આદાબ…હૈદરાબાદ

નીરજ પાંડેની એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરીમાં ક્રિકેટર માહિની પત્ની સાક્ષીની ભૂમિકા ભજવનારી તથા હાલ લાસ્ટ સ્ટોરીઝ માટે ચર્ચામાં રહેનારી અભિનેત્રી કિયારા અડવાની ફરવાની શોખીન છે. હાલ એ હૈદરાબાદમાં એક મોટા બજેટની તેલુગુ ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. આમ તો એની પહેલી તેલુગુ ફિલ્મ ભારત અને નેનૂ સુપર હિટ થઈ છે. ગયા અઠવાડિયે શૂટિંગમાંથી સમય મળતાં એ હૈદરાબાદનાં પ્રખ્યાત સ્થાપત્ય જોવા નીકળી પડી. ખાસ તો ચાર મિનાર તથા એની આસપાસના વિસ્તારને એણે માણવો હતો.

નવાઈની વાત એ છે કે કિયારા જેવી સ્ટાર બ્રાન્ડેડ સ્ટોર્સમાં જઈને શૉપિંગ કરવાનું પસંદ કરતી હોય છે, પણ કિયારાને તો ચાર મિનાર વિસ્તાર નજીક સ્ટ્રીટ શૉપિંગ કરવાની મજા પડી ગઈ. જો કે એણે ચહેરો દુપટ્ટાથી ઢાંકવો પડ્યો તથા આંખ પર ફેન્સી ગૉગલ્સ ઠઠાડવા પડ્યા, કેમ કે ભારત અને નેનૂ પછી એ હૈદરાબાદમાં ખાસ્સી ફેમસ થઈ છે. સ્ટ્રીટ શૉપિંગમાં ખાસ તો એણે આર્ટિફિશિયલ જ્વેલરી ખૂબ ખરીદી. સાથે સાથે રોડસાઈડ ચટાકેદાર વાનગી પણ માણી, જેમ કે ઘેર બનાવેલો આઈસ્ક્રીમ.

એ કહે છેઃ

‘હું મુંબઈ શૂટિંગ પર જાઉં તો ગમે તેમ સમય કાઢીને જે-તે શહેર માણવા નીકળી પડું. નવા શહેરનાં કલ્ચર, હેરિટેજ સમજવાં એ મારી હૉબી છે. એકાદ વર્ષથી હૈદરાબાદ જાણે મારું બીજું ઘર બની ગયું છે. શૂટિંગમાંથી સમય કાઢીને હું આ બ્યુટિફૂલ શહેર માણવા નીકળી પડું છું. આ વખતે તો મજા જ પડી ગઈ. અમુક ટેક્નિકલ કારણસર શૂટિંગ કૅન્સલ થયું ને મને આખા દિવસની રજા મળી ગઈ એટલે હું તો પહોંચી ગઈ ચાર મિનાર. ત્યાંથી હું સાલારજંગ મ્યુઝિયમ ગઈ. મ્યુઝિયમની નજીક મેં ચટાકેદાર ભોજન માણ્યું ને છેલ્લે આઈસ્ક્રીમ…અહા!’

અહેવાલ-તસવીરઃ કેતન મિસ્ત્રી