બાળકો તમને અનુસરી રહ્યાં છે? આટલું રાખો ધ્યાન

દલાતા સમય અને જમાનાની સાથે-સાથે સમાજમાં કુટુંબ-પરિવારનો અર્થ અને મહત્વ પણ બદલાઇ રહ્યું છે. મોટા અને સંયુક્ત પરિવારો તૂટતાં જાય છે, પરિવાર નાના- ન્યુક્લિયર ફેમિલી જોવા મળી રહ્યાં છે. ન્યુક્લિયર ફેમિલીની સરળ ભાષામાં અને ટૂંકમાં વ્યાખ્યા આપું તો માતાપિતા અને તેમનાં બે બાળકો. જો કે બાળકો બે કરતાં વધુ પણ હોઇ શકે. આ રીતનું ફેમિલી યુરોપ બાજુ વધુ જોવા મળે છે. જો કે હવે ભારતમાં પણ આવા ફેમિલીની કોઇ નવાઇ નથી. આપણાં દેશમાં પણ હવે મોટાભાગે આવા જ ફેમિલી જોવા મળી રહ્યાં છે. અને જ્યારે આવી પરિસ્થિતિ ઉભી થાય છે ત્યારે એકબીજા પ્રત્યે પ્રેમ ઓછો થઇ જાય છે. સહનશક્તિની ઘટી જાય છે અને રોષ વધી જાય છે.આવી પરિસ્થિતિ ઉભી થતા ઘરમાં રોજબરોજના ઝઘડાં વધી જાય છે. ઘરનું સંતાન પણ આ જ જોઇને મોટું થાય છે પછી ભલે એ સંતાન છોકરી હોય કે છોકરો હોય. અને ઘરમાં ફરી આ જ પરિસ્થિતિનું વારંવાર પુનરાવર્તન થાય છે. પરંતુ આ તમામમાં અંતે સાંભળવાનું માત્ર ઘરની સ્ત્રીને એટલે કે માતાને જ આવે છે કે માતાએ સારા સંસ્કાર નથી આપ્યા. કહેવત છે ને કે વહુનાં લક્ષણ બારણામાં અને પુત્રના લક્ષણ પારણામાં. જો કે માતા પોતાના બાળકને સારા સંસ્કાર આપવામાં કંઇ જ કચાસ બાકી નથી રાખતી. છતાં પણ આવુ ન બને તે માટે માતાએ જ ખાસ કાળજી લેવી પડશે.

સૌથી પહેલાં તો સંતાનો કોઇ પણ પરિસ્થિતિ કેમ ન હોય તેઓ સાચું બોલે તેવો જ આગ્રહ રાખો. અને આના માટે તમારે પણ હંમેશા સાચું જ બોલવુ જોઇએ. અને બાળક સામે તો કોઇ દિવસ ભૂલથી પણ ખોટું ન બોલશો. બાળક તમારી નાની નાની વસ્તુને યાદ રાખશે અને તેને અનુસરશે. એટલે જો બાળક હંમેશા સાચું બોલે એવુ તમે ઇચ્છતા હોવ તો તમે પણ એમની સામે સાચું બોલો. બાળક પિતા કરતા માતા સાથે વધુ સમય પસાર કરતું હોય છે એટલે એ તમારુ વર્તન જોઇને તમારું અનુકરણ કરશે.સંયુક્ત ફેમિલીમાં ન રહેવા છતાં પણ તમે બાળકને ફેમિલીનું મહત્વ સમજાવો. પરિવારમાં પોતાના કરતા બીજાનો વિચાર કરતા પહેલા શીખવાડો. સ્વાર્થ બાજુ પર મૂકી ઘરના અન્ય સભ્ય વિશે વિચારતા શીખવો. અન્ય કુટુંબીજનોની ગમતી અણગમતી વસ્તુઓનું ભાન કરાવો. જેથી કરીને કોઇ ચીજવસ્તુ કે કોઇ જગ્યા જોતા તેને તરત જ એ સભ્યનો ખ્યાલ આવશે. અન્ય પરિવારજને બાળક સામે સ્વાર્થી બનવા કરતા નિર્દોષપણે જ વ્યવહાર કરવો જોઇએ આવામાં દૂર રહેવા છતાં પણ નજીક હોય તેવો જ અનુભવ થશે. બીજી એક મહત્વની બાબત છે માન-સન્માન. જો તમે માન આપશો તો તમને સામે મળશે. બાળકને નાનપણથી જ નાનાથી લઇને વડીલોનું કઇ રીતે માન જાળવવું તે શીખવવું જોઇએ. ઘરમાં બાળકને દરેક સાથે પ્રેમપૂર્વક વર્તન કેવી રીતે કરવુ એ શીખવવુ. કોઇ પણ ભૂલ થાય તો બાળકને દરેક સામે બોલવાથી કે અપમાનિત કરવાથી તેના મનમાં બદલાની ભાવના ઉભી થશે. પરંતુ એ જ ભૂલ તમે તમારા બાળકને પ્રેમ પૂર્વક, આદરપૂર્વક સમજાવશો તો બીજીવાર એ એવી ભૂલ નહી કરે.

તમારે તમારા બાળકનો સારો ઉછેર જોતો હોય તો બાળકની કોઇ દિવસ સરખામણી ન કરો. અને એમાં પણ નાના મોટા ભાઇ બહેન હોય કે પછી તમારા બાળકના મિત્ર ઘરે આવે છે એમની સામે તો કોઇ દિવસ સરખામણી ન કરો. આમ કરવાથી બાળકના મનમાં એક સ્પર્ધાત્મક, સ્વાર્થની ભાવના ઉભી થશે. ભગવાન કોઇને દુનિયામાં એક જવુ બનાવીને તો મોકલતા નથી. દરેકમાં જમીન આસમાનનો ફરક હોય છે અને દરેકમાં કંઇકને કંઇક આવડત હોય છે જે એમાં માહીર હોય છે. અને અંતે એક મહત્વની વાત

બાળકને હંમેશા જતું કરતા શીખવો. તમારી રોજ-બરોજની જીંદગીમાં તમે અઢળક વસ્તુઓ, તમારી ઇચ્છાઓ જતી કરતા હશો. અને આ ગુણ એક માતાથી વધુ સારુ કોઇ જ ન શીખવી શકે. જો આટલુ કરવામાં તમે કામયાબ થઇ ગયા તો સમજી લો કે તમે તમારી જીંદગી સફળ બનાવી દીધી. તમારા બાળકો તમને અનુસરી રહ્યા છે તો જો જો તમે અજાણતા પણ કોઇ ભૂલ ન કરી બેસતા.