આ સનદી અધિકારી વહીવટની સાથે કંઠ પણ ચલાવે છે…

 

પોતાનું પહેલું ભક્તિગીત લોકોને ઘણું પસંદ પડ્યા બાદ પંજાબનાં સિનિયર આઈએએસ અધિકારી રાખી ગુપ્તાએ તેમનું બીજું ભક્તિ ગીત રિલીઝ કર્યું છે. આ ગીતનું શીર્ષક છે ‘ઐસો મન હોયે’. 1997નાં બેચનાં આઈએએસ અધિકારી રાખી ગુપ્તાએ આ ગીતને સ્વરબદ્ધ કર્યું છે. આજે યૂટ્યૂબ પર એની પ્રીમિયર રજૂઆત કરવામાં આવી છે. આ ગીતમાં સંગીત આપ્યું છે દેવેન્દ્ર દેવએ.

રાખી ગુપ્તાને ભગવાન શ્રીકૃષ્ણ પ્રતિ નાનપણથી જ ભક્તિભાવ રહ્યો છે. તેને કારણે જ એમને ભક્તિગીત ગાવાની પ્રેરણા થઈ છે. પહેલા ગીતમાં ભગવાન શ્રીકૃષ્ણનાં સખી રાધાની પ્રશંસા કરવામાં આવી છે તો બીજું ગીત પણ સ્વાભાવિક રીતે જ કૃષ્ણને સમર્પિત છે. ઓગસ્ટ મહિનામાં જ કૃષ્ણજન્મોત્સવ (જન્માષ્ટમી)ની ઉજવણી કરાય છે તેને ધ્યાનમાં રાખીને જ રાખી ગુપ્તાએ એમનું બીજું ગીત ઓગસ્ટ મહિનામાં રિલીઝ કરવાનું પસંદ કર્યું છે.

એમનું કહેવું છે કે, ‘રાધા અને કૃષ્ણ એકબીજાં વગર અપૂર્ણ હતાં. તેથી જ એમની સાથે જ ભક્તિ કરવામાં આવે છે.’

આ ગીત સુપ્રસિદ્ધ યાત્રાધામ વૃંદાવન અને ઈસ્કોન મંદિરની પશ્ચાદભૂમાં તૈયાર કરવામાં આવ્યું છે. એમાં ભગવાન શ્રીકૃષ્ણનાં બાળપણની વિવિધ રીતે સ્તુતિ કરવામાં આવી છે. બાળ કૃષ્ણની નિર્દોષતા અને રમતિયાળપણાથી ગાયિકા મોહિત થઈ ગયાં છે. વિડિયોમાં જોઈ શકાય છે કે ગાયિકા રાખી ધાર્મિક પરમાનંદમાં લીન થઈ ગયાં છે અને જાણે કોઈ દિવ્ય અને શુદ્ધ વિશ્વમાં વિહરતાં હોય. ‘સંગીત આત્માનો ખોરાક છે અને ભગવાનનાં જ્યારે ગુણગાન ગાઈએ ત્યારે એનો આસ્વાદ વધી જાય છે,’ એમ રાખી ગુપ્તા કહે છે.

રાખી ગુપ્તા હાલ નવી દિલ્હીમાં પંજાબના રેસિડન્ટ કમિશનર તરીકે પંજાબ સરકાર માટે સેવા બજાવે છે. એમને ગીત ગાવા ઉપરાંત લેખન અને કવિતા લખવાનો પણ શોખ છે. એમણે ગાયેલા પહેલા ગીત મૈં તો રટુંગી રાધા નામને યૂટ્યૂબ પર 4.5 લાખ જેટલા વ્યૂઝ મળ્યા છે. એમને વહીવટીય તથા નેતૃત્ત્વ ગુણ માટે એમને પ્રતિષ્ઠિત ‘સ્ત્રીશક્તિ પુરસ્કાર’થી નવાજવામાં આવ્યાં છે. આ એવોર્ડ તેમને તેમની લેડી શ્રીરામ કોલેજ તથા દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ તરફથી અને રાષ્ટ્રપતિ કોવિંદના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. રાખી ગુપ્તાએ નેશનલ ડીફેન્સ કોલેજમાંથી ડીફેન્સ અને સ્ટ્રેટેજિક સ્ટડીઝમાં એમ.ફિલ પણ કર્યું છે. એમને 2001માં વસ્તી ગણતરી કામગીરી માટે રાષ્ટ્રપતિ તરફથી રજતચંદ્રક પણ એનાયત કરવામાં આવ્યો હતો. ભૂટાનમાં પ્રથમ સંસદીય ચૂંટણી પ્રક્રિયાના નિરીક્ષણ વખતે ભારત સરકારે એમને રાષ્ટ્રીય નિરીક્ષક તરીકે નિમ્યાં હતાં. એમણે NIFTનાં ડાયરેક્ટર, ગૃહ વિભાગના સંયુક્ત સચિવ અને ફરિદકોટનાં ડેપ્યૂટી કમિશનર તરીકે પણ સેવા બજાવી હતી.