દીવાળી બાદ લગ્નની સીઝન ચાલુ થશે, જેના લગ્ન હોય એ યુવતીઓ અત્યારથી જ લગ્નની તૈયારીઓમાં લાગી ગઇ હશે. એક બાદ એક લિસ્ટ બનાવી લગ્નમાં લઇ જવાના આણાંની તૈયારીઓ કરતી હશે. યુવતીના પરિવારજનો કંઇ પણ રહી ન જાય એ માટે ખાસ ધ્યાન આપીને ઘરના દરેક સદસ્યો તમને એક એક વસ્તુઓ યાદ કરાવશે. પરંતુ આટલુ કરતા છતાં પણ કંઇક ને કંઇક તો રહી જ જાય છે કે જે તમને છેલ્લી ઘડીએ યાદ આવે અને એના માટે દોડાદોડી કરવી પડે. ક્યાંથી શરૂઆત કરવી, કઇ વસ્તુ લેવી, ક્યાંથી લેવી, કેટલી સાડી લેવી, કેટલા ડ્રેસ લેવા, કેટલા વેસ્ટર્ન કપડા લેવા, ઘરમાં પહેરવા માટે કયા કપડા પહેરવા જેવા અનેક સવાલો સતાવતા હોય છે.
એક દિકરી પોતાના નવા ઘરમાં તેની નવી જીંદગીની શરૂઆત કરવાની હોય છે. નવા લોકો, નવું વાતાવરણ, નવા વિચારો, નવા નિયમો આ દરેક વસ્તુમાં એને સેટ થવાનું હોય છે. આ દરેક સાથે તેને સેટ થતા વાર લાગે છે, ત્યારે વારેઘડીએ દિકરીને હાથ ન ફેલાવો પડે એ માટે ખાસ કરીને એને આણુ આપવામા આવે છે. એક નાનકડી સેફ્ટી પીન, બ્રશથી લઇને દાગીના, કબાટ સુધીની દરેક વસ્તુ આપવામાં આવે છે. હવે આણામાં તમારે શું વસ્તુ લઇ જવી, પહેલા શેની ખરીદી કરવી, તમારે શેની જરૂરીયાત પડશે એ તમામ વસ્તુઓનું એક લિસ્ટ બનાવી દો. જો તમારા લગ્નને 6 મહિના બાકી છે તો તમે નસીબદાર છો કે તમે આરામથી તમને ગમે એવુ શોપિંગ કરી શકશો. કપડા, જ્વેલરી, કોસ્મેટિક્સ, રોજબરોજની તમામ વસ્તુનું લિસ્ટ બનાવી લો.
હવે જ્યારે તમારે શોપિંગ કરવા જવાનું હોય ત્યારે સૌથી પહેલા પ્લાનિંગ કરી લો કે પહેલા ક્યાં જઇશુ, શું શોપિંગ કરીશુ. પછી જેમ-જેમ વસ્તુ લેવાતી જાય તેમ-તેમ એ વસ્તુ પર ટીક કરતા જાવ. જેથી એકની એક વસ્તુ એક કરતા વધુ વાર ન લેવાય જાય. ત્યારબાદ તમારે કેટલા જોડી કપડા લઇ જવા છે 21 જોડ, 51 જોડ કે 101 જોડ એ નક્કી કરી લો. એ પ્રમાણે કેટલી સાડી લેવી, કેટલા ડ્રેસ લેવા અને કેટલા ફોર્મલ અને વેસ્ટર્ન કપડા લેવા એના ભાગ પાડી લો. હવે જેટલી સાડી લો છો એમાં દરેક સાડી ભારે ન લેવી. અમુક સાડી ભારે લેવી કે જે તમે લગ્ન પ્રસંગ કે કોઇ ફંક્શનમાં પહેરી શકો, ત્યારબાદ કેટલીક સાડી હલકી લેવી કે તમારે ક્યાંક રોજબરોજ પહેરવાની આવે તો તમે પહેરી શકો. અને અમુક સાડી પાર્ટી વેર લેવી કે જે તમે પાર્ટીમાં જાવ તો સારી લાગે જે બહુ ભારે પણ નહી અને બહુ હલકી પણ ન લાગે. ડ્રેસની ખરીદી પણ આ રીતે જ કરો અમુક ડ્રેસ ભારે અને અમુક ડ્રેસ હલકા. મોટા ભાગે બહાર જાવ ત્યારે વધુ પડતા ડ્રેસ પહેરવાના જ આવતા હોય છે એટલે જો ડ્રેસ વધુ લેશો તો સારુ રહેશે. સાડી અને ડ્રેસની ખરીદી એ રીતે કરો કે એ ક્યારેય આઉટ ઓફ ફેશન ન થાય. અને ઘરમાં પહરેવા તો તમે કુર્તી લઇ શકો છો જે તમને પહેરવામાં પણ હલકી લાગશે. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવુ કે દરેક સાડીના બ્લાઉઝ એક સાથે ન સીવડાવવા. કારણ કે લગ્ન બાદ શરીર થોડુ પણ વધશે કે ઘટશે તો એ બ્લાઉઝ નહી થઇ રહે. ટ્રેડિશનલ કપડાની ખરીદી બાદ વેસ્ટર્ન કપડા જેવા કે જીન્સ, ટોપ, શોર્ટસની ખરીદી કરવી. એક કે બે બ્લેક અને બ્લ્યુ કલરમાં જીન્સ લઇ એની પર મેચીંગ થાય એવા પાંચ-છ ટોપ લઇ લેવા.
હવે સૌથી મહત્વની ખરીદી દાગીનાની, જો લગ્નને 6 મહિના બાકી હોય તો સૌથી પહેલા સોનાની ખરીદી કરવી. કારણ કે દિવસે ને દિવસે સોનાના ભાવ વધી રહ્યા છે. સોનાની ખરીદી દેખાદેખીમાં ક્યારેય ન કરવી, તમારુ જેટલુ બજેટ હોય એટલામાં જ લેવુ. જો તમારે સેટ કરાવવો હોય તો સેટ કરાવી શકો છો અને જો એ ન કરાવવો હોય તો રોજબરોજ ચેઇન પેંડટ પહેરી શકો એવુ કરાવવુ હોય તો એવુ પણ સારુ લાગી શકે છે. કારણ કે સેટ તિજોરીમાં જ પડ્યો રહેશે કારણ કે પ્રસંગ સિવાય એ વધુ પહેરવાનો આવશે નહી. સોનાની દાગીના સાથે ઇમીટેશનની જ્વેલરી પણ કેમ ભૂલી શકાય. પહેલા તમે કપડાની ખરીદી કરી લો ત્યારબાદ કપડાને મેચીંગ સેટ, બેંગલ્સ, ઇયરિંગ્સની ખરીદી કરો. થોડી ઇયરિંગ્સ એવી ખરીદો જે દરેક ડ્રેસમાં મેચીંગ થતી હોય. એમાં પણ વેરાયટી લો જેવી કે ડાયમંડ, કુંદન, સ્ટોન લઇ શકો છો. હવે વાત ઇનર વેરની, તો યુવતીઓ ઇનર વેર લેવા માટે ખૂબ ઉતાવળ કરતી હોય છે અને મોટા ભાગે ફેન્સી ઇનર વેર લઇ લેતી હોય છે. પરંતુ આવા ઇનર વેર માત્ર હનીમૂન પૂરતા જ વપરાય છે બાકીના સમય એ પડયા રહે છે. એટલે ઘરમાં પહેરવા માટે સાદા અને નાઇટી પણ સાદી લો. તમારા ઘર અને બોડીને અનુરૂપ નાઇટીની પસંદગી કરો.શૂઝ અને બેગ્સ દરેક મેચીંગ ન લેવુ, અમુક વસ્તુ કેઝ્યુઅલ પણ લેવી જેથી કરીને દરેકમાં મેચ થઇ શકે. બ્લેક અને ગોલ્ડન કલર ખાસ લેવા જેથી કોઇપણ ડ્રેસ કે સાડીમાં ચાલે. જ્વેલરી માટે પાઉચ, બેન્ગલ બોક્સ, સાડીકવર પણ લેવા જેથી એમાં તમારી વસ્તુ સચવાય જાય. બાથરોબ પણ ખાસ લેવો જેથી જો તમારા બેડરૂમમાં બાથરૂમ ન હોય તો ખરાબ ન લાગે. દરેક નાની-નાની વસ્તુ જેવી કે નેપકીન, રૂમાલ, સેફ્ટી પીન, વાળમાં નાખવાની પીન, હેરઓઇલ. બોડી લોશન, તમારી કોઇ દવા હોય તો એ તમામ વસ્તુઓનું યાદ કરીને પેકીંગ કરી લેવુ. જ્વેલરીમાં દરેક વસ્તુ ન લેવી કારણ કે વારતહેવારે તમારા માતાપિતા તમને કંઇક ને કંઇક તો આપવાના જ છે જેથી ખર્ચો પણ ઓછો થાય અને તહેવાર પણ સચવાય જાય. પરંતુ આ તમામ શોપિંગમાં એક વાતનું ખાસ ધ્યાન રાખો કે કોઇની દેખાદેખીમાં આવીને વધુ શોપિંગ કરી માતા પિતાને બોજારૂપ બની ટેન્શન ન આપવુ.