`ભગવાનને નમસ્કાર કર, થેન્ક્યુ કહે અને તારે જે સમયે ઊઠવાનું હોય તે ભગવાનને કહે, તે આપણને જગાડે છે, બરોબર તે જ સમયે જાગી જઈશું. હા, પણ મનથી કર આ પ્રાર્થના અને વિશ્વાસ રાખ.’ દાદા-દાદીઓએ અને માતા-પિતાઓએ આપણી ભાવિ પેઢીને આપેલો આ કાનમંત્ર મને પણ મળ્યો હતો અને આજ સુધી તેનો અનુભવ હું લઈ રહી છું. અમારા બેડરૂમમાં ઍલાર્મ ક્લૉક નથી. મોબાઈલે આપણી પર કબજો જમાવ્યા પછી સુધીરના મોબાઈલ પર તેણે સાડાપાંચનું ઍલાર્મ સૅટ કરી રાખ્યું છે. `ઈન કેસ.’ સુધીર એટલે અમારા ઘરની કાળજીવાહક સરકાર, તેથી `ઈન કેસ જાગી નહીં જવાયું તો’તે માટે તેનો આ એક સાવધાનીનો ઉપાય છે. અર્થાત ઍલાર્મ વાગવાના બહુ અગાઉથી અમારો દિવસ શરૂ થયેલો હોય છે. આપોઆપ જાગી જવાય છે. ભગવાન પર વિશ્વાસ મૂકેલો હોય છે ને. આથી કે કેમ ઍલાર્મ લગાવવાનો વિચાર આવતાં જ મારું એક મન બીજા મનને પૂછવા લાગે છે, `તારો પોતાની પર વિશ્વાસ નથી? તને ઍલાર્મની જરૂર શા માટે પડે છે? તને જો તારા સવારે જાગવાની, એટલે કે, નૈસર્ગિક રીતે જાગવાની ખાતરી નહીં હોય તો તું ટીમને શું ખાક ખાતરી આપશે? પોતાની પર નહીં પણ ભગવાન પર તો વિશ્વાસ રાખ.’ આ દ્વંદ્વયુદ્ધ ત્યારે જ અટકે છે જ્યારે હું નક્કી કરી નાખું છું કે, `ઍલાર્મ નથી લગાવવો, હું જાગી જઈશ.’ અને નક્કી થયા પ્રમાણે જાગી જાઉં છું. ક્યારેક ઍલાર્મ લગાવવો પડે છે અને હું પણ તે લગાવું છું.
મને યાદ છે એક વાર હું લંડનમાં ગઈ હતી. ફક્ત એક દિવસ માટે, નહીં-નહીં એક રાત માટે, મારે `ચિટી ચિટી બેંગ બેંગ’ નાટક જોવું હતું. તે અમારા પર્યટકોને બતાવવાનું હતું. પણ `તેમને તે ગમશે ખરું?’ તે જોવા માટે હું રાતની ફ્લાઈટથી નીકળી પડી. સવારે લંડનમાં પહોંચી, બપોરે અમારા એસોસિયેટ સાથે મિટિંગ કરી. રાત્રે શો જોઈને હોટેલ પર આવી, સવારે છની ફ્લાઈટ હતી, પરોઢિયે ત્રણ વાગ્યે નીકળવાનું હતું. વિંટર હોવાથી ભારતના અને યુ.કે.ના ટાઈમમાં સાડા પાંચ કલાકનો ફરક હતો. એક દિવસમાં બૉડી ઍડપ્ટ કરવાનું શક્ય નહોતું. ટાઈમ ડિફરન્સને લીધે શરીરની થયેલી હાલાકીથી મારો પોતાની પરનો અને ભગવાન પરનો વિશ્વાસ ડગમગી ગયો. મેં હોટેલ રિસેપ્શન પર ફોન કરીને તેમને મૉર્નિંગ ઍલાર્મ આપવા કહ્યું. મારા મોબાઈલ પર ઍલાર્મ લગાવ્યું અને તે છતાં ખાતરી નહોતી તેથી મેં અમારા સેવિયર સુધીરને ફોન લગાવ્યો. `સુધીર, પ્લીઝ તારા, એટલે કે, ઈન્ડિયન ટાઈમ પ્રમાણે સવારે સાડા આઠ વાગ્યે મને જગાડી દેજે. મોબાઈલ પર ફોન કર અથવા હોટેલમાં ફોન કરીને મારા રૂમને કનેક્ટ કરવા કહેજે.’ સુધીરે હસતાં હસતાં `આ શું મૂર્ખામી છે’ કહીને ફોન મૂક્યો અને હું શાંતિથી ઊંઘી ગઈ. આ પછી જ્યારે મેં આ બાબતનો વિચાર કર્યો ત્યારે એવું જણાયું કે, ઍલાર્મ નહીં લગાવવો મારા માટે કેટલી આસાન બાબત હતી પણ તે જ ઍલાર્મ લગાવવાનો હોય તો એટલો સ્ટ્રેસ આવે છે કે પૂછશો જ નહીં. ટૂંકમાં નેચરલી જાગી જવું તે મારા માટે સ્ટ્રેસ ફ્રી હતું છતાં ઍલાર્મ લગાવવો એ બાબત બહુ એન્ગ્ઝાઈટી નિર્માણ કરનારી હતી.
અમારી ટુર્સ પર જો કે `પર્યટકોને મૉર્નિંગ ઍલાર્મ આપવું’ એ મહત્ત્વની બાબત છે અને તેનું કારણ ટાઈમ ડિફરન્સ છે. વિમાન પ્રવાસની ખટપટને લીધે બૉડી ક્લૉકની ઐસી-તૈસી થઈ જાય છે. `મને જૅટ લેગ થતું નથી’ એવો મારો અભિમાન મારી પહેલી USAની મુલાકાતમાં અને પહેલી ઓસ્ટ્રેલિયાની મુલાકાતમાં ચકનાચૂર થઈ ગયો હતો તે હજુ યાદ છે. આ બંને વખત હું અને નીલ અમે બંને માતા-પુત્ર ગયાં હતાં અને બંને ઠેકાણે પહેલાં જ દિવસે અમે અમારા ટુર પ્રોગ્રામની એવી વાટ લગાવી દીધી કે પૂછશો જ નહીં. તે સમયે શાણપણ આવ્યું કે અમસ્તા જ હોશિયારી મારવામાં કોઈ અર્થ નથી. જૅટ લૅગ લાગે છે, લાગી શકે છે. અર્થાત તે લાગવાનો નહીં હોય તો થોડી તૈયારી કરીને રાખવી પડે છે. પૂર્વ બાજુના દેશોમાં જ્યાં આપણાથી અગાઉ સવાર થાય છે એવા જાપાન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, હોંગકોંગ, સિંગાપોર દેશોમાં જતી વખતી કમ સે કમ એક મહિના પૂર્વે વહેલા જાગી જવાની આદત પાડવી જોઈએ. ભારતના અને આપણે જવાના હોઈએ તે દેશમાં ટાઈમ ડિફરન્સ કેટલો છે તે જોઈને, ત્યાં જવા પૂર્વે એક મહિનો રોજ પંદર-પંદર મિનિટ વહેલા જાગી જવાનું અને જવાના એક અઠવાડિયા પૂર્વે તે દેશનો ટાઈમ જો આપણા બૉડી ક્લૉક સાથે એડજસ્ટ કરી શકાય તો નિશ્ચિત જ આપણે જૅટ લૅગ પર કંટ્રોલ કરી શકીએ છીએ. સવારે વહેલા જાગનારને પૂર્વ બાજુના દેશોના સમય સાથે ઍડજસ્ટ કરવાનું મુશ્કેલ પડતું નથી. ઊલટું પશ્ચિમ બાજુના દેશોમાં, એટલે કે, દુબઈ મિડલ ઈસ્ટર્ન અથવા યુરોપિયન દેશો બાજુ જવાના એક મહિના પૂર્વે થોડું-થોડું આળસી બનવાની શરૂઆત કરવાની. રાત્રે મોડેથી સૂવાનું અને સવારે મોડેથી ઊઠવાનું. પર્યટકોનો વિચાર કરીએ તો વધુમાં વધુ પર્યટકો માર્ચથી ઓક્ટોબર દરમિયાન પ્રવાસ કરે છે. તે સમયે,એટલે કે, માર્ચના છેલ્લા અઠવાડિયાથી ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયા સુધી આપણા અને મોટા ભાગના બધા યુરોપિયન દેશોમાં સાડા ત્રણ કલાકનો અથવા થોડું આપણી બાજુના, એટલે કે, ગ્રીસ ટર્કી દેશોમાં અઢી કલાકનો ફરક હોય છે. શિયાળાના મહિનાઓમાં આ ફરક સાડા ચાર અને સાડા ત્રણ કલાકનો થઈ જાય છે. યુ.કે., લંડનની બાબતમાં તો સાડા પાંચ અને સાડા ચાર કલાક થઈ જાય છે. આપણે ક્યાં જઈ રહ્યા છીએ તેનો વિચાર કરીને એક મહિના અગાઉથી જો આપણી બૉડીને આદત પાડીએ તો ત્યાં ગયા પછી તે વાતાવરણ સાથે સુમેળ સાધવાનું થોડું આસાન બને છે. ટૂંકમાં સવારે વહેલા જાગનારા પૂર્વાભિમુખ લોકોને પૂર્વ બાજુના દેશોમાં જવાનું સગવડદાયી લાગે છે, જ્યારે સવારે મોડેથી જાગનારા પશ્ચિમાભિમુખ લોકોને પશ્ચિમ બાજુના દેશોમાં જવાનું સારું લાગે છે. વધુ એક બાબત વિમાન પ્રવાસમાં પોતાને ઍડજસ્ટ કરવાની હોય છે. આપણે જે દેશમાં ઊતરીશું તે દેશમાં દિવસ હોય તો વિમાનમાં મસ્તઊંઘ કાઢવાની. ઍરહોસ્ટેસને કહેવાનું`ડુ નૉટ ડિસ્ટર્બ પ્લીઝ.’ ઊલટું આપણે જે દેશમાં જવાના હોઈએ તે દેશમાં જો આપણે રાત્રે પહોંચવાનાં હોઈએ તો વિમાનમાં ઊંઘવાનું નહીં. એકાદ પુસ્તક વાંચવાનું, ફિલ્મ જોવાની.
અગાઉ મારી સાથે અનેક વાર પદ્માતાઈ વાઘ પર્યટક તરીકે અનેક દેશોમાં આવતાં. તેઓ ન્યૂઝ પેપરમાં વાંચવાનું રહી ગયું હોય તેની કાપલીઓ લઈને આવતાં અને આવા પ્રવાસમાં તે વાંચી કાઢતાં. એકંદરે વિમાન પ્રવાસમાં જાગતા રહેવાનું હોય તો પોતાની વ્યવસ્થા પોતે જ કરી રાખવી જોઈએ. કહેવાનો મુદ્દો એ છે કે પર્યટકો માટે મૉર્નિંગ ઍલાર્મ મહત્ત્વનો હોય છે અને અમારા ટુર મેનેજર્સ તેની કાળજી રાખે છે. ઍલાર્મ અસ્તિત્વમાં નહોતું ત્યારે લોકો આ જ રીતે ભગવાન પર વિશ્વાસ રાખતા, સૂર્યોદય પૂર્વે જાગી જતા અથવા રાત્રે ભરપૂર પાણી પીને સૂઈ જતા, જેથી સવારે લઘુશંકા કરવા જવા માટે જાગી જવાતું. આમ છતાં જનરલી `સવારે અમુક સમયે તે સમયે લોકો કઈ રીતે જાગી જતા વારુ’ આ ગૂગલને પૂછતાં જાણવા મળ્યું કે ઍલાર્મ ક્લૉક પહેલી વાર અસ્તિત્વમાં 1787માં આવ્યો. લેવી હચિન્સ નામે અમેરિકન નાગરિકે સવારે કામે જવાનું હોવાથી પોતાના માટે ઍલાર્મ બનાવ્યું. જો કે તે ફક્ત સવારે ચાર વાગ્યે જ વાગતું. તે પછી અનેક વર્ષ બાદ, એટલે કે, 1847માં ફ્રેન્ચ ઈન્વેન્ટર એન્ટોન ડિયરે પ્રથમ મેકેનિકલ ઍલાર્મ ક્લૉક બનાવ્યું અને તેનું પેટન્ટ લીધું. તે પૂર્વે સેંકડો વર્ષ એસ્ટ્રોનોમિકલ ક્લોક, વોટર ક્લોક, ટાઉન સ્ક્વેરમાંની બેલ, ફેક્ટરી વ્હિસલ્સ અથવા જેને આપણે ભૂંગળા કહેતા તે બધાનો ઉપયોગ લોકો કરતા હતા. અમારા નાનપણમાં આ ભૂંગળા વાગતાં અમે સાંભળ્યાં છે. ભૂંગળું વાગે એટલે કેટલા વાગ્યા છે તે અમે એકબીજાને કહેતાં હતાં. ફ્રેન્ચમેને પેટન્ટ લીધું, પણ ઍલાર્મ ક્લૉકનું માસ પ્રોડકશન 1876માં અમેરિકન ઈન્વેન્ટર સેથ થોમસની કંપની દ્વારા શરૂ કરાયું. ઈન્ડસ્ટ્રિયલ રિવોલ્યુશન પછી `કામે સમયસર જવાનું’ ફરજિયાત બન્યું તેમજ બીજા મહાયુદ્ધમાં સૈનિકોએ પણ સમયસર જાગવાનું કમ્પલ્સરી બની ગયું અને ઍલાર્મ ક્લૉક ઈન્ડસ્ટ્રી ફૂલવા-ફાલવા લાગી. હવે તો અલગ અલગ અવાજોના ઍલાર્મ આવ્યાં છે. જો કે મને લાગે છે કે ઍલાર્મ સિવાય જાગી શકાવું જોઈએ.
ઍલાર્મ લગાવ્યા પછી તો કોઈ પણ જાગી શકે છે પણ જે સમયે એકાદ કામથી, એકાદ પ્રોજેક્ટથી, એકાદ ધ્યેયથી આપણે બંધાયેલા હોઈએ ત્યારે આપો-આપ જાગી જવાય છે. રાતભરની ઊંઘથી-આરામથી શરીર ચાર્જ થાય છે અને મન `ચલો, આજ ઔર અચ્છા, કલ સે બઢકર બેહતર કુછ કરતે હૈ,આગે જાતે હૈ’ કહીને આપણે ઉત્સાહમાં જાગી જઈએ છીએ. સવારે જાગ્યા પછી ગાદલામાંથી તુરંત ઊઠવા જેવું લાગતું હોય તો `વી આર ઑન ધ રાઈટ ટ્રેક. વી રિયલી લૂક ફોર્વર્ડ ટુ સમથિંગ મોર મિનિંગફુલ’ એવું કહેવામાં કોઈ વાંધો નથી. આપણે પોતાને તપાસવાના. એટલે કે, ઍલાર્મ નહીં લગાવતાં જાગી શકાવું જોઈએ. દવા નહીં લેતાં તબિયત સારી રહેવી જોઈએ (અમુક બીમારીઓ અપવાદ છે), લાફિંગ ક્લબના મેમ્બર બન્યા વિના મન મૂકીને હસતાં આવડવું જોઈએ. `ટુ બી ઑર નૉટ ટુ બી’ નું યુદ્ધ નહીં થતાં મોર્નિંગ વૉક પર જઈ શકાવું જોઈએ. ગરમ પાણી, ચા એવી કોઈ પણ બ્રાઈબ નહીં આપતાં સવારે પેટ સાફ થવું જોઈએ, ટેન્શન વિના, તાણ-તણાવ વિના પ્રગતિ કરી શકાવી જોઈએ, સહજ રીતે નીતિ-નિયમોનું પાલન કરી શકાવું જોઈએ. બહુ મહેનત નહીં લેતાં માનસિક અને શારીરિક સંતુલન રાખી શકાવું જોઈએ, ભગવાને એક સુંદર જીવન આપણને બહાલ કર્યું છે તેનું સૌંદર્ય વધુ વધારવા અને ખીલવતા આપણને આવડવું જોઈએ.
(વીણા પાટીલ)
veena@veenaworld.com
(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)
