હેરિટેજ સિટી અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશનથી નજીક પાંચકૂવા વિસ્તારમાં તાડપત્રીના બજાર વચ્ચે એક ઐતિહાસિક ધરોહર ઢંકાયેલી છે, જે અમૃતવર્ષિણી વાવના નામે ઓળખાય છે . અંદાજે સંવત 1789ના સમયગાળામાં આ વાવ બાંધવામાં આવી હોવાનું કહેવાય છે.
આ નંદાપ્રકારની વાવમાં એક પ્રવેશ અને ત્રણ કૂટ મંડપ છે. એમાં કાટખૂણાકાર રચના કરેલી એક વિશિષ્ટ પ્રકારની ડીઝાઇનથી તૈયાર કરવામાં આવી હતી. પશ્ચિમ દિશામાંથી વાવમાં પ્રવેશતાં બે કૂટ વટાવ્યા પછી બીજો ચોરસ પડથાર આવે છે. ત્યાંથી વાવ કાટખૂણે વળાંક લે છે અને ત્યારપછી પગથિયાં અને ત્રીજો કૂટ અને એ પછી મુખ્ય કૂવો તૈયાર કરેલો છે. થોડા વર્ષો પહેલાં સ્થાનિક આગેવાનોએ અમૃતવર્ષિણી વાવનું સમારકામ પણ કરાવ્યું હતું.
વાવમાં નીચે ઉતરતાં જ એની રચના અંગે ડાબે અને જમણે આવેલા ગોખલાઓમાં સંસ્કૃત અને ફારસી એમ બે ભાષાઓમાં લેખ છે. લેખમાં આ વાવ ક્ષાત્ર ગોકુલના પૌત્ર અને ભગવાનના પુત્ર રાજા રઘુનાથે કરાવ્યાની નોંધ છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)
