સ્પેનના કેસ્ટેલોનમાં હાલ રમાતી 35મી બોક્ઝેમ ઈન્ટરનેશનલ બોક્સિંગ સ્પર્ધામાં ભારતની મહિલા બોક્સરોએ પ્રભાવિત દેખાવ કર્યો છે અને સ્પર્ધામાં મેડલ હાંસલ કરવાનું નિશ્ચિત બનાવ્યું છે. આ સ્પર્ધામાં ભારતે 14-સભ્યોનો સંઘ ઉતાર્યો છે. જેમાં આઠ પુરુષો અને છ મહિલા બોક્સરો છે.
હરિયાણાની યુવા બોક્સર જસ્મીને અમેરિકાની સ્ટાર બોક્સર એન્ડ્રીયા મેડિનાને 5-0 સ્કોરથી પરાસ્ત કરી હતી અને 57 કિ.ગ્રા. વર્ગની ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.
છ વખત વર્લ્ડ ચેમ્પિયન બનેલાં અનુભવી મેરી કોમે 51 કિ.ગ્રા. વર્ગમાં, સિમરનજીતકૌરે 60 કિ.ગ્રા. વર્ગમાં અને પૂજા રાનીએ 75 કિ.ગ્રા. વર્ગમાં અંતિમ-4ના રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. આમ, મહિલાઓની કેટેગરીમાં ભારતને ચાર મેડલ મળવાનું નિશ્ચિત થયું છે.
ગયા વર્ષના માર્ચમાં એશિયન ઓલિમ્પિક ક્વાલિફાયર્સ યોજાઈ ગયા બાદ એક વર્ષના સમયગાળા પછી આ પહેલી આંતરરાષ્ટ્રીય બોક્સિંગ ટૂર્નામેન્ટ યોજાઈ છે. ઓલિમ્પિક કાંસ્યચંદ્રક વિજેતા મેરી કોમે ઈટાલીની ગિર્ડાના સોરેન્ટીનો પર 3-2થી, વિશ્વ સ્પર્ધામાં કાંસંય્ચંદ્રક જીતનાર સિમરનજીતકૌરે સ્પેનની યૂજીના પર 5-0થી અને પૂજા રાનીએ ઈટાલીની અસુંતા પર 5-0થી વિજય હાંસલ કરીને સેમી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.