લગ્નજીવનની શરૂઆત એક એવી સ્વપ્નનગરી છે, જે દરેક માટે ખાસ છે. ખુલ્લી આંખોના શમણાં જયારે નજર સામે આકાર લઇ રહ્યા હોય અને ભાવિ પણ તમારા આ સબંધનો સુવર્ણ લેખ લખવા થનગની રહ્યું હોય ત્યારે ઉતાવળી બનતી જતી લાગણીઓનો આવેશ ઘણીવાર બેબાક બની જાય છે.
પરંતુ ક્યારેક એવું બને કે વાસ્દુતવની દુનિયામાં પ્રવેશતાં જ આ સપનાંઓ ચૂરચૂર થઇ જાય. એક સમય હતો, જયારે આપણી આસપાસનું વર્તુળ નાનું રહેતું. આજે સોશિયલ મિડીયાના કારણે એક જ ક્લિકમાં અનેકની જિંદગીમાં ઝાંકી શકાય છે એટલે એ ટાઇમલાઇન પર જે દેખાય છે એની અસર આપણા જીવન પર પડ્યા વિના રહેતી નથી. ટ્રેન્ડ, ફેશન અને દેખાદેખી અનેક સબંધોનો ભોગ લઇ રહ્યા છે. એવામાં યોગ્ય દિશામાં લેવાયેલા સાચા નિર્ણયોનું મહત્વ ઘણું જ વધી જાય છે.
સગાઈ પછી અને લગ્ન પહેલાં અથવા તો કોઈપણ રિલેશનશીપને નામ આપતાં પહેલાં તમે એના પ્રત્યે કેટલા ગંભીર છો એ જાણવું બહુ જ જરૂરી છે. અજાણતાં જ કે પછી ભાવાવેશમાં ઘણી વખત નિર્ણયો ખોટા સાબિત થતા હોય છે. ફક્ત લાગણીઓના ભાથાથી જીવનનિર્વાહ થઇ શકતો નથી. જો આ વાતથી તમે સભાન ના હોય અને માત્ર દુનિયાદારી, કુટુંબ અને ‘લોકો શુ કહેશે’ એ જ ભાવનાથી લગ્ન કરી રહ્યા હો તો એ એક ગુનો જ છે,પોતાના પ્રત્યે અને તમારા સાથી પ્રત્યે.
ખાસ કરીને અરેન્જ મેરેજમાં, જ્યાં એકબીજાને લગ્ન પહેલાં ઓળખવાનો અવસર ઓછો મળે છે, જે લોકોની રહેણીકહેણી અને ક્લ્ચર એકબીજાથી અલગ છે એ લોકોએ આ વિશે વધુ જાગૃત રહેવાની જરૂર હોય છે, કેમકે જયારે તમે તમારી જિંદગીની ખૂબસુરત સફર માટે સાથીની પસંદગી કરો છો ત્યારે તમે માત્ર એક સાથી જ નથી ચૂંટતા. તમે તેના સ્વભાવ, ઈમોશન્સ અને તેના ઇતિહાસ, વર્તમાન અને ભવિષ્ય સાથે પણ જોડાવ છો.
એક જ વાર ઉજવાતાં વેડિંગ-ડે માટે આપણે કેટલા સભાન હોઈએ છીએ કે વેડિંગ પ્લાનર્સ, સાથે મહિનાઓની ચર્ચા માત્ર એક જ દિવસની ઉજવણી માટે કરીએ છીએ, પણ જીવનભર નભતા સબંધના સારા સ્વાસ્થ્ય માટે આપણી પાસે ખરેખર કોઈ પ્લાન છે?
આનો જવાબ છે પ્રિ-વેડિંગ કાઉન્સેલિંગ.
પ્રિ-વેડિંગ કાઉન્સેલિંગ લગ્ન પહેલાં કપલને પોતાના જીવનના મહત્વના મુદ્દાઓ પર ખુલીને વાતચીત અને ચર્ચા કરવા માટે મહત્વનું પ્લેટફોર્મ પુરુ પાડે છે. પ્રોફેશનલ કાઉન્સેલર્સ દ્વારા આપણે જિંદગીની સફરમાં ઘડાતી બદલાતી રહેતી લાગણીઓ, જરુરિયાતો, આદતો અને રહેણીકહેણીને પ્લાન કરી શકીયે છીએ.એક્સપર્ટ કાઉન્સેલર્સ તમને તમારા સાથી સાથે સબંધની મજબૂતી માટે ઈમોશનલી અને પ્રેક્ટિકલી તૈયાર કરે છે કે જેથી તમે સારા કોમ્યુનિકેશન અને બિહેવિયરથી તમારા સબંધને નવી દિશા આપી શકો.
આ કાઉન્સેલર્સ તમને બહેતર ભવિષ્ય માટે ઘણા મુદ્દાઓ ચર્ચવા તૈયાર કરે છે. ઉદાહરણ તરીકે, ફાઇનાન્સ, ઇન્ટિમેસી ઇસ્યુઝ, કૌટુંબિક બાબતો, ધાર્મિક માન્યતાઓ, રિવાજો, વ્યક્તિગત માન્યતાઓ, બાળકો વિશેના વિચારો અને બીજું ઘણુંબધું. આ મુદ્દાઓ પર ચર્ચા કરીને એકબીજાના વિચારોને સારી રીતે સમજી શકો છો અને એકબીજાના નિર્ણયોને માન આપવાની ક્ષમતા કેળવી શકો છો.
તમે એકબીજા સાથે કેટલા ગંભીર અને પ્રતિબદ્ધ છો તે સમજવા કાઉન્સેલર્સ ઘણી વખત વ્યક્તિગત કાઉન્સેલિંગ કરે છે. લગ્ન પહેલાં ઘણી મહત્વપૂર્ણ પદ્ધતિથી કાઉન્સેલિંગ થાય છે. તેમાં ગોટમેન પદ્ધતિ, EFT પદ્ધતિ, સાયકોડાયનેમિક કપલ્સ થેરાપી મુખ્ય છે, જેમાં ભાવનાત્મક સબંધો પર ભાર મુકવામાં આવે છે.
પ્રિ-વેડિંગ કાઉન્સેલિંગના ફાયદા
એનાથી એકબીજા સાથે ખુલીને ચર્ચા કરવાની તક મળે છે. એકબીજાના વ્યક્તિત્વના અવનવા પાસાંઓને સમજવાનો મોકો મળે છે. ઘણા કિસ્સાઓમાં વ્યક્તિ પોતાના ભૂતકાળ વિશે ચિંતિત હોય છે, પણ યોગ્ય કાઉન્સેલિંગ દ્વારા તે ભવિષ્યમાં એ વિશે વધુ સભાન રહી શકે છે. કોઈપણ પ્રોબ્લેમ માટે એકબીજાને જવાબદાર ના ગણતાં પરિસ્થિતિ કે સંજોગો સાથે લડવા માનસિક રીતે તૈયાર થઇ શકે છે.
વર્તમાન સમયમાં દરેક પ્રકારની સગવડ હોવા છતાં એકબીજાને અનુરૂપ થઇને રહેવાનું કઠિન થતું જાય છે. સમાજમાં બનતા અનિચ્છનીય બનાવોના પરિણામે કપલ એકબીજા પ્રત્યે માનસન્માન ખોઈ રહ્યા છે. સમાજ એકાદ વ્યક્તિને લીધે પૂરી જેન્ડર વિશે જજમેન્ટ લઇ રહ્યો છે, પણ હકીકતમાં તો કોઈપણ સબંધ તૂટવામાં કે નિષ્ફળ જવામાં કોઈ એક વ્યક્તિનો વાંક હોતો જ નથી. ઘણી વખત પરિસ્થિતિ એટલી હદે બગડે છે કે તેમાં એક્સપર્ટ પણ કંઈ જ કરી શકતા નથી. સો, બેટર ટુ બી પ્રિપેર ઇન એડવાન્સ. પ્રિ-વેડિંગ કાઉન્સિલ એમાં મદદ કરી શકે છે.
(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)