કાળા ડાઘને વણજોયાં ન કરશો

ણી બધી યુવતીઓને ફેસ પર ફોડકી, ડાઘ, પિંપલ્સની સમસ્યા હોય છે પરંતુ મોટાભાગની સ્ત્રીઓ તેને અવગણતી હોય છે. પરંતુ જો નાની-નાની સમસ્યાનો પહેલા જ હલ કરવામાં ન આવે તો આગળ જઇને મોટુ રૂપ ધારણ કરે છે. ઘણી બધી યુવતીઓને મોઢાની ત્વચા પર કાળા-કથ્થઇ નાના ડાઘ થતા હશે. આવા ડાઘને જો પહેલાં જ ન અટકાવ્યા તો એ વધી જશે અને સારવાર કરાવવી પડશે. તમે સેલિબ્રિટીઝને મેકઅપ વગર જોશો ત્યારે તેમના મોઢાનાં ડાઘ તમને ચોખ્ખાં દેખાતા હશે. તમે એક દિવસ, બે દિવસ, અઠવાડિયુ એને મેકઅપથી છૂપાવી શકો પરંતુ કાયમ માટે છૂપાવુ અશક્ય છે. તમે 24 કલાક તો મેકઅપ કરીને ફરી શકવાના છો નહીં તો પછી એવા ડાઘ ન થાય એવું તરત જ પહેલેથી ધ્યાન રાખો.

ફેસની ત્વચા પર થતા આવા કાળ-કથ્થઇ કલરના ડાઘને ફ્રેકલ્સ કહે છે. એવુ નથી કે આ ડાઘ માત્ર ગોરી ત્વચા હોય એવી યુવતીઓને જ થાય છે. જેની ત્વચા ઘંઉવર્ણી છે, શ્યામ છે એને પણ આવા ફ્રેકલ્સનું ભોગ બનવુ પડતુ હોય છે. પરંતુ ડાર્ક ત્વચા પર આવા ફ્રેકલ્સ આછા દેખાય છે. આપણા શરીરમાં મેલૅનોસાઇટ અલ્ટ્રાવાયલેટ રેડિયેશનથી સક્રિય થાય છે. આ રેડિયેશનથી શરીરની આખી ત્વચા પર અમુક જગ્યાએ મેલેનિન જમા થાય છે. જેમ-જેમ ત્વચા વિકિરણોથી દૂર થતી જશે એ રીતે આ ડાઘ પણ દૂર થતા જશે. જો તમને આવા ડાઘ છે તો એક વાત નોટીસ કરજો કે જ્યારે વાદળો છવાયેલા હશે ત્યારે ડાઘ આછા થઇ જશે ત્યારબાદ ફરી વધી જશે.

જો તમને ખબર હોય કે તમને ફ્રેકલ્સ કઇ રીતે થાય છે તો તેને અટકાવી શકાય છે. પરંતુ મોટા ભાગની સ્ત્રીઓને એ ખબર નથી હોતી કે ફ્રેકલ્સ થવાનું મુખ્ય કારણ શું છે. તમે બહાર તડકામાં જાવ ત્યારે કોટનનો દુપટ્ટો બાંધીને બહાર નીકળો. તડકામાં જાવ ત્યારે સનસ્ક્રીન લોશન કે કોઇ ક્રીમ ન લગાવો એની જગ્યાએ છત્રી અથવા તડકાથી બચી શકાય એવી વસ્તુનો ઉપયોગ કરો. અને જો તમારે ક્રીમ લગાવવી જ હોય તો બજારમાં સારી અને ઉંચી ગુણવત્તાવાળી ક્રીમ પણ મળતી હોય છે એનો ઉપયોગ કરવો. કોજિક એસિડ, વિટામીન સી ધરાવતી ક્રીમનો પણ ઉપયોગ કરી શકો છો. રોજ રાત્રે આ ક્રીમ લગાવવાથી ફ્રેકલ્સ આછા થઇ જશે. આ સિવાય મેડીકલ ટ્રીટમેન્ટ પણ કરાવી શકો છો પરંતુ તે મોંઘી પડતી હોય છે. જ્યારે ક્રીમ કામ ન લાગે ત્યારે મેડીકલ ટ્રીટમેન્ટનો સહારો લેવો. રેડિયોકોટરી નામનું મશીન આવે છે એમાં એક સેશનમાં ફ્રેકલ્સ નીકળી જાય છે. પરંતુ એકદમ સારુ થતા ચાર અઠવાડિયા જેટલો સમય લાગી જતો હોય છે. ત્રણથી ચાર હજાર રૂપિયા જેટલો ખર્ચ આમા થતો હોય છે. પીલિંગ પણ કરાવી શકો છો, જો કે એમાં છથી આઠ અઠવાડિયાનો સમય લાગે છે અને આ પ્રક્રીયામાં દુખાવો વધુ થાય છે. આ સિવાય લેઝર ટ્રીટમેન્ટ પણ કરાવી શકો છો જો કે એમાં ખર્ચો થોડો વધુ થાય છે.

સૌથી સરળ એવા ઘરેલુ નુસખાથી પણ ફ્રેકલ્સ દૂર કરી શકાય છે. ફ્રેકલ્સને ઓછા કરવા માટે ચોખાનું પાણી ત્વચા પર લગાવી શકાય. ચોખાને અધકચરા વાટી દઇ તેની પેસ્ટને સ્ક્રબની જેમ ઉપયોગમાં લઇ શકાય. સંતરાનો રસ, પપૈયાનો રસ, કાકડીનો રસ પણ ચહેરા પર લગાવવાથી ફ્રેકલ્સમાં ફાયદો થશે. મુલતાની માટી લઇ તેમાં દૂધની મલાઇ નાખીને તેની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવો. જો તમારી ત્વચા ઓઇલી છે તો દૂધની મલાઇની જગ્યાએ ગુલાબજળ નાખીને પેસ્ટ બનાવો. આનાથી ત્વચા પર થોડો ગ્લો પણ આવશે અને ફ્રેકલ્સ પણ ઓછા થશે.