ફિમેલ સોલો ટ્રાવેલિંગ : મહિલાઓએ પોતાની જાતને જાણવાનો એક અનોખો અવસર

ના કોઈ અહીંયા રોકે ટોકે,
ના કોઇ,સહિયારું…
સાથી મારો થેલો
એમાં ભરોસાનું ભાથું….

એક સમય હતો, જયારે ,અને હજુ પણ એવા ઘરો છે જ્યાંની મહિલાઓ કામ વગર તો ઠીક પણ કામથી પણ ઘરનો ઉંબરો ઓળંગતી નથી.એમને ઘરના ડેલે પણ ઊભવાની વિશિષ્ટ પરવાનગી હોતી નથી, કેમકે હલકી માનસિકતા કહો કે રૂઢિગત પરંપરા,જ્યાં ઘરની વધુઓના જીવન કાયમ જ ઘૂંઘટ નીચે કે ચાર દીવાલો વચ્ચે પીસાતા રહ્યા છે. એ મુંજારામાં એમના મૂંગા નિસાસાઓએ કેટલી પેઢીઓની આબરૂઓ સાચવી છે.વિદેશીઓએ અવકાશમાં પોતાનું સ્થાન મેળવી લીધું ત્યાં આપણી ધરાની ઘણી મહિલાઓ આજે પણ ઘરની ચાર દીવાલોમાં, અસ્તિત્વ માટે ફાંફા મારી રહી છે. યુગ બદલાઈ ગયાં, ગાડીઓ અને ફોનના વર્જન અપડેટ થઈ ચુક્યા, પણ એ માનસિકતાના મૂળ કેટલા ગૂઢ હશે, જે પેઢીઓ બદલાયા પછી પણ દરેક માનસમાં અડીખમ ઉભા છે.

ગુજરાતી ફિલ્મ ‘ઉંબરો’માં સોલો ટ્રાવેલિંગ દ્વારા દરેક સ્ત્રીઓની લાગણીઓને પાંખો આપવાનો નિખાલસ પ્રયત્ન હતો. પણ તે બદલાવ હજુ ઘણો જ સિમિત છે. મેટ્રોસમાં મહિલાઓના સોલો ટ્રાવેલિંગનો ટ્રેન્ડ આવ્યો છે. પણ ઘણા ઘરો માં આ માત્ર એક સ્વપ્ન જ છે. જ્યાં માત્ર થોડા સમય માટે મહિલાઓ ઘરની બહાર નીકળે છે, અને પોતાની રીતે દુનિયા નિહાળે છે.

કોઈ પણની મદદ વગર અજાણ્યા સ્થળ પર, અજાણ્યા લોકો સાથે અનુભવો લેવા અત્યંત રસપ્રદ હોય છે. આજકાલ સ્ત્રીઓ માટે સોલો ટ્રાવેલિંગ એક નવો ટ્રેન્ડ બની ચુક્યો છે. 2023ના એક એરલાઇન્સના સર્વે મુજબ 30 ટકા મહિલાઓએ સોલો ટ્રાવેલીંગ વધુ પસંદ કર્યું હતું. અને દિવસે દિવસે આ સંખ્યા વધી રહી છે. સોલો ટ્રાવેલિંગ, એ માત્ર સફર જ નથી હોતી, એ એક આંતરિક ખોજ પણ છે, પોતાને જાણવાની… પોતાની સાથે સમય વિતાવવાની.

કહેવાય છે કે દુનિયામાં સૌથી લાબું અંતર, ચેતનાઓથી પોતાના આંતરમન સુધીનું હોય છે. અને ભાગ્યે જ કોઈ ત્યાં પહોંચી શકે છે. સાધુઓ પણ આના માટે એકાંત શોધતા. ઘણી વખત ધ્યાન માટે નહીં પણ આંતરિક વજુદની સ્થિરતા માટે પણ એકલતા અને નીરવતા જરૂરી બની જાય છે. જ્યાં બાળકોના ટિફિન અને કામવાળીની ચિંતાઓ પજવતી નથી. જ્યાં થોડી વાર માટે પણ ઘરના લોકોના સ્કીડ્યુલ સાચવવાની જવાબદારીથી મુક્ત થવાય છે.

મહિલાઓના સોલો ટ્રાવેલિંગ માટે હવે ઘણી જ ટ્રાવેલ એજન્સીઓ ટુર બહાર પાડે છે. જે મોટા ભાગે હોટેલ બુકીંગ અને ટિકિટ બુકીંગ જેવી જવાબદારીઓ લઇ લે છે, ઉપરાંત એમાં સેફટી ફીચર્સ પણ સારા હોય છે. એમ તો ઇન્ડિયામાં રાજસ્થાન, દાર્જિલિંગ, હિમાચલ પ્રદેશ મહિલાઓ માટે ઘણા સુરક્ષિત રહ્યા છે. વિદેશમાં પણ જાપાન, આઈસ લેન્ડિંગ, ન્યુઝીલેન્ડ જેવા દેશો ખૂબ સુરક્ષિત છે. સુરક્ષા માટે થોડી સાવચેતી અને આયોજનથી પ્રવાસને આનંદ દાયક બનાવી શકાય છે. એના માટે ટ્રાવેલ પ્લાનિંગ, લોકલ પરિવહન અને હોટલોની જાણકારી ખૂબ ઉપયોગી બની રહે છે.

હાઉસ વાઈફ માટે તો આવાં ટ્રાવેલિંગ અત્યંત રોચક બને જ છે, પણ બિઝનેસ વુમન કે વર્કિંગ વુમન પણ અલગ જગ્યાએ, પોતાના રસ મુજબ નવી દુનિયામાં એક્સપલોર થઇ શકે છે, પોતાના કામ માટે નવા આઈડિયા અને માર્કેટ શોધી શકે છે. તો બહેનો, પોતાની જાતને માણવાનો અને જાણવાનો આનાથી સારો અવસર બીજો કોઈ નહીં મળે, આત્મવિશ્વાસ જ્યાં ચર્મસીમાંએ હશે અને દુનિયા સમક્ષ એક તમારું અલગ જ આભામંડળ સર્જાશે. તો બેગ પેક કરો અને નીકળી જાઓ તમારી એક અલગ જ દુનિયામા…

(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)