દિવાળી તથા અન્ય તહેવારોમાં ફટાકડા ફોડવાના શોખીનોને આંચકો આપે એવો આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો છે. કોર્ટે કહી દીધું છે કે હવે પછી ગ્રીન/હરિત ફટાકડા જ ફોડવા. કોર્ટના આ ચુકાદાથી પર્યાવરણપ્રેમીઓ ખુશ થયા છે.
પણ ઘણાયને સવાલ થાય છે કે ગ્રીન ફટાકડા એટલે શું?
ગ્રીન ફટાકડા એટલે લીલી રસ્સીવાળા બોમ્બ કે લીલા રંગના રેપરમાં વીંટાળેલા ફટાકડા નહીં, પણ પર્યાવરણની કાળજી રાખે, હવામાં પ્રદૂષણ ન ફેલાવે એવા ફટાકડા.
કોર્ટે ઓછો ધૂમાડો કાઢે અને ઓછો અવાજ કરે એવા ફટાકડા જ ફોડવાનો આદેશ આપ્યો છે.
ગ્રીન ક્રેકર્સ કે હરિત ફટાકડા એટલે શું?
સુપ્રીમ કોર્ટે ફટાકડાને બે કેટેગરીમાં વહેંચી દીધા છે. એક, ઈમ્પ્રુવ્ડ ક્રેકર્ડ અને બીજા ગ્રીન કેકર્સ.
ઈમ્પ્રુવ્ડ ક્રેકર્સ એટલે એવા ફટાકડા જેમાં ફિલર મટિરીયલ તરીકે રાખનો ઉપયોગ કરવાનું ટાળવું પડે છે તેમજ ચારકોલનો ઉપયોગ નિશ્ચિત માત્રામાં જ કરવો પડે છે. ગ્રીન ક્રેકર્સ સેફ વોટર અને હવાના છંટકાવવાળા હોય છે જે ઓછો અવાજ કરે અને ઓછો ધૂમાડો તથા ઓછો પ્રકાશ ફેલાવે.
એવું જાણવા મળ્યું છે કે ગ્રીન ફટાકડાનો આઈડિયા રજૂ કરવાનો શ્રેય જાય છે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધનને. એમણે એક જાહેર સમારંભમાં પોતાના સંબોધનમાં ગ્રીન ફટાકડાનો ઉલ્લેખ કર્યો હતો અને સરકાર હસ્તકની રાષ્ટ્રીય પર્યાવરણ સુરક્ષા સંસ્થાએ એ માટેની શોધ શરૂ કરી દીધી હતી. હવે તો સુપ્રીમ કોર્ટે ઓર્ડર આપી દીધો છે ત્યારે ઉત્પાદકો, રીટેલરો અને ફટાકડા ફોડવાના શોખીનોએ ગ્રીન ફટાકડા માટે દોડધામ શરૂ કરી દીધી, પણ હજી સુધી એમને ચોક્કસપણે એવા ફટાકડા હાથ લાગ્યા નથી.
નિષ્ણાતોનું કહેવું છે કે ગ્રીન ફટાકડા એટલે એવા ફટાકડા જેમાંથી હાનિકારક ગેસ ન નીકળે અથવા 40-50 ટકા ઓછા પ્રમાણમાં નીકળે.
કોર્ટે ફટાકડાનું ઓનલાઈન વેચાણ બંધ કરાવી દીધું છે અને લાઈસન્સ મેળવેલું હોય એમને જ ફટાકડા વેચવાની છૂટ આપી છે.
પર્યાવરણ માટે સુરક્ષિત કહેવાય એવા ચાર પ્રકારના ફટાકડા નિષ્ણાતોએ સૂચવ્યા છે. આ ફટાકડા એટલે સેફ વોટર રિલીઝર ફટાકડા. તે એવા હોય જે પેટાવ્યા બાદ પાણીનાં કણ પેદા કરે, જેમાં સલ્ફર અને નાઈટ્રોજનના કણ મિક્સ થઈ જાય. બીજા છે, સ્ટાર ક્રેકર, જે સલ્ફર અને નાઈટ્રોજન ઓછા પ્રમાણમાં પેદા કરનારા છે. ત્રીજા છે, સેફ મિનમલ એલ્યૂમિનિટમ ફટાકડા. એમાં એલ્યુમિનિટમ ધાતુનો ન્યૂનતમ ઉપયોગ કરાયો છે. ચોથા છે – અરોમા ક્રેકર્સ. આ ફટાકડા પેટાવવાથી હાનિકારક ગેસ ઓછો પેદા થાય છે અને વધારે સારી સુગંધ પણ પ્રસરે છે.
દાયકાઓથી ભારતમાં લોકો દિવાળીનો તહેવાર ફટાકડા ફોડીને ઉજવતા આવ્યા છે. પરંપરાગત ફટાકડામાં અનેક પ્રકારના જ્વલનશીલ રસાયણો હોય છે. જેમાં પોટેશિયમ ક્લોરેટ પાવડરવાળું એલ્મુમિનિયમ, મેગ્નેશિયમ, બેરિયમ, તાંબુ, સોડિયમ, લિથિયમ, સ્ટ્રોન્ટિયમ વગેરે રસાયણો સામેલ હોય છે. આવા રસાયણો સળગવાથી મોટો અવાજ આવે છે અને ઘણો બધો ધૂમાડો નીકળે છે. આ અવાજ અને ધૂમાડાથી ઘરડા અને બાળકોનાં શરીરમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થાય છે. એટલું જ નહીં, આ ધૂમાડાથી પશુઓ અને પંખીઓને પણ હાનિ થાય છે.
ફટાકડા ફૂટે ત્યારે જુદા જુદા રંગો દેખાય એ માટે ફટાકડામાં સામાન્ય રીતે મેટલ સોલ્ટ વપરાય છે. સોલ્ટ એક કેમિકલ કમ્પાઉન્ડ છે જે એસીડ તથા બેઝ એકબીજાથી અલગ થાય ત્યારે રચાય છે. ઘણી સોલ્ટમાં નાઈટ્રેટ્સ, ક્લોરેટ્સ કે પર્ક્લોરેટ્સ જેવા ઓક્ઝિડાઈઝર હોય છે. ફટાકડાને રંગ પૂરા પાડવા ઉપરાંત આ ઓક્ઝિડાઈઝર્સ ઓક્સિજન પૂરું પાડે છે જેથી ફટાકડા સળગે છે. ફટાકડામાં ધૂમાડાનું નિર્માણ કરવા માટે એમાં ઝિંક (જસત)નો ઉમેરો કરવામાં આવે છે.
આવી પ્રતિકૂળ અસરોને કારણે જ સુપ્રીમ કોર્ટે હવે દિવાળી તથા અન્ય તહેવારોમાં તેમજ ઉજવણી પ્રસંગોએ ફટાકડા ફોડવા માટે ચોક્કસ નિયમો ઘડ્યા છે, સમય નક્કી કરી નાખ્યો છે. જેમ કે, દિવાળી તહેવારના દિવસોમાં રાતે 8થી 10, એમ માત્ર બે જ કલાક ફટાકડા ફોડવાના રહેશે. ક્રિસમસ કે ન્યુ યર સેલિબ્રેશન વખતે રાતે 11.45થી મધરાત બાદ 12.45 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે.
સુપ્રીમ કોર્ટના આદેશને પગલે મહારાષ્ટ્ર પોલ્યૂશન કન્ટ્રોલ બોર્ડ અને આવાઝ ફાઉન્ડેશન નામની બિનસરકારી સંસ્થાએ બોમ્બ, સ્પાર્કલ્સ, ગાર્લેન્ડ ફટાકડા સહિત 42 પ્રકારના ફટાકડા પર ટેસ્ટિંગ કર્યું હતું. પણ એમને બહુ ઓછા ફટાકડા નિશ્ચિત કરાયેલી માત્રા કરતાં વધારે અવાજ કરતા હોવાનું માલૂમ પડ્યું છે. તે છતાં, સુપ્રીમ કોર્ટે રસાયણોના ઉપયોગ વિશે જે માર્ગદર્શિકા ઘડી છે એ અનુસાર આ ફટાકડા પરીક્ષણોમાં પાસ થયા છે કે નહીં તે હજી સ્પષ્ટ થયું નથી. રાસાયણિક તત્વોની ચકાસણી માટે પ્રદૂષણ વિરોધી બોર્ડને આ ફટાકડાના નમૂના લેબોરેટરીમાં મોકલવા પડશે.
સિંગલ-ક્રેકર બોમ્બ સૌથી વધારે અવાજ કરતા હોય છે. આ વર્ષે એવા બોમ્બના અવાજમાં ઘટાડો કરાયો છે. એની રેન્જ 80 ડેસિબલથી લઈને 88 ડેસિબલ હોય છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) તરફથી જણાવવામાં આવ્યું છે કે માનવીઓને કોઈ પણ સમયે 70 ડેસિબલથી વધારે અવાજ કરે એવો અવાજ નડવો ન જોઈએ.
તો આવો, સંકલ્પ કરીએ કે હવેથી સૌ સુરક્ષિત દિવાળી ઉજવીશું. શુભ દિવાળી, હેપ્પી દિવાળી.