થાઈલેન્ડઃ નાઈટ લાઈફથી પણ કંઈક વિશેષ છે અહીં..!

થાઈલેન્ડ-બેંગકોકની છાપ નાઈટ લાઈફ તથા ફુકેત, પતાયા સુધી સીમિત હતી, પણ હવે ચહેરો પલટાઈ રહ્યો છે. પરિવાર સાથે થાઈલેન્ડ જતાં પ્રવાસીઓમાં હવે ‘ખાઉ ચાઈ નેશનલ પાર્ક’ને ફૂલોનાં કળાત્મક બગીચા-ખેતર, હોટલ-રીસોર્ટ, કાઉ ફાર્મ, વિનિયાર્ડસ પ્રમુખ આકર્ષણ બની રહ્યાં છે.

વાદી….સવાદી….

નવેમ્બર મહિનાના ત્રીજા અઠવાડિયાની વહેલી સવારે બેંગકોકના સુવર્ણભૂમિ એરપોર્ટ નજીક આવેલી નોવોટેલ હોટેલના વિશાળ અને ભવ્ય પરિસરમાં પ્રવેશતાં જ નાજુક નમણી થાઈ યુવતીઓએ બે હાથ જોડીને પ્રેમથી સંબોધન કરીને અમારું સ્વાગત કર્યું. આપણે ત્યાં આવતા મહેમાનોનું નમસ્તે… કેમ છો ? કહીને સ્વાગત કરવામાં આવે. એ પ્રમાણે થાઈલેન્ડમાં તમે બેંગકોક જાઓ કે ફુકેત કે નાના ગામડાંમાં, બધે ઠેકાણે તમારું સ્વાગત સવાદી… સવાદી… કહીને કરવામાં આવે.

પીબી વેલી નજીક ફલાવર ફીલ્ડ

બેંગકોકનો ચહેરો હવે બદલાઇ રહ્યો છે. અહીંની પ્રજાની શિસ્ત, મહેનત અને નમ્રતા આંખે ઊડીને વળગે, થાઈલેન્ડના અધધધ વિકાસમાં આ ત્રણ ગુણે પણ મહત્વનો ભાગ ભજવ્યો છે, જેની તમે એકલાં કે ફેમિલી સાથે ફરવા જાવ ત્યારે ખબર પડે.

બેંગકોક એરપોર્ટ નજીકની નોવાટેલ હોટેલના કર્મચારીઓને અમે શાકાહારી છીએ એની ખબર પડતાં જ વહેલી સવારે વડાં-સાંભાર અને બાસમતી રાઈસની બિરયાની ને છોલેની પ્લેટ રેડી કરી દીધી. થાઈલેન્ડવાસીઓની વિનમ્રતાનો પહેલો અનુભવ આ ભવ્ય હોટેલના સ્ટાફે કરાવ્યો.

થાઈલેન્ડમાં ફુકેત કે પતાયા આઈલેન્ડ વરસોથી પ્રખ્યાત છે, પણ હવે પ્રકૃતિપ્રેમીઓ માટે બેંગકોક શહેરથી લગભગ સાડા ત્રણ-ચાર કલાકને અંતરે આવેલા ખાઉ ચાઈ નેશનલ પાર્ક આકર્ષણનું મોટું કેન્દ્ર છે. થાઈલેન્ડમાં ત્રણ નેશનલ પાર્ક છે, પણ ખાઉ ચાઈ નેશનલ પાર્કની તળેટીથી 30-40 કિલોમીટરના અંતરે દ્રાક્ષના બગીચા, રીસોર્ટ અને નયનરમ્ય હોટેલ-ફૂલોના કળાત્મક બાગબગીચા પ્રમુખ આકર્ષણ છે. થાઈલેન્ડ-બેંગકોક ફરવા આવતા ટુરિસ્ટોને ખાઉ ચાઈ નેશનલ પાર્ક નજીકનાં વિનિયાર્ડસ, રીસોર્ટ, ગાયોનાં ફાર્મ હાઉસ, વગેરે જોવાફરવામાં સહેજે ત્રણેક દિવસ થાય.

બગીચામાં ઉગાડેલી દ્રાક્ષમાંથી બનતો વાઈન ટુરિસ્ટોને ટેસ્ટિંગ માટે પીરસવામાં આવે છે

બ્રેકફાસ્ટ બાદ બેંગકોકથી અમારી સફર શરૂ થઈ. અમારું પ્રથમ સ્ટોપેજ હતું પીબી વેલી રિસોર્ટ. આ વિન્ટેજ રીસોર્ટને અડીને દ્રાક્ષના બગીચા છે. સાગનાં લાકડાંમાંથી કળાત્મક ઢબે બનાવેલી રેસ્ટોરાંનો સ્ટાફ અમને અહીંના દ્રાક્ષમાંથી બનાવેલો વાઈન અને દ્રાક્ષમાંથી બનાવેલી ચટણી-જામનો ટેસ્ટ કરાવે છે. નૉનવેજના શોખીનોને અહીં જલસો થઈ જાય. તમને ખૂબ કિફાયતી ભાવે અહીં વાઈનની બૉટલ,, દ્રાક્ષનો મુરબ્બો કે દ્રાક્ષનું પ્યૉર શરબત મળી રહે. જો કે કાચની બોટલને સમગ્ર પ્રવાસ દરમિયાન ધ્યાનપૂર્વક સંભાળવી પડે. લંચ બાદ પીબી વૅલીમાં આવેલી વાઈન ફૅક્ટરીમાં અમને રેડ અને વ્હાઈટ વાઈનની સમગ્ર બનાવટ જોવા મળી.

દરિયાની સપાટીથી 300 મીટર ઊંચાઈએ આવેલો પીબી વૅલી રીસોર્ટ એ ખાઉ ચાઈ નૅશનલ પાર્કના તળેટી વિસ્તારમાં છે. ત્રીસેક વરસ પહેલાં બેંગકોકના બિઝનેસમૅન પ્રિયા ભિમરોમભાકડીએ પાંચસો એકરમાં દ્રાક્ષના બગીચા બનાવ્યા. સાથે સાથે વાઈન બનાવવાની ફૅક્ટરી પણ શરૂ કરી. પ્રવાસીઓ માટે આ વાઈન ફૅક્ટરી જોવા માટેની ખાસ ટૂર છે. એટલું જ નહીં, વાઈન ફૅક્ટરીની વિઝિટ પછી સુંદર થાઈ યુવતી રેડ અને વ્હાઈટ વાઈનનું ટેસ્ટિંગ કરાવે. વાઈન ન પીતા હો તો દ્રાક્ષનું શરબત પણ હાજર છે.

અહીં એકરોમાં પથરાયેલાં ફૂલના બગીચા-ખેતર, કાઉ ફાર્મ રિસોર્ટમાં ફરવા ખાસ ટુરિસ્ટ ટુરનું આયોજન થાય છે

થાઈલૅન્ડ મૂળ ખેતીપ્રધાન દેશ છે. ટુરિઝમ અને ખેતપેદાશ એ આ દેશના મુખ્ય આવકના સ્ત્રોત છે. અહીં હજારો એકરમાં સૂરજમુખીનાં ફૂલની ખેતી થાય. સાથે સાથે સરસવની ખેતી થાય છે. નવેમ્બર-ડિસેમ્બર-જાન્યુઆરી મહિનામાં આવતા પ્રવાસીઓને દૂર દૂર સુધી પીળાચટ્ટક સૂરજમુખીના નયનરમ્ય ખેતરો નજરે પડે. પ્રવાસીઓ માટે ચાર ઓપન કોચની પીબી વૅલી ટૂર હોય છે.

પીબી વૅલીને મનભરીને માણી લીધા પછીનું બીજું સ્ટૉપ એટલે પ્રીમો પીઆઝા… યસ, આ નામ સાંભળો એટલે ઇટાલી યાદ આવે. હા, આ ઈટાલિયન નામ છે.

500 વરસ જૂના ઈટાલિયન ગામડાનું અદ્લોદલ નિર્માણ જોઈને ઘડીભર લાગે કે થાઈલેન્ડ નહીં, પણ ઈટાલીમાં ફરતા હો!

ખાસ આર્કિટેકની મદદથી અહીં 500 વરસ જૂના ઈટાલિયન ગામડાનું નિર્માણ કરવામાં આવ્યું છે. પાંચસો વરસ પહેલાં ગામડાની શેરી બનાવીને એમાં એ જ સ્ટાઈલનાં ઘર, બગીચા, ઘેટાંને રાખવાના વાડા… પ્રવાસીઓનાં આકર્ષણ માટે ખાસ લાંબી ડોકવાળાં ઈટાલિયન ઘેટાં રાખવામાં આવ્યાં છે. લાંબી ડૉક અને ઊંચાઈ ધરાવતાં સફેદ રંગનાં ઘેટાં સાથે ફોટા પડાવતા પ્રવાસી જાણે થાકતાં જ નથી. આ ઈટાલિયન ગામની અંદર આવેલી રેસ્ટોરાંમાં ઈટાલિયન ફૂડ અને દુકાનમાં ઈટાલિયન ચીજવસ્તુ મળી રહે. અહીં દોઢ-બે કલાક ફરો ત્યારે ભૂલી જાવ કે તમે થાઈલૅન્ડમાં છો. તમને એમ જ લાગે કે તમે ઈટાલિયન કે કોઈ યુરોપિયન દેશના સદીઓ જૂના ગામડામાં લટાર મારો છો.

ઈટાલિયન ગામમાં અમે ફરતા હતાં અને ફોટા પડાવતાં હતાં ત્યાં અમારા ગાઈડે આવીને કહ્યુઃં જલદી કરો, સાંજે છ પહેલાં ખાઉં ચાઈ નેશનલ પાર્ક પહોંચવું પડશે.

પ્રીમો પીઆઝા ઈટાલિયન ગામડેથી નીકળીને નૅશનલ પાર્ક જતાં પહેલાં રસ્તામાં ફ્લાવર ફીલ્ડ નામનો ફલાવર થીમ પાર્ક આવે. આ ફ્લાવર ફીલ્ડમાં ફળો ઉગાડીને થતી સજાવટ જોવા જેવી છે. અહીં જૂના ઈમ્પાલા, કાર, મિની કાર, રોલ્સરૉયસ કાર, કળાત્મક ઘોડાની ભવ્ય બગી… જાતજાતનાં વાહનોને કાયમી સ્તરે ગાર્ડનમાં પાર્ક કરીને એની આજુબાજુ ઉપરનીચે ફૂલોને એવી રીતે ઉગાડ્યાં છે કે જોનારા આફરીન પોકારી જાય.

ફૂલોની થીમ ધરાવતા બગીચા આ પ્રદેશની સુંદરતાને નવી જ ઊંચાઈએ લઈ જાય છે. અહીં ઠેર ઠેર આવા વિશાળ ફ્લાવર થીમ ગાર્ડન વિથ હોટેલ પણ છે. તમે ઈચ્છો તો ફૂલોના બગીચામાં આવેલી હોટેલમાં રહી શકો. અહીંની વહેલી સવાર કે મોડી સાંજના સૌંદર્યને તમે કલ્પી નહીં શકો એટલી હદે એ અદભૂત છે.

સાંજે છ વાગ્યાં પહેલાં અમે નેશનલ પાર્કના મુખ્ય પ્રવેશદ્વાર નજીક પહોંચી ગયાં. બેંગકોકથી લગભગ ત્રણસો કિલોમીટર દૂર આવેલા નેશનલ પાર્કમાં હાથી, હરણ, સાબર, લાંબી પૂંછડી ધરાવતી ઊડતી ખિસકોલી, દુર્લભ જાતિ-પ્રજાતિનાં પંખી અહીંના પ્રમુખ આકર્ષણ છે. પ્રવાસીઓએ અહીં તળેટીમાં પોતાનાં વાહન પાર્ક કરીને નૅશનલ પાર્કના પ્રવાસીઓ માટે બનાવેલી છાપરા વિનાની ટોયોટાની ખુલ્લી વૅનમાં બેસીને જવું પડે. આ ખુલ્લી વૅનમાં નાઈટ સફારીનો રોમાંચ માણવા જેવો છે. અમારી વૅન જેમ જેમ લીલાછમ પહાડ પરથી સર્પાકાર રસ્તે ઉપરની તરફ સરકતી હતી તેમ તેમ સૂર્યાસ્ત પછી અંધકારનું સામ્રાજ્ય શરૂ થયું. અમારી સાથે આવેલા ગાઈડે ખાસ સૂચના આપીઃ કાન સરવા, નજર તેજ ને થોડા સાવચેત રહેજો. અહીં કોઈ પણ ઘડીએ હાથી એકલદોકલ કે ઝૂંડમાં ફરતાં જોવા મળશે. સાથે ત્રણેક ફૂટ લાંબી ઊડતી ખિસકોલીના દર્શન પણ થશે.

અડધો કલાક ડ્રાઈવ પછી અમે નૅશનલ પાર્કના મુખ્ય મકાનમાં પહોંચ્યાં. અહીં નૅશનલ પાર્કના સાહસ સંબંધી નાનકડું મ્યુઝિયમ જોવા જેવું છે. અહીં ફરીવાર પાર્કની સ્પેશિયલ વૅનમાં અમે બેઠાં. રાતના લગભગ આઠ વાગ્યા હતાં. હવે અમારી સાથે હતી જંગલ અને જંગલી પ્રાણીઓની જાણકારી આપતી સ્પેશિયલ ફોરેસ્ટ લેડી ગાઈડ. લગભગ પા-અડધો કિલોમીટર દૂર સુધી પ્રકાશ ફેંકી શકે એવી પાવરફુલ હૅન્ડ-લાઈટ આ ગાઈડ પાસે હતી. નૅશનલ પાર્કના મુખ્ય મકાનથી ઘનઘોર જંગલમાં અમારી સફર શરૂ થઈ. અમારી ગાઈડ સતત આસપાસનાં ઊંચાં ગીચ ઝાડ અને ખુલ્લા વિસ્તારોમાં લાઈટનો  પ્રકાશ રેલાવીને દુર્લભ પક્ષી તેમ જ પરિવાર સાથે ફરતાં હરણ, સાબર, વગેરે બતાવતી હતી.

કાળી ડિબાંગ રાતે હૅન્ડ લાઈટના પ્રકાશના સહારે દૂરદૂર જંગલમાં તળાવના કિનારે પાણી પીતાં જંગલી પશુ-પંખીને જોવાનો રોમાંચ જાતે જ માણવો પડે. અમે હાથીની તલાશમાં હતાં. એક કલાક ઘનઘોર જંગલમાં ફર્યાં, પણ એ રાત્રે કદાચ હાથીપરિવારને મળવાનું નસીબમાં નહોતું.

જો કે નૅશનલ પાર્કના મુખ્ય મકાનમાં વૅનમાંથી અમે ઊતરતા હતાં ત્યાં વિશેષ જંગલી મહેમાનના દર્શન થયાં, જે વિશે અમે સપનામાં પણ વિચાર્યું નહોતું. અમારી વૅનથી માત્ર પાંચ ફૂટના અંતરે ચાર શાહુડી વચ્ચે ઘમાસણ યુદ્ધ ચાલતું હતું. અણીદાર તીર જેવાં પીંછાં ઊભાં કરીને અંદરોઅંદર લડાઈ કરતી શાહુડીથી જંગલનાં હિંસક પ્રાણી પણ અંતર બનાવીને રહેતાં હોય છે. ઝઘડાઝઘડી પછી ચારેય શાહુડી ધીમેધીમે નૅશનલ પાર્કના બિલ્ડિંગની કાંટાળી વાડમાંથી જંગલમાં સરકી ગઈ. માત્ર પાંચ ફૂટના અંતરે એક નહીં, ચાર ચાર દુર્લભ પ્રાણીને મળવાનો લહાવો અમારા માટે યાદગાર સંભારણું બની રહ્યો.

અમારી લેડી ગાઈડ નમવાન chitralekha.comને કહે છે કે રાતના સમયે શાહુડી, હરણ, સાબરથી લઈને ક્યારેક હાથી પણ પરિવાર સાથે નૅશનલ પાર્કના પરિસરમાં લટાર મારી જાય.

રાત્રે નૅશનલ પાર્કની મુલાકાત લઈને ફરીવાર અમે ખાઉ ચાઈની તળેટીમાં આવેલા ગ્રીનરી રીસોર્ટમાં ઉતારા માટે પહોંચી ગયાં.

નૅશનલ પાર્કની મુલાકાત પછી બીજા દિવસે વહેલી સવારે ગ્રીનરી રીસોર્ટના ભવ્ય બૅન્કવેમાં બ્રેકફાસ્ટ આટોપી અમે સીધા પહોંચ્યાં છોક છાઈ ફાર્મ.

કુદરતે તમને જે કુદરતી સંપત્તિ આપી હોય એનો ટુરિઝમ ક્ષેત્રે ઉપયોગ કરીને પ્રવાસીઓને કેવી રીતે આકર્ષવા એ જાણવું હોય તો અહીં આવવું પડે. અહીંની ઍગ્રો (ખેતીવિષયક) ટૂર આપણા શ્રીમંત ખેડૂતો કે શાસકોએ પણ કરવા જેવી છે.

‘છોક છાઈ ફાર્મ’માં ઘોડેસવારીનાં કરતબ બતાવતા કાઉબોયનો શો વિશેષ આકર્ષણ છે

આશરે આઠ હજાર એકરમાં ફેલાયેલા છોક છાઈ ફાર્મમાં વિશાળ કાઉ ફાર્મ (ગૌશાળા) વિવિધ ફળફૂલની ખેતી, દૂધમાંથી આઈસ્ક્રીમ અને બીજી બ્યુટી પ્રોડક્ટ બનાવવાની ફૅક્ટરી, ફાર્મ ફ્રેશ રેસ્ટોરાં તમને આશ્ચર્ય પમાડે એવી છે.

અહીં કાઉબૉય અને કાઉગર્લ સમગ્ર ફાર્મની દેખરેખ રાખે છે.ખૂબ જ આકર્ષક યુનિફૉર્મમાં સજ્જ કાઉબૉય-કાઉગર્લ તમને ટ્રૅક્ટરમાંથી બનાવેલી ટ્રૅક્ટર વેગનમાં બેસાડીને અહીં કલાકની ફાર્મ ટૂર કરાવે છે. ટ્રૅક્ટર વેગનમાં 70થી 80 પ્રવાસી બેસીને સમગ્ર ફાર્મની મોજ માણી શકે છે. પ્રવાસીઓનાં આકર્ષણ માટે કાઉબૉય અને ઘોડાનો ખાસ શો રાખવામાં આવે છે.

આપણે ત્યાં આજકાલ ડ્રૅગન ફ્રૂટની બોલબાલા છે. અહીં ડ્રૅગન ફ્રૂટની વાડીમાં લટાર મારીને તમે એની ખેતી જોઈ શકો છો. એ ઉપરાંત, સૂરજમુખી અને ગુલાબના એકરો સુધી ફેલાયેલાં ખેતરો અહીંની સુંદરતામાં વધારો જાણે ચાર ચાંદ લગાવી દે છે. ઍગ્રો ટૂર પૂરી થતાં જ અમને કાઉ ફાર્મ  લઇ જવામાં આવ્યાં. અહીં 1500 જેટલી જર્સી ગાયને રાખવામાં આવી છે. આશરે 40-50 વાડામાં તમામ ગાયને ખૂબ વ્યવસ્થિતપણે રાખવામાં આવે છે. ફાર્મની મુલાકાતે આવનારા અહીં જાતે ગાયનું દૂધ કાઢી શકે એની અફલાતૂન વ્યવસ્થા કરી છે. ગાયને વિશેષ પાંજરામાં ઊભી કરવામાં આવે. પ્રવાસીને લોન્ગ બૂટ પહેરી હાથ ધોઈને ગાયના આંચળ થકી કેમ દૂધ કાઢવું એ શીખવવામાં આવે છે. આબાલવૃદ્ધ સૌકોઈ એકએક કલાક લાઈનમાં ઊભા રહીને આ પ્રક્રિયાનો આનંદ ઉઠાવતા હોય છે. ગાયના દૂધમાંથી આઈસ્ક્રીમ બનાવવાની પ્રક્રિયા પણ તમે આઈસ્ક્રીમ ફૅક્ટરીમાં જઇને જોઈ શકો છો તો અહીંની શૉપમાંથી કાઉ મિલ્કમાંથી બનતી વિવિધ બ્યૂટી પ્રોડ્કટ ખરીદીને રોજબરોજના ઉપયોગમાં લઈ શકાય છે.

પ્રવાસ ગાઈડ

  • થાઈલૅન્ડ જવા માટે મુંબઈ ઉપરાંત દેશના પ્રમુખ શહેરથી ડાયરેક્ટ ફ્લાઈટ મળે છે. બેંગકોક એરપોર્ટ પર વિઝા આપવામાં આવે છે.
  • બેંગકોકથી લગભગ અઢીસો કિલોમીટર દૂર આવેલા ખાઉ ચાઈ જવા ટૂરિસ્ટ કાર, ટ્રેન તેમ જ ઍરકન્ડિશન્ડ લકઝરી કોચ આસાનીથી મળી રહે છે.
  • અગાઉથી જાણ કરો એટલે શાકાહારી ફૂડની વ્યવસ્થા થઈ શકે છે.
  • ખાઉ ચાઈ વિસ્તારમાં આવેલી સંખ્યાબંધ હોટેલ-રીસોર્ટનું ઑનલાઈન બૂકિંગ કરી શકાય છે.

વધુ માહિતી માટેઃ www.tourisamthailand.org

અહેવાલ-તસવીરોઃ દેવાંશુ દેસાઈ