યાદગીરીઓનો બોર્ડિંગ પાસ

તમારામાંથી અનેકોએ વિમાન પ્રવાસ કર્યો હશે. એરપોર્ટ એટલે ફક્ત ફ્લાઈટ પકડવની જગ્યા છે એવું આપણને લાગે છે. જો કે વાસ્તવમાં આ જગ્યા એટલે એક અલગ દુનિયા હોય છે. ક્યાંક ગિરદી હોય છે, ક્યાંક શાંતિ, ક્યાંક વાતાવરણમાં તણાવ જણાય છે તો ક્યાંક મનની ઉત્કંઠા ચરમસીમાએ પહોંચેલી હોય છે. વિમાનથી પ્રથમ જ પ્રવાસ કરવાના હોય તો તે ઉત્સાહ અલગ જ હોય છે. આવું આ એરપોર્ટ એટલે દરેક ચહેરા પર લખેલી એક વાત હોય છે. આવો જ એક વિમાનપ્રવાસ હતો. તે દિવસે સવારે નવ વાગ્યાની ફ્લાઈટ હતી અમારી. અમે પાલન કરીએ તે એક અલિખિત નિયમ એટલે ડોમેસ્ટિક ફ્લાઈટ હોય તો ઘરેથી બે કલાક અગાઉ નીકળવાનું અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ માટે ત્રણ કલાક અગાઉ. એરપોર્ટ શહેરમાં હોવાનો ફાયદો. અર્થાત અમારા બધા પર્યટકોને અમે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ માટે સાડાત્રણથી ચાર કલાક અગાઉ બોલાવીએ છીએ. ટ્રાફિક જામ ક્યાં થશે તે કહી શકાય નહીં અને એરપોર્ટનું ચેક-ઈન, સિક્યુરિટી ચેક અને ઈમિગ્રેશનની લાઈન કેટલી લાંબી હશે તેનો પણ ભરોસો નથી હોતો. પ્રિકોશન ઈઝ બેટર ધેન ક્યોર. આથી ડોમેસ્ટિક ફ્લાઈટ માટે પણ બે કલાક પૂર્વે એરપોર્ટ પર હાજર હોવું જોઈએ એવી આદત જ પડી ગઈ છે. અમુક આદતો એટલી ઘટ્ટ હોય છે કે ક્યારેક-ક્યારેક કોન્ટેક્સ્ટ બદલાઈ ગયો છે તે આપણને ધ્યાનમાં પણ આવતું નથી અને આપણે કાયમની આદત પ્રમાણે તે બાબત કરતાં હોઈએ છીએ. સો નવ વાગ્યાની ફ્લાઈટ હોવાથી અમે સાત વાગ્યે એરપોર્ટ પર પહોંચ્યાં. અમારી કાર અમને છોડીને નીકળી ગઈ. એરપોર્ટ સામેના આખા રસ્તા પર અમે બે જ હતાં. એરપોર્ટ બંધ. મેં અને સુધીરે એકબીજાની સામે જોયું. આ દુનિયાનું પ્રથમ એરપોર્ટ હતું જે અમારા સ્વાગત માટે બિલકુલ તૈયાર નહોતું. તે ચૂપચાપ પોતાને બંધ કરીને બેઠેલું હતું. અમે બેગ ખેંચીને એરપોર્ટના દ્વાર પાસે આવ્યાં. હવા વરસાદી હતી, જેથી વરસાદ આવે તો ભીંજાવા સિવાય કોઈ ઓપ્શન નહોતો. ઠંડી કહે મારું કામ. એટલું સારું થયું કે અમે પોતાને ખાસ્સાં લેયર્ડ વૂલન ક્લોધિંગથી ઢાંકી દીધાં હતાં.

એરપોર્ટના તે ગેટ નજીક ઊભાં રહીને અમે વાટ જોતાં રહ્યાં કોઈક આવશે અને ગેટ ખોલશે. ગેટ કાચનો હતો અને અંદર એક કાઉન્ટર હતું, એક કોફી મશીન, બે સોફા સેટ, એક સોફ્ટ ડ્રિંક ડિસ્પેન્સર મશીન એમ નાનો સંસાર પાથરેલો હતો. અમે ક્યારેક આ પગ પર તો ક્યારેક પેલા પગ પર શરીરનું વજન આપીને ઊભાં હતાં. ખાસ્સો સમય ઊભાં રહ્યાં પછી હું ભૂલમાં ગેટની સાઈડ તરફ ગઈ એટલે રીતસર ગેટ ખૂલી ગયો. ઓહ, એટલે કે, એરપોર્ટને તાળું લગાવેલું નહોતું. ગેટ ખુલ્લો જ છે એ જોતાં અમે અંદર ગયાં અને સોફા પર બેસી ગયાં. હવે માથા પર છત મળી હતી. આથી અમે `અબ આંધી આયે યા તૂફાન’ આપણે ફિકર કરવાની જરૂર નથી એવું મહેસૂસ કરીને રિલેક્સ થયાં. કોઈક આવશે જ ટૂંક સમયમાં એવો વિચાર કરીને કોફી મશીનમાંથી કોફી લીધી. તે ડિસ્પેન્સરમાંથી વેફર્સ લીધા અને `એન્જોય ધ મોમેંટ’ એવું ધારીને તે શહેરમાં રહેલો થોડો સમય મસ્ત રીતે વિતાવ્યો. જો કે વિમાન પ્રસ્થાનને ફક્ત અડધો કલાક બાકી હતો છતાં કોઈનો પત્તો નહોતો. આથી અમે થોડા ચિંતામાં મૂકાયાં. આપણે ચોક્કસ તે જ એરપોર્ટ પર આવ્યાં છીએ ને કે બીજું એરપોર્ટ છે આ શહેરમાં? એવો મનમાં વિચાર આવ્યો. કોફીની રંગત ઊડી ગઈ અને અમે ચિંતામાં મુકાઈ ગયાં. ચામાચીડિયું પણ નહોતું એવા તે રસ્તા પાસે વિસ્મયથી જોતા રહ્યાં અને થોડીવાર પછી એક કાર દૂરથી આવતી દેખાઈ. ખ્રિસ્તોફર કોલંબસને દુનિયાની શોધ ઝુંબેશ કરતી વખતે ઓગણત્રીસ દિવસના સમુદ્રના તે એક્સપીડિશનમાં પક્ષીઓનું ઝુંડ જોયા પછી લગભગ ક્યાંક જમીન હશે એવી આશામાં-વિચારથી જે ખુશી થઈ હશે તેવી જ ખુશી અમને થઈ.

કાર એરપોર્ટ સામે ઊભી રહી. એક ગોરો યુવાન નીચે ઊતર્યો. અમે ગૂડ મોર્નિંગ કરીને તેના કાઉન્ટર પર સ્થિર થયાં. હવે વિમાનને દસ મિનિટ બાકી હતી. તેણે અમારી ટિકિટ જોઈ અને બોર્ડિંગ પાસ આપ્યો. તે સમયે વિમાનના દસ મિનિટ પહેલાં ત્રણ જણની વધુ એક ફેમિલી આવી. પ્રાઈવેટ જેટ હોય તો પણ કમ સે કમ અડધો કલાક અગાઉથી બોલાવાય છે. એર સ્ટ્રિપ પર વિમાન દેખાતું નહીં હોય તો પણ બોર્ડ પર અમારું વિમાન સમયસર દેખાતું હતું અને પાંચ મિનિટ પૂર્વે આકાશમાં તે વિમાન દેખાયું. નાનું અઢાર સીટર વિમાન. ચાર જણ નીચે ઊતર્યા અને અમે પાંચ જણ વિમાનમાં ચઢ્યાં. મને તે એરપોર્ટ એકાદ બસ સ્ટોપ જેવું લાગ્યું. અમે બાય બાય કર્યું હોન્નિંગ્સવાગને અને નીકળ્યાં ટ્રોમ્સો તરફ.

આ વાત પચ્ચીસેક વર્ષ પૂર્વેની હશે. ઉબર અને મોબાઈલનું વ્યસન તે જમાનામાં લાગેલું નહોતું. ડિસેમ્બર મહિનામાં લંડનમાં હતાં અને ત્યાંથી અચાનક નક્કી કરીને નોર્ધર્ન લાઈટ્સ જોવા માટે અમે ગયાં હતાં. નોર્વે દેશના ઉત્તર છેડા પર, એટલે કે, દુનિયાના ઉત્તર ખૂણા પર હોન્નિંગ્સવાગમાં. નોર્થ પોલથી બે હજાર કિલોમીટર્સ અંતરે, માંડ અઢી હજારની લોકવસતિ ધરાવતું, દુનિયાના મેઈનલેન્ડ પરનું આર્કટિક સર્કલમાંનું તે છેલ્લું ગામ હતું. અહીં જ આપણને નોર્થ કેપની તે ફેમસ ગ્લોબ મોન્યુમેન્ટવાળી નોર્ધર્નમોસ્ટ જગ્યા જોવા મળે છે. આ મેઈનલેન્ડ પરનું છેલ્લું ગામડું હોવા છતાં તેનાથી નોર્થ પોલ સુધી હજુ એક જગ્યા છે આઠસો કિલોમીટર્સ પર જ્યાંથી આપણે જઈ શકીએ. તે છે સ્વાલબાર્ડ આઈલેન્ડ્સ, ત્યાંનું લોંગરબાયન એક હજાર લોકવસતિનું શહેર છે. ગયા વર્ષે જ અમારાં ડાયરેક્ટર સુનિલા પાટીલ સ્વાલબાર્ડ જઈને આવ્યાં. હવે અમે પણ વાટ જોઈ રહ્યાં છીએ ક્યારે એકવાર સ્વાલબાર્ડમાં જઈએ, કારણ કે નોર્થ પોલની પેલી બાજુ બે હજાર કિલોમીટર્સ સુધી જઈ આવ્યાં છીએ. જો કે સુનિલા તે પાર બારસો કિલોમીટર્સ સુધી ગયાં છે તો પછી `સબસે આગે’ કહેતું મારું મન સુનિલાના એક્સપીડિશનમાં પાછળ મૂકવાનો પ્રયાસ નહીં કરે તો જ નવાઈ. ઉત્તર ધ્રુવ નજીકનું લોંગરબાયનનું આ છેલ્લું એરપોર્ટ મને જોવું જ છે.

અમારી એક કેમ્પેઈન વચ્ચે-વચ્ચે ચાલુ હોય છે તે એટલે `તમે કેટલા દેશ જોયા?’ જો કે હવે આ લેખ લખતાં લખતાં મને સૂઝ્યું કે આપણે એક એવી પણ કેમ્પેઈન કરવી જોઈએ, તે એટલે, `આજ સુધી તમે કેટલાં એરપોર્ટસ જોયાં?’ હા, એટલે કે, એરપોર્ટ એ મારા મતે જોવાની જગ્યા છે અને મારા જિપ્સી મનને દુનિયાનાં આવાં અનેક યુનિક એરપોર્ટસ જોવાં છે. એકાદ એરપોર્ટ બહુ મોટું હોય છે, જેમ કે, સાઉદી અરેબિયાનું દમામ એરપોર્ટ, જે તેના પાડોશી બાહરીન દેશ કરતાં પણ મોટું છે. એકાદ એરપોર્ટ અત્યંત સુંદર હોય છે, જેમ કે, કતારમાંનું હમાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ અથવા સિંગાપોરનું ચાંગી એરપોર્ટ. એકાદ એરપોર્ટ ઊંચાઈ પર હોય છે, જેમ કે, બોલિવિયાનું અથવા પેરૂમાં અથવા આપણા લેહનું. અર્થાત દુનિયામાં સૌથી ઊંચાઈ પર વધુમાં વધુ એરપોર્ટ ચીનમાં છે. એકાદ એરપોર્ટ સમુદ્ર પર પણ હોય છે, જેમ કે, સ્કોટલેન્ડનું `બારા આઈલેન્ડ’માં સમુદ્રકિનારાનું એરપોર્ટ ભરતી અને ઓટને આધારે ચાલુ રહે છે. નોર્થ પોલથી નજીક બધા દેશોમાં પ્રત્યેકીએક એરપોર્ટની મારે મુલાકાત લેવી છે. આપણે જો ગ્લોબ પર નોર્થ પોલનો ટોપ વ્યુ જોઈએ તો આપણને એરપોર્ટસ દેખાશે. કેનેડામાંનું નુનાવુટ, એલર્ટ, યુરેકા, ગ્રીસ ફિયોર્ડ, રશિયાનું ડિક્સન મૂરમાંસ, યુકેનું બેરો, ગ્રીનલેન્ડમાંનું થૂલ,સિયોરાપાલૂક કાનાક. હવે નોર્થ પોલ નજીકનાં એરપોર્ટસ જોયા પછી સાઉથ પોલે શું ખરાબ કર્યું છે? તેની નજીકનાં એરપોર્ટસ પણ જોવા જોઈએ ને. સાઉથ પોલ નજીકની ક્નટ્રીઝ એટલે કે, સાઉથ અમેરિકાનું ચિલી અને આર્જેન્ટિના. ત્રીજો નંબર ન્યૂ ઝીલેન્ડનો, ચોથો ઓસ્ટ્રેલિયાનો અને તે પછી સાઉથ આફ્રિકા. દુનિયાના દક્ષિણ ખૂણા પરના ચિલી દેશનું છેલ્લું ગામ એટલે પાતાગોનિયા રિજનમાંનું પુંતા આરેનાસ. તે ગામ અત્યંત સુંદર છે. અ મસ્ટ વિઝિટ ઈન અવર ટ્રાવેલ મિશન. સમય છે, તબિયત સારી છે અને ખિસ્સા ભરેલા હોય તો દુનિયાના છેડા પરનું આ પર્યટન જરૂર કરવું જોઈએ. બીજું એરપોર્ટ ઉશુઆયા, જે આર્જેન્ટિનામાં છે. એન્ટાર્કટિકામાં જતી વખતે ત્યાં જઈ આવી, જેથી તે ઓલરેડી ટિક માર્કડ છે. બાકી ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા કે સાઉથ આફ્રિકાનાં સધર્નમોસ્ટ એરપોર્ટસની ઓલરેડી મુલાકાત લીધી છે, સો સાઉથ પોલ નજીકનાં એરપોર્ટસ મોટે ભાગે જોઈ લીધાં છે. ઉપરાંત ગયા વર્ષે ગ્રીનલેન્ડમાં જઈ આવી, જેને લીધે ત્યાંનું નોર્ધર્નમોસ્ટ નહીં પણ એક એરપોર્ટ જોઈ લીધું છે.

આપણને વિમાનમાં વિંડો સીટ મળી હોય તો ફ્લાઈટ ઊતરતી વખતે તે ઠેકાણાનું એરપોર્ટ દેખાવા લાગે છે અને આપણને તે દેશની અથવા શહેરની જાણે ઓળખ થયા જેવું લાગે છે. મારા પ્રવાસમાં અનેકવાર એવું બન્યું છે કે તે શહેરની મારા મન પરની પહેલી છાપ એરપોર્ટ પર ઊમટી છે. વૈશ્વિક સ્તરે એરપોર્ટસ એટલે ફક્ત ટ્રાફિકનાં કેન્દ્ર નથી, પરંતુ તે એ દેશની સંસ્કૃતિ, શિસ્ત અને માનસિકતા દર્શાવે છે. અહીં કોઈ પ્રિય વ્યક્તિને અલવિદા કરતી વખતે રડતું હોય છે તો કોઈ વર્ષો પછી મળેલા સંબંધીઓ સાથે ભેટી પડતા હોય છે. કતારનું હમાદ એરપોર્ટ જોતી વખતે જણાય છે કે અહીં શ્રીમંતી અને આધુનિકતા એકત્ર આવ્યાં છે, જ્યારે જાપાનના એરપોર્ટ પર જોવા મળતી શિસ્ત અને સમયનું ભાન એ જાપાન દેશનો જ સ્વભાવ છે. હું પહેલીવાર ઈજિપ્ત ગઈ ત્યારે એરપોર્ટની બહાર આવ્યા પછી ત્યાં બહારથી આવતી વ્યક્તિઓને લેવા આવેલા તેમના કુટુંબીઓની પ્રચંડ ગિરદી અને તેમના ચહેરા પરની ખુશી જોઈને તે દેશ કુટુંબવત્સલ હોવાનું મહેસૂસ થયું. એટલે કે, ફક્ત એરપોર્ટ જ નહીં, પરંતુ એરપોર્ટની બહારની ગિરદી પણ આપણને તે દેશની માનસિકતા બતાવે છે. આ ઠેકાણે આપણને અનેક બાબતો ઓબ્ઝર્વ કરવા મળે છે અને તેથી જ અલગ-અલગ કારણોસર મને વિમાનપ્રવાસ કરવાનું ગમે છે. મારા માટે એરપોર્ટ જોવું એટલે દુનિયા તરફ અલગ નજરથી જોવું. દરેક એરપોર્ટ એટલે તે દેશનો નાનો દૂતાવાસ હોય છે. જ્યાં ભાષા, સંસ્કૃતિ, લોકોની આદતો, સુરક્ષા વ્યવસ્થા અને ખાદ્યપદાર્થ પણ તે દેશની ઓળખ કરી આપે છે. આપણે દુનિયા ફરતી વખતે શહેરો-ગામડાં જોઈએ છીએ, પરંતુ એરપોર્ટસનું પણ તેટલું જ મહત્ત્વ છે. કારણ કે પ્રવાસ ફક્ત નિર્ધારિત સ્થાન સુધી પહોંચવાનો નથી હોતો. તે પ્રવાસના દરેક તબક્કામાંથી જીવવાનું શીખવાનો હોય છે.

(વીણા પાટીલ)

veena@veenaworld.com

(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)