નવરાત્રા એ, ઉમંગની અને સ્વમાનીપણાની ઉજવણી છે. શ્રરાધિયાની સાંજો સંકેલાતા જ,દરેક ગુજરાતણ જાણે આખા વર્ષની આળસ મરડીને સોળે કળાએ ખીલવા અધીરી બની જાય છે. આખુ વર્ષ બીજા માટે જીવતી, કયાંય પોતાને ખોળવા, પોતાને માણવા મથી રહેતી હોય છે.
ઘેરદાર ઘાઘરાઓ અને અવનવી ચોળીઓ માટે તે હજારો ખર્ચ કરતાં અચકાતી નથી. અને એમના માટે ગુજરાતી બજારો પણ જાણે કળા અને રંગોની ભાતોથી પોતાનું સૌંદર્ય પાથરવા થનગની રહ્યા હોય, એમ એની મોડી રાત સુધીની રોનક,એ ગુજરાતીના હરખનુ નજરાણું છે.
આ હર્ષોલ્લાસ આપણે તો નવ દિવસ જ માણીયે છીએ, પણ ઘણા ઓછા લોકોને ખબર હશે કે ગુજરાતીઓ સદીઓથી પરંપરાગત પોશાકોનો વારસો ધરાવે છે. સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ અને કચ્છની મહિલાઓના પહેરણ વર્ષોથી આગવા અને અનોખા રહ્યા છે. ઘણી જ્ઞાતિમાં મહિલાઓ વર્ષોથી ઘેરા રાતા રંગના ઢાંસિયા (ચણીયા) સાથે કાળું ઓઢણું અને સોના ચાંદીના ઘરેણાં પહેરે છે. તેઓના એક દોરી વાળા બેકલેસ બ્લાઉઝ એમની આગવી ઓળખ છે અને તેમણે છુંદાવેલ છૂંદણાં,એમની ખમીરીનુ પ્રતીક.
દ્રન્દ્ર યુદ્ધના દ્રશ્યો સર્જતો મણિયારો રાસ રમતી, મહેર કોમની મહિલાઓ આજે પણ કિલોમોઢે સોનાના ઘરેણાં પહેરીને એક તાલે સૌરાષ્ટ્રની ધરતી ધ્રુજાવે છે.અને એમના અનોખા અંદાજ જોવા લોકોની મેદની જામે છે. જગજાહેર છે કે,બેકલેસ ચોલી અને માથે એક સરખા ઓઢણાંમાં 37 હજાર આહીરિયાણીઓએ દ્વારકાધીશને ચરણે ઇતિહાસ રચેલો છે.
આવાં અનોખા વારસા ધરાવતી આપણી ધરામાં સ્ત્રીઓના વસ્ત્રો એમના મસ્ત મિજાજનું પ્રતિબિંબ છે. આજે પણ મહિલાઓ,નવરાત્રીના ચણીયા ચોલી માટે ઘરના બજેટ ખોરવાય જવાનો અફસોસ નથી રાખતી.એમની પાસે નાકની ચૂંકથી લઈને વેણી વીંટેલા ચોંટલાઓનો શૃંગાર છે. દરેક અંગને ખીલવાનો ઉત્સવ સમાન ઘરેણાંઓનો ઠાઠમાઠ,એ એમના નવરાતોની ખરી ઉજવણી છે.પરંતુ દરેકમાં ખાસ છે એમની અવનવી વૈવિધ્યસભર ચોલીઓ ડિઝાઇનો..
સરસ મજાની વાત એ છે કે આજે પણ આજ હાથ-ભરત અને કળાઓ નવરાત્રીમાં ખુબજ ધૂમ મચાવી રહી છે. કરોડોમાં કમાતાં ડિઝાઇનર પણ અંતે તો આવાં ગ્રામીણ બહેનાઓ પાસેથીજ ભરતકામ કરાવે છે. જ્યાં ઓખાઈ, જયપુર જેવી ઘણી બ્રાન્ડ માત્ર ગ્રામીણ મહિલાઓના કામ પર જ નભે છે. જે આપણાં વારસા માટે ખૂબ ગર્વની વાત છે.
સૂફ કંજરી બ્લાઉઝ
મૂળ કચ્છના મુતવા શૈલીની ભરતથી બનાવેલ આ બ્લાઉઝ હાથથી વણવામાં આવે છે.કચ્છના મુસ્લિમ ‘બની’ સમુદાયના લોકો ખૂબ જ મહેનતથી વણાટ દ્વારા બનાવે છે. જેમાં આગળનો ભાગ લાંબો હોય છે. જયારે પાછળ બેકલેસ હોય છે.વિવિધ ટાંકાઓને ગૂંથીને તેઓ અદ્ભૂત કળાકૃતિ રચે છે. એટલે જ આવા એક બ્લાઉઝની કિંમત 25,000 સુધીની હોય છે.
કણબી બ્લાઉઝ, કાપડું
કણબી શૈલીમાં હાથથી ભરતકામ કરેલું આ બ્લાઉઝ અત્યંત સુંદર રીતે બનાવવામાં આવે છે.રબારી, ભરવાડ, આહીર મહિલાઓ રંગબેરંગી દોરાઓથી ગૂંથીને પહેરે છે.તેમાં મોર પોપટની ભાતીગળ ડિઝાઇનથી એ ખૂબ સુંદર લાગે છે.
રબારી બ્લાઉઝ
રબારી કોમની મહિલાઓ આ પ્રકારના બ્લાઉઝ પહેરે છે.ચોરસ, ત્રિકોણ અને વર્તુળ કાચને દોરાથી બાંધીને આ બ્લાઉઝની ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે. આની ખાસિયત એ છે કે ગરદન નીચે એક હૂક વડે તેને બાંધવામાં આવે છે અને કમરે એક દોરીથી બાંધવામાં આવે છે.
જયારે આવા માભાદાર ચોલી પહેરીને મહિલાઓ રાસ રમવા જાય છે ત્યારે એમની ખુલ્લી પીઠ પરના ટેટુ હોય કે છુંદણાં,તેઓને એ ઢાંકવાની કોઈ જરૂર નથી લાગતી કેમકે બેકલેસ બ્લાઉઝ એમના મિજાજનો એક અંશ છે. કેમકે એ માને છે કે શરમ અને સંકોચ તો એમની આંખના ઘરેણાં છે. બાકી કોઈની મનની સંકોચતાને એ માનતી નથી. પોતાનાપણાને ઉજવવાનો આ અવસર કોઈ ગુજરાતણ ચૂકતી નથી.
(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)