કેટેગરીમાં ધીરેન પટેલની ટીમના ભાગ રૂપે હિમાંશ મહેતા, સૂરજ દેસાઈ, રક્ષિકા રવિ અને અંશી શેઠ ભારતીય ટીમનું નેતૃત્વ કરવાના છે.
શું છે પિકલબૉલની રમત?
પિકલબૉલ રમતની શરૂઆત વર્ષ 1965માં થઈ હતી. વોશિંગટનના ત્રણ વૃદ્ધોએ મળીને આ રમતની શરૂઆત કરી હતી. એવું કહેવાય છે કે આ ત્રણમાંથી એકના શ્વાનનું નામ પિકલ હતું, તેનાં નામ પરથી આ રમતનું નામ પિકલબૉલ પડ્યું છે. ભારતમાં આ રમત વર્ષ 2006માં પહોંચી હતી. કેનેડાથી મુંબઈ પાછા આવેલા સુનીલ વાલવાકર પોતાની સાથે પિકલબૉલ રમતમાં ઉપયોગમાં લેવાતા રેકેટ અને બોલ લઈને આવ્યા હતા. સુનીલ હાલમાં ઓલ ઈન્ડિયા પિકલબૉલ એસોસિએશનના સ્થાપક છે.
વિશ્વભરમાં હાલ પિકલબૉલનો ટ્રેન્ડ વધતો જઈ રહ્યો છે. અમેરિકામાંથી શરૂ થયેલી આ રમતનો ટ્રેન્ડ દુનિયાના 70થી વધુ દેશોમાં પહોંચી ગયો છે. પિકલબૉલ રમતને ટેનિસ, ટેબલ-ટેનિસ અને બેડમિન્ટનનું મિશ્રણ કહી શકાય. દુનિયાભરમાં આ રમતના વધી રહેલાં ખેલાડીઓના કારણે તેને ઓલિમ્પિક રમતમાં સામેલ કરવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ખેલ આયોજકોના દાવા છે કે પિકલબૉલને 2028માં ઓલિમ્પિક ગેમ્સમાં સામેલ કરવામાં આવી શકે છે.
અંશી શેઠે થોડોક સમય માટે એથ્લેટિક્સ અને લૉન ટેનિસની પણ તૈયારી કરી હતી. આથી બોલ સેન્સ, રેકેટ સેન્સ તેમજ કોર્ટની મૂવમેન્ટ વિશે અંશીનું કહેવું છે કે તે તેની મસલમેમરીમાં પહેલાંથી જ હતા. આથી કહી શકાય કે તેની પૂર્વતૈયારીઓ અહીં પિકલબૉલની રમતમાં કામ આવી ગઈ. અંશીના માતા-પિતા પરિવારના બિઝનેસ સાથે જોડાયેલા, પરંતુ ઊંડા-ઊંડા ક્યાંક એમનામાં સ્પોર્ટ્સનો જીવ. બંન્નેએ પોતાના યુવાનીના સમયમાં અલગ-અલગ રમતો પર હાથ અજમાવ્યો હતો. અંશીના માતા ધારણાં શેઠ જિમ્નાસ્ટિક અને એથ્લેટિક્સ સાથે જોડાયેલા હતા. જ્યારે પિતા ચિંતન શેઠ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર હતા. કોરોના સમયે અંશીના માતા-પિતા બન્ને ફિટ રહેવા માટે પિકલબૉલ રમવા જતા હતા. જો કે ધીમે-ધીમે તેમણે કેટલીક ટુર્નામેન્ટ્સમાં ભાગ પણ લીધો હતો. આ મેચો દરમિયાન અંશી માતા-પિતા સાથે જતી હતી અને પિકલબૉલની રમતને નજીકથી નીહાળતી હતી. જો કે રમવાનો વિચાર અભ્યાસ સાથે થયો નહીં. અંશીએ થોડાંક સમય માટે એથ્લેટિક્સ તો થોડાક સમય માટે બેડમિન્ટન, વોલીબોલની પ્રેક્ટિસ કરી હતી. પરંતુ અભ્યાસ સાથે બેલેન્સ કરવામાં સ્પોર્ટ્સ ક્યાંક અધૂરું રહી ગયું હતું, જે બારમા ધોરણની બોર્ડની પરીક્ષા બાદ ફરી શરૂ થયું.
18 વર્ષીય અંશી શેઠ હાલમાં GLS યુનિવર્સિટીમાંથી બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરી રહી છે. તે વૈશ્વિક ફલક પર ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ અંગે અંશીનું કહે છે, “આ તો માત્ર શરૂઆત છે, મને આ રમતમાં આવ્યાને માત્ર 8 મહિના જ થયા છે. હજુ મારે આગળ અનેક ઉંચાઈઓ સર કરવાની બાકી છે.”
આ માટે અંશીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દર અઠવાડિયે યોજાતી ટુર્નામેન્ટમાંથી છેલ્લાં અઠવાડિયે અંશીને વિમન્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જ્યારે મિક્સ ડબલ્સ ઓપનમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. ઈન્ડિયન પિકલબૉલ એસોસિએશન દ્વારા આગામી ડિસેમ્બર મહિનામાં નેશનલ ટીમ માટેનું સિલેક્શન થવાનું છે. તેમાં પણ ગુજરાતની ટીમમાં અંશીની પસંદગી કરવામાં આવી છે. હાલમાં રોજની બેથી ત્રણ કલાકની પ્રેક્ટિસ અને સ્પેશિયલ ડાયટ સાથે અંશીની પિકલબૉલ વર્લ્ડ કપની તૈયારી ચાલી રહી છે.
મહેનતની સાથે સફળતા માટે પણ એટલો અંશી જ આશાવાદી છે.
(રાધિકા રાઓલ – અમદાવાદ)