આજે ફરી ગણતંત્ર દિવસ નજીક છે. વાત છે બે વર્ષ પહેલાંની. 25 જાન્યુઆરીની સવારે દિલ્હીથી શ્રીનગરની અમારી ફ્લાઇટ હતી. 26 જાન્યુઆરી માટે ઘણી ડિજિટલ તૈયારીઓ કરવાની બાકી હતી. વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામમાં સ્ટેટ્સ મુકવા માટે દેશપ્રેમની થોડી રેડીમેઇડ લાઈનો શોધવાની હતી અને થોડા તિરંગાના ફોટાઓ પણ. એમ તો અમે સાથે સફેદ ટીશર્ટ ય લીધાં હતાં, જે પહેરીને અમે કાશ્મીરની ખીણોમાં રીલ્સ તૈયાર કરવાના હતાં.
આનંદની ક્ષણો નજીક હતી. કલમ 370 હટ્યા બાદ શ્રીનગરની ધરતી પર અમે 90 ના દાયકાના પ્રવાસ બાદ ફરી ઉતર્યા. શ્રીનગર એક કાયમ સળગતી ધૂણીમાંથી એક ધમધમતું અને વિકસતું નગર બની ગયું હતું. ગણ્યાગાંઠ્યા વિસ્તારો સિવાય મોટાભાગે અંધારપટમાં જીવન વીતાવનારુ આ શહેર આજે રોશનીથી ઝગમગતું હતું. એક સમયે મહિલાઓ માટે જેલ જેવા આ નગરમાં આજે મહિલાઓ મુક્તપણે ફરતી છે. અમે જોયું કે લગભગ દરેક ઇન્ટરનેશનલ બ્રાન્ડ અહીંયા ડેરો જમાવી ચુકી હતી અને એક સમયે બિહામણો લાગતો લાલ ચોક વેપારીઓ અને ટુરિસ્ટોથી ધમધમી રહ્યો હતો.
અમે એ પણ જોયું કે, આ ઝગમગાટ માટે દર 100 મીટરના અંતરે ઊભેલો ભારતીય સેનાનો જવાન પહેરો દે છે. બે સમયના ભોજન અને આરામ સિવાય તેને ચહેરાના હાવભાવ બદલવાની પણ પરવાનગી નથી.
શ્રીનગરથી દૂર જતાં ઠંડી કાતિલ બની છે. ખીણો અને અંદરના ગ્રામ્ય વિભાગના દ્રશ્યો ભયાનક બનતા જાય છે. હિમવર્ષાએ થોડા વખત માટે રોમાંચ પ્રસરાવ્યો, પણ ધીમે ધીમે તે અસહ્ય બનતી ગઇ. આમ પણ અમારો પ્રવાસ અંતની નજીક હતો. અમે બર્ફમાં જે રીલ્સ બનાવી એને સોશિયલ મીડિયા પર સારો પ્રતિસાદ પણ મળ્યો. પરંતુ સમય જતાં બર્ફની નશીલી ચાદરો હવે ગાઢ બનતી હતી. રસ્તા પર ચક્કાજામને લીધે નીકળવું મુશ્કેલ હતું.
જ્યાં એક આંગળી પણ રૂમની બહાર ન નીકળી શકે ત્યાં સેનાના આ જવાનો હજુ પણ એ જ અવસ્થામાં ઉભા હતા. ના ચહેરા પર કોઈ શિશકતા કે ના કોઈ ખૌફ. એના સ્થિર હાવભાવ હવે અમને વિચલિત કરતાં હતાં. ચીચીયારી નીકળી જાય એવા વાતાવરણમાં સ્થિરતા જાળવવા ખબર નહીં કેટલા વજનદાર કલેજાની જરૂર પડતી હશે.
એવામાં ખબર આવી કે અહીંથી થોડા કિલોમીટર દૂર એક ગામમાં થોડા જવાનો બરફમાં ફસાયા હતા. ચિલ્લાઇ ક્લાનની એ કાતિલ મોસમ અને તાપમાન માઇનસ 17 ને પણ ઓળંગી ચૂક્યું હતું. ધોધમાર હિમવર્ષાએ 20 ફૂટ બરફનો ખડકલો પાથરી દીધો હતો. એલઓસી પોસ્ટ પરના જવાનો નાઈટ ડ્યૂટીના કારણે દિવસે ઊંઘવાની તૈયારીમાં હતા. એક કલાકની ઊંઘ બાદ મૌસમનો નજારો વધારે વિકરાળ થઇ ચૂક્યો હતો. ઉઠીને એ જવાનો બંકરની બહાર બરફ હટાવવા માટે પહેલું પગલું માંડે છે ત્યાં નરમ છોલમાંથી અતિ કડક થઈ ચુકેલા કાચ જેવા બરફ પર એમના પગ લપસે છે અને તે નવ ફુટ ઊંડા બરફમાં સરકે છે અને પછી કમનસીબે મૃત્યુ પામે છે.
આજે બે વર્ષ પછી ફરી ગણતંત્ર દિવસ નજીક છે. બે ચાર કેસરની ડબ્બી, સૂકા મેવાના પડીકા અને થોડા મફ્લરથી વધુ ત્યાંથી કંઈ જ સાથે લાવી નથી શકાતું. ના ત્યાંની મોસમ, ના એની મોજ, ના ત્યાંની પીડા, લાચારી કે ના ત્યાંના ઝગમગાટના હજારો પરખ પાછળનું સત્ય.
બર્ફીલી ચટ્ટાનોમાં દટાયેલ ઇતિહાસ એટલો બિહામણો છે કે આપણે એ સત્ય ક્દાચ પચાવી નહીં શકીયે. તો ય વાત કરવી છે એ શિખરોની. કેમકે આજે પણ એ ખુબસુરત સ્વર્ગમાં આપણા જવાનો નર્કનું જીવન વિતાવી રહ્યા છે. જીવંત લાશ જેવું જીવન જીવતાં આ જવાનોની વેદના માત્ર લાઈબ્રેરીઓ અને પારિતોષકોમાં જ ઉપલબ્ધ છે.
ઉચ્ચ તાલીમથી સજ્જ એ જવાન માનસિક અને શારીરિક સ્વસ્થ હોય તો જ તેને શિખરો પર મોકલવામાં આવે છે. ના, અસ્ત્ર-શસ્ત્ર અને ટેક્નોલોજીની સુવિધાઓની તેમને કોઈ ખોટ નથી, પણ ગરમ કપડાં, હીટરનો પૂરતા પુરવઠાથી તેમની જીંદગીમાં કોઈ ફર્ક નથી. જો એ શહાદત પામે તો કુટુંબને આર્થિક મદદ મળે, પણ મહામૂલી શહાદતની કિંમતને આ આર્થિક સહાય આંબી ન જ શકે.
આવા હજારો વીરોની બહાદુરી સામે આપણા સોશિયલ મિડીયાના સ્ટેટ્સ અને આપણી ડિજિટલ રાષ્ટ્રભક્તિની કોઈ કિંમત નથી. આપણી એકાદ-બે ક્ષણની મોજ સામે એમણે કપરી સ્થિતિમાં લીધેલા શ્વાસોની કિંમત અનેકગણી વધારે છે.
આ ઋણ આપણે કદી ચૂકવી ન શકીએ. જય હિન્દકી સેના, જય હિન્દ.
(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)
