ગુજરાત અને ભારતના વિખ્યાત નૃત્યકાર, ભારતીય શાસ્ત્રીય નૃત્યકલામાં કથકલી, ભરતનાટ્યમ અને મણિપુરી વગેરેમાં પારંગત થઈ ભારતીય નૃત્યકલા સાંસ્કૃતિક ભવ્યતાને દેશ-વિદેશમાં પ્રસારિત કરનાર બહુમુખી પ્રતિભાસંપન્ન અંતર્મુખી ગરવા ગુજરાતી કલાકાર સ્વ. યોગસુંદર દેસાઈનું આ જન્મશતાબ્દી વર્ષ છે. એમના પુત્રી અને નવી દિલ્હીસ્થિત જાણીતાં નૃત્યાંગના પપીહા દેસાઈએ પિતાશ્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો આ લેખ લખ્યો છે.
———————————————————————————
પ્રભાવશાળી અને દિવ્ય વ્યક્તિત્વ ધરાવતા યોગસુંદર (યોગેન્દ્ર દેસાઈ)નો જન્મ 100 વર્ષ પહેલાં 1921ની 16 જુલાઈએ સિદ્ધહસ્ત માતા-પિતા દરબાર ગોપાળદાસ દેસાઈ અને ભક્તિબાનાં પરિવારમાં થયો હતો. એમની કર્મભૂમિ રહી સૌરાષ્ટ્ર અને રાજકોટ. મધ્ય ગુજરાતના વસોના રાજવી પરિવારમાં જન્મ થયો હોવા છતાં યોગસુંદર રાજકોટમાં યૂ.એન. ઢેબરની સાથે સેનેટોરિયમમાં સાદગીભર્યું જીવન જીવ્યા હતા. મારાં દાદાનો પરિચય આપવાની આમ તો કોઈ જરૂર નથી, પરંતુ યુવા પેઢીને જાણ થાય એટલા માટે જણાવવું જરૂરી છે કે તેઓ અસાધારણ પરિવારના હતા, પરંતુ આઝાદ ભારતના સપનાને સાકાર કરવા માટે રાજવી જીવનને છોડીને મહાત્મા ગાંધી અને સરદાર પટેલના માર્ગે ચાલ્યા હતા.
મારાં પિતાનો જન્મ ગુજરાતના લીંબડીમાં એમના મોસાળમાં થયો હતો. એમના નાના લીંબડીના દીવાન હતા. મારાં પિતાએ નાનપણથી જ દેશની આઝાદી માટેની ચળવળ જોઈ હતી. એમનું બાળપણ બારડોલી આશ્રમમાં વિત્યું હતું. એ વખતે બારડોલીનો સત્યાગ્રહ ચાલતો હતો. બોરસદ અને આણંદમાં એ તેમના માતાપિતા સાથે સત્યાગ્રહ છાવણીમાં રહેતા હતા. વાનર સેનાના સભ્ય તરીકે એ સત્યાગ્રહ પત્રિકાઓ વહેંચતા હતા, હરિપુરા કોંગ્રેસમાં સ્વયંસેવક તરીકે સેવા બજાવી હતી. ત્યારબાદ રાજકોટ સત્યાગ્રહમાં અને ‘ભારત છોડો’ ચળવળમાં પણ જોડાયા હતા.
તેઓ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સંસ્થાઓ – દક્ષિણામૂર્તિ અને ગુજરાત વિદ્યાપીઠમાં તેમજ બંગાળમાં ગુરુદેવના શાંતિનિકેતનમાં ભણ્યા હતા. દંતકથાસમાન ચિત્રકાર નંદલાલ બોઝ પાસેથી એ ચિત્રકામ શીખ્યા હતા, શાંતિદેવ ઘોષ પાસેથી રવીન્દ્ર સંગીત શીખ્યા હતા, કેલુ નાયર, મણિપુરી અને બંગાળીના માર્ગદર્શન હેઠળ કથકલી નૃત્યકળા શીખ્યા હતા, તો કેરળ કલામંડલમમાં એમની મુલાકાત કવિ વલાઠોલ સાથે થઈ હતી. કેરળમાં વસવાટ વખતે તેઓ મલયાલમ ભાષા જાણતા નહોતા. 40ના દાયકામાં ઘણા વર્ષ સુધી એ તેમના ગુરુ વઝેન્કદા કુન્ચુ નાયર પાસે રહ્યા હતા જ્યાં એ કથકલી અને મલયાલમ શીખ્યા હતા. કેવી અદ્દભુત સફર કહેવાય! નૃત્ય પ્રત્યેનો એમનો પ્રેમ શાંતિનિકેતનમાં રોકાણ વખતે થયો હતો. એમના પિતા પણ એમની પ્રજા સાથે દાંડિયારાસ રમવાનો આનંદ માણતા હતા. મારાં પિતા કથકલી નૃત્ય પ્રત્યે મોહિત થયા હતા અને કથકલીમાં સંપૂર્ણ સઘન તાલીમ મેળવનાર એ પહેલા બિન-મલયાલી હતા.
ભારતીય નૃત્યકળા અને કોરિયોગ્રાફીના ક્ષેત્રમાં મારાં પિતા પ્રણેતા હતા. આઝાદી પૂર્વેના વર્ષોમાં ભારતીય નૃત્ય ક્ષેત્રે ઝંપલાવનાર એ પહેલા જ હતા. 1939માં એ ભારતીય નૃત્ય શીખવા માટે શાંતિનિકેતનમાં કલા ભવનમાં જોડાયા હતા. 1948માં યોગસુંદરે ઈન્ડિયન રીવાઈવલ ગ્રુપની સ્થાપના કરી હતી.
આ ગ્રુપની સ્થાપનાના 70 વર્ષ પૂરા થઈ ગયા છે. આ ગ્રુપ ભારતના ભવ્ય સાંસ્કૃતિક અને પૌરાણિક વારસા, તથા ફિલસૂફીને આગળ વધારવા માટે સમર્પિત છે. ભારતીય નૃત્યોના સ્વરૂપો વિશે લોકોને બહુ ઓછી જાણકારી હતી તે વખતે યોગસુંદરે નૃત્યના ઘણા સ્વરૂપોને જીવંત કર્યા હતા અને ભારતીય કળા અને સંસ્કૃતિનો પ્રસાર કરી ઘણા યાદગાર નૃત્ય કાર્યક્રમો રજૂ કર્યા હતા. તેઓ ગાંધીવાદી મૂલ્યોથી પ્રેરિત થયા હતા તેથી ભારતીય કળા તથા સંસ્કૃતિને વધુને વધુ લોકો સુધી પહોંચાડવી અને સમગ્ર દેશ ઉપરાંત વિદેશમાં પણ લોકપ્રિય બનાવવી એ તેમના જીવનનું એક મિશન બની ગયું હતું. ગામડાઓ તથા અંતરિયાળ વિસ્તારોમાં તેઓ ખેડૂતો અને શ્રમિકો માટે, ઔદ્યોગિક વિસ્તારોના કામદારો માટે, શાળા-કોલેજો, યૂનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે, હોસ્પિટલોમાં દર્દીઓ માટે, જેલોમાં કેદીઓ માટે અને આપણા દેશની સરહદોનું રક્ષણ કરતા વીરજવાનો માટે કાર્યક્રમો કરતા. તેઓ એવા જોખમી પહાડી તથા પ્રતિકૂળ હવામાનવાળા સરહદીય વિસ્તારોમાં પણ જતા જ્યાં જવાની કોઈ હિંમત કરતું નહીં. લદાખ અને અરૂણાચલ પ્રદેશમાં પરફોર્મન્સ આપનાર આ પહેલું જ ગ્રુપ હતું. એમની આગેવાની હેઠળ ગ્રુપે ભારતભરનો પ્રવાસ કર્યો હતો અને વિદેશમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.
યોગેન્દ્ર સુંદરે એમના સમયનાં અનેક જાણીતા નૃત્યકારો સાથે સહયોગ કર્યો હતો જેમકે નયના ઝવેરી. એમની સાથે તેમણે કે.એમ. મુનશીના જય સોમનાથમાં બોમ્બે સ્ટેજ પર ડેબ્યૂ કર્યું હતું તેમજ કલકત્તામાં સાધના બોઝ સાથે તો બેંગલોરના રામગોપાલ સાથે 1946માં ભારત-પાકિસ્તાનના ભાગલા પૂર્વે લાહોર અને કરાચીમાં કાર્યક્રમો પ્રસ્તુત કર્યા હતા. આઝાદીના 25 વર્ષ પૂર્વેથી લઈને આઝાદી મળી એ તેમણે જોયેલું ભારત કેવું અજબ હશે!
નીડર અને નિસ્વાર્થ, સ્વતંત્ર અને આનંદી મિજાજના મારાં પિતા એવા વ્યક્તિ હતા જેમણે એમના આત્માનું અનુસરણ કર્યું હતું અને સાહસ તથા રોમાંચ મિશ્રીત અર્થસભર જીવન જીવ્યા હતા – એમને અગ્રેસર જ કહેવા પડે. 2020માં પોતાના જીવનના 100મા વર્ષમાં યોગસુંદર દેશના સૌથી વરિષ્ઠ હયાત કલાકાર અને કોરિયોગ્રાફર હતા.
યોગસુંદરે ભારતીય નૃત્ય અને ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની દેશ તેમજ વિદેશમાં નિસ્વાર્થભાવે – સંપત્તિ એકઠી કરવા કે પ્રસિદ્ધિ પામવાની લાલસા રાખ્યા વગર, સેવા બજાવી હતી. નૃત્યક્ષેત્રે આજીવન પ્રદાન કરવા બદલ એમને ‘સંગીત નાટક એકેડેમી પુરસ્કાર’થી સમ્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ પ્રાપ્ત કરનાર તે એકમાત્ર ગુજરાતી પુરુષ નૃત્યકાર છે.
એમના યુગના લોકો જુદા જુદા મૂલ્યો અને સિદ્ધાંતો ધરાવતા હતા. એમણે જીવનમાં સંતુલન જાળવ્યું હતું. મેં એમને જિંદગીમાં ક્યારેય કંઈ પણ બેફામપણે કરતાં જોયાં નહોતાં. દયાળુ સ્વભાવ અને ઉદાર દિલને કારણે તેઓ અન્યો માટે સહાનુભૂતિનો ભાવ રાખતા. ગાંધીવાદી વિચારસરણીને અનુસરીને તેઓ સાદગીભર્યું જીવન જીવતા, કાયમ વિચારો ઉચ્ચ રાખતા.
ઘણી બધી બાબતોમાં અમારાં વિચારોમાં સામ્ય રહેતું. મને ડગલે ને પગલે એ પ્રેરણા આપતા અને માર્ગદર્શન આપતા. હું એમનાં ચીંધેલા માર્ગે જ ચાલતી અને નૃત્યકાર બની. કારણ કે નાનપણથી જ મારી આસપાસ નૃત્યનો માહોલ રહેતો. તેથી હું કુદરતી રીતે નૃત્ય તરફ આકર્ષિત થઈ હતી. આજે હું જે કંઈ પણ છું એ તેમને કારણે છું.
તેઓ એમના જીવનનો સમૃદ્ધ વારસો, યાદો અને કિસ્સા તેમજ સાત દાયકા જૂના અમારા ડાન્સ ગ્રુપ ઈન્ડિયન રીવાઈવલ ગ્રુપના સંચાલનની યાદગાર સફર અમને સોંપતા ગયા છે. ગ્રુપનું સંચાલન તેમણે પૂરા સમર્પણની ભાવના અને હિંમતથી કર્યું હતું.
કેવું ભવ્ય અને અસાધારણ જીવનફલક. નૃત્યમાં તરબોળ જીવન.
એમના જેવા બીજા બનશે નહીં. એ કાયમ અમારી સાથે જીવંત રહેશે અને અમારાં હૃદયમાં નૃત્ય કરતા રહેશે.
એમનાં કદમ પર ચાલવાનો અને ગુજરાતના આ વીર ભૂમિપુત્રની પુત્રી હોવાનો મને ગર્વ છે.