દીકરી વ્હાલનો દરીયો…તમે કોઇ પણ નાની દીકરીને પૂછશો કે તારે મોટા થઇને શું કરવુ છે તો તમને જવાબ આપશે કે મારે તો ઢીંગલાઢીગલીની જેમ લગ્ન કરવા છે. ઢીંગલીની જેમ જ સરસ રીતે તૈયાર થવું છે. પરંતુ હવે શહેરમાં તો જાણે આખી સ્થિતિ બદલાઇ જ ગઇ હોય એવું લાગે છે. કારણ કે હવે છોકરીઓનો ધ્યેય માત્ર લગ્ન કરવો જ નથી. હવે છોકરીઓના ધ્યેય એક કરતા વધી ગયાં છે, એ માત્ર હવે લગ્ન કરીને પરણવા જ નથી માગતી. પરંતુ હવે એ પહેલાં પોતાનું કરીયર બનાવી પગભર થવા માગે છે. હવે યુવતીઓ લગ્ન કરતા ડરે છે અને એની પાછળ કેટલાક કારણો છે કે જેના લીધે યુવતીઓ લગ્ન કરતાં ડરે છે.સૌથી પહેલા તો લગ્નની વાત આવે ત્યાં જ યુવતીઓને અલગ-અલગ વિચાર આવવા લાગે છે. કે શું સાસરામાં માતા-પિતાની જેમ જ પ્રેમ મળશે ખરી? અહીં જે રીતે માતા-પિતા દેખરેખ રાખે છે એ રીતે શું સાસરામાં દેખરેખ અને સારસંભાળ મળશે. ઘણીવાર એવુ પણ થાય છે કે છોકરીઓને ઘરમાં કહેવામાં આવે છે કે તારા આ બધા નખરા સાસરામાં કોઇ નહી ઉપાડે, અંહી જેટલા નખરા કરવા હોય એટલા કરી લે. આવી બધી વાતો પણ ઘણીવાર લગ્ન કરતા ડરાવી દેતી હોય છે. બીજુ છે જે યુવતીઓને સામાજિક અને આર્થિક સ્વતંત્રતા છીનવાઇ જશે તેવો પણ ડર લાગે છે. તમારી તમામ વસ્તુ તમારા સાસરા અને પતિ પર નિર્ભર થઇ જાય છે. તમે તમારી રીતે કંઇ જ નથી કરી શકતા જેથી યુવતીને ડર લાગે છે કે શું મારી રીતે કંઇ કરી શકીશ કે નહી કરી શકુ.
સાસરામાં જઇને સંબંધો સાચવવાનો પણ ડર હોય છે. લગ્ન બાદ યુવતી સાસરામાં દરેક લોકો સાથે સારી રીતે સંબંધ સાચવી શકશે કે નહી સાચવી શકે તેનો ડર હોય છે. દરેકની ઇચ્છાઓ પૂરી કરવી, સાસુ-સસરા, જેઠ-જેઠાણી, દેર, નણંદને સરખી રીતે સાચવવા, કોઇને કંઇ વાતનું ખરાબ લાગશે તો ઘરમાં સાચવી શકીશ કે કેમ એવા વિચારો આવે છે. શું સાસરી પક્ષ વાળા મને સારી રીતે સમજી શકશે કે નહી સમજી શકે. લગ્ન બાદ એવુ થાય છે કે માત્ર છોકરીઓને જ એડજસ્ટ થવુ પડતુ હોય છે, પરંતુ હવે સમય એવો આવ્યો છે કે માત્ર એક વ્યક્તિ એડજસ્ટ થાય તો ચાલે એવુ નથી. બંને વ્યક્તિએ એડજસ્ટ થવુ પડતુ હોય છે. કારણ કે આજે પતિ-પત્ની બંને લોકો નોકરી કરતા હોય છે. ત્યારે ઘરમાં બંનેએ સમય, પરિસ્થિતિને લઇને એડજસ્ટ થવુ પડે છે.
એક વાત એ જે યુવતીને લગ્ન કરતા ખચકાતી હોય છે કે હું લગ્ન કરીશ તો મારા કરીયરની બેન્ડ વાગી જશે. કારણ કે દરેકના ઘરે એવુ નથી હોતુ કે ઘરની વહુને નોકરી અથવા તો બિઝનેસ કરવા દે. ત્યારે યુવતીના માતા-પિતાએ લાખો ખર્ચીને એને ભણાવી હોય પગભર થવા માટે અને જ્યારે તમે સાસરે જાવ ત્યારે તમને નોકરી કરવાની ના પાડી દેવામાં આવે છે ત્યારે ખરાબ લાગે છે. આવા અનેક સવાલો મનમાં ફરતા હોય છે. બીજી એક ખાસ વાત કે જેથી છોકરી લગ્ન કરવાથી ભાગે છે તો એ છે ઘરનાં સાસુ-વહુના ઝઘડા. નાની-નાની વાતોમાં સાસ-વહુના ઝઘડા થાય છે અને બંનેને મનદુખ થાય છે. અને આવા ઝઘડા તો દરેકના ઘરમાં થાય એ તો વાત નોર્મલ છે.પરંતુ પ્રશ્ન ત્યાં ઉભો થાય છે કે શું આ બધામાં મારો પતિ મને સમજશે ખરો? જો પતિ સમજે તો સારી વાત છે પણ જો પતિ ન સમજે ત્યારે પત્ની ખૂબ એકલુ મહેસૂસ કરે છે. કારણ કે આ એવી વાતો છે કે જે પત્ની ના તો કોઇને સાસરામાં કહી શકે અને ના તો પિયરમાં કહી શકે અને બસ એના મગજમાં આવી વાતો ઘર કરી જાય છે. આવા અનેક કારણો છે કે જેના કારણે લગ્ન કરતા યુવતીઓને ડર લાગતો હોય છે. પરંતુ જો આવા મુદ્દાઓને લઇને બંને સાઇડથી સમજી અને એડજસ્ટ કરવામાં આવે તો આવા પ્રશ્નોને હલ કરવા બૌ સરળ બાબત છે.