મહિલા દિન અને સ્ત્રી સશક્તિકરણ

‘સ્ત્રી-સશક્તિકરણ’ એ શબ્દ મને કાનમાં ખૂંચે છે. સ્ત્રી પોતે શક્તિનું જ સ્વરૂપ છે, તો એને બહારથી કોણ શક્તિ આપવાનું? આ તો ભારેલો અગ્નિ છે. તેને તો ફક્ત થોડો વાયરો આપવાનો છે. સ્ત્રીએ પોતાની શક્તિ જાણી, પિછાણી રાખ ખંખેરી ઊભા થવાનું છે.

સ્ત્રી આમ તો અષ્ટદેવી સ્વરૂપ છે. પણ હું તો ફક્ત ત્રણ દેવીની જ વાત અહીં કરીશ. અન્નપૂર્ણા, લક્ષ્મી અને સરસ્વતી. કદાચ, તમારા મા-બાપે અથવા પતિ કે સાસરીયાએ કે સમાજે તમને આજ સુધી દેવી સ્વરૂપે નહીં રાખી હોય. પણ તમારે તમારી પોતાની જાતને દેવી તરીકે સ્વીકારી, અનુભવી આગલી પેઢીની દીકરીઓને માનભેર તૈયાર કરવાની છે.
સ્ત્રી ઘરમાં રસોઈ કરે અને તેની એ સાત્વિક રસોઈથી ઘરનાં સૌનાં તનમાં અને મનમાં શક્તિ આવે. સાદામાં સાદા અર્થમાં આ તેનું અન્નપૂર્ણા સ્વરૂપ. રસોઈ કરતી વખતે તે પવિત્ર વિચારો સાથે, પ્રેમથી, આનંદથી રસોઈ કરે તો રસોઈ કરવાનો આનંદ પણ કંઈક અનેરો હોય અને જમવાનો આનંદ પણ કંઈક અનોખો હોય! સાથે સાથે ઘરનાં બાળકોને રસોઈમાં અને ઘરકામમાં જોડી શકાય તો તો સોનામાં સુગંધ ભળે! બાળકો એટલે બધાં જ .. દીકરી હોય કે દીકરો! દીકરી કુકર તૈયાર કરે તો દીકરો શાક સમારે, દીકરી લોટ બાંધે તો દીકરો રોટલી ભાખરી શેકી આપે. પપ્પા (માનસિક રીતે તૈયાર હોય તો!) ટેબલ પર થાળી વાટકા ગોઠવી જમવાની વ્યવસ્થા કરી લે! જે સમય બચે તેમાં સ્ત્રી કંઈક મૌલિક કામ કરે! બધાંએ ભેગાં મળી કરેલી આ રસોઈ કેટલી સ્વાદિષ્ટ, સાત્વિક અને સહિયારી મિલકત જેવી હોય!
તમારે તમારી દીકરીને તો તૈયાર કરવાની જ છે પણ તમારા દીકરાને પણ તૈયાર કરવાનો છે જેથી આવનારી દીકરીને (પુત્રવધૂને) તમારી આવડતનો આગતરો લાભ મળી રહે! જે ઘરમાં ભાઈ-બહેન સાથે સાથે આ રીતે જ તૈયાર થયાં હોય તેમનાં મનમાં ‘હું મોટો કે તું નાની’ એવો ભાવ ક્યારેય પેદા થાય જ નહીં. અને જે ભાવ પેદા જ ન થાય તે સમાજમાં આગળ કેવી રીતે વધે? માતા જો દીકરાને એવી રીતે તૈયાર કરે કે દીકરી, તેની બહેન તેના જેટલી જ હોશિયાર છે, કામગરી છે, અગત્યની છે, વહાલી છે, તો ભવિષ્યમાં દીકરાને પોતાની પત્ની માટે પણ આજ ભાવ પેદા થાય. આજની સ્ત્રીએ કે આજની માતાએ આ ભાવ રાખી આ જ વાયરો ફેલાવવાનો છે જેથી કમ-સે-કમ એક પેઢી પછી, દીકરા અને દીકરી વચ્ચેનું અંતર ઘટે, સ્ત્રી અને પુરુષ વચ્ચેની અસમાનતા નાશ પામે. પોતાને જે લાભ નથી મળ્યો તે લાભ ભાવિ પેઢીને મળે.

હવે આપણે વાત કરીએ લક્ષ્મીદેવીની! કળિયુગ છે એટલે સરસ્વતીદેવી કરતાં પહેલા લક્ષ્મીદેવીની વાત કરવી પડે! જે દીકરી આર્થિક રીતે આત્મ-નિર્ભર હશે તેની ઉપર બળજબરી ઓછી થશે. દીકરી શું કામ, કોઈપણ માણસ, જો પોતાના પગ ઉપર ઊભો હોય તો જ પોતાની સ્વતંત્રતા જાળવી શકે. સ્ત્રીને, દીકરીને એટલું તો જરૂર ભણાવો ને કમાતી કરો કે જેથી તે પોતાના ગુજરાન માટે કોઈના ઉપર આધાર રાખતી ન હોય. જ્યારે દીકરી, સ્ત્રી, સ્વતંત્ર હશે ત્યારે તેને પોતાની શક્તિનો અનુભવ થશે, તેને સ્વતંત્રતાનો અહેસાસ થશે. અને પછી તેણે પોતાના સશક્તિકરણની ભીખ માગવા જવું નહીં પડે.

હવે વાત કરીએ સરસ્વતીદેવીની! પહેલાના જમાનામાં સરસ્વતીદેવી આગળ રહેતાં અને તેમનો હાથ પકડીને લક્ષ્મીદેવી આવતાં. હવે કળિયુગમાં લક્ષ્મીદેવી આગળ છે અને સરસ્વતીદેવી તેમની પાછળ પાછળ હાથ પકડીને આવે છે! જે પણ હોય, લક્ષ્મી અને સરસ્વતી બંનેનું આગવું મહત્ત્વ છે. તમે દીકરીને ભણાવીને અથવા કોઈ કલા-કારીગરીમાં એવી રીતે તૈયાર કરો કે તે માનસિક રીતે સમૃદ્ધ થાય. નાની નાની વાતમાં ગરીબડી ન બની જાય. પોતાનામાં શક્તિ છે, તાકાત છે, તે મુશ્કેલીઓનો સામનો કરી શકે છે, તે લોકોને મદદગાર બની શકે છે, તે લોકોની પથ-દર્શક બની શકે છે, પ્રેરણા બની શકે છે એવો આત્મવિશ્વાસ તેનામાં પેદા થાય, તેવી ખુમારી તેનામાં પેદા થાય. ગમે તેવા કપરા સંજોગોમાં તે હિંમત હારે નહી, અડીખમ ઊભી રહે! દોડીને માબાપ પાસે કે મોટાભાઈ પાસે હાથ લંબાવી દયાને પાત્ર બને નહીં. સંજોગોનો સામનો કરે અને સમાજના દુષણોનો વિરોધ કરે.

સમાનતા, સ્વતંત્રતા અને આત્મવિશ્વાસના પાયા પર રચાયેલો સ્ત્રી-સમાજ ક્યારેય સ્ત્રી-સશક્તિકરણની વાત કરશે ખરો? પણ સાથે એક વાત બહુ જ ધ્યાનમાં રાખવા જેવી છે. સ્વતંત્રતા અને ઉચ્છૃંખલતા વચ્ચેનો ભેદ આપણે સૌએ સમજી લેવો પડશે. આત્મનિર્ભર સ્ત્રી ઘણીવાર બહુ બેહુદુ વર્તન કરે છે, ઘરનાં સભ્યો સાથે, પતિ સાથે, સાસરિયાં સાથે, મિત્રો સાથે…. તેની આર્થિક સ્વતંત્રતા તેને ક્યારેક બહેકાવી દે છે. અત્યારે જે પ્રશ્નોનો સમાજ સામનો કરી રહ્યો છે તેનાથી બિલકુલ ભિન્ન પ્રકારના પ્રશ્ન સમાજ સામે ઉભા થઈ રહેલા દેખાય છે. કમાતી સ્ત્રીને રસોઈ કરવી નથી, ઘરનું કામ કરવું નથી, માતા-પિતાને સાચવવા નથી, બાળકો જણવા નથી, ઉછેરવા નથી…… આજની સામાન્ય સ્ત્રી જે કંઈ પણ કરે છે તેમાંનું કંઈ તેને કરવું નથી! સદીઓથી સ્ત્રીઓ પર થયેલા જુલમોનો બદલો તેને લેવો છે! તેને પુરૂષ બનવું છે! સ્ત્રી-સશક્તિકરણના પ્રશ્નને હલ કરવાની સાથે આપણે સ્ત્રીઓ માટે, સમાજ માટે, અન્ય પ્રશ્નોની ભરમાર તો ઊભી નથી કરી રહ્યાંને?

(દર્શા કિકાણી)