શું તમારું અંગ્રેજી નબળું છે? નબળા અંગ્રેજીનાં કારણે તમને જીવનમાં જોઈએ તેવી સફળતા મળતી નથી? અંગ્રેજી કાચું હોવાથી લોકોમાં મશ્કરીને પાત્ર બનવાનો તમને સતત ડર રહે છે? જો તમારો જવાબ “હા… ભાઈ હા” હોય તો પણ તમારે સંકોચ રાખવાની જરાયે જરૂર નથી. કારણ એ છે કે પૃથ્વી ઉપર પથરાયેલા છ ખંડો ઉપરના ફાંકડું અંગ્રેજી જાણતા જે ૧૧૮ દેશો છે તેમાં વસતા મોટા ભાગના રહેવાસીઓ પણ આનો જવાબ “હા… ભાઈ હા”માં આપે તેવી અત્યારની પરિસ્થિતિ છે. એક અમેરિકન સંસ્થા દ્વારા આયોજિત સર્વેક્ષણના આંકડાએ હવે જગજાહેર કરી નાખ્યું છે કે અંગ્રેજી ભાષા ઉપર જોરદાર પક્કડ ધરાવતા લોકો પણ દરેક ૧૦૦ શબ્દો દીઠ ૧૦ થી ૨૦ જેટલા શબ્દોમાં અવશ્ય ભૂલ કરે છે.
અંગ્રેજી ભાષા ન આવડવાનો સંકોચ છોડવાની સાથે-સાથે સમયનો તકાજો એ પણ છે કે તેના પ્રત્યેનો ડર અને અણગમો છોડવાનો સમય હવે આપણી સૌ માટે આવી ગયો છે. ગ્લોબલાઇઝેશનનાં આજના સમયમાં કંપનીઓની સેલ્સ-સપોર્ટ ટીમ ગ્રાહકો સાથે ચેટ અને ઇમેઇલ મારફતે ઓફર પ્રપોઝલ ક્વોટેશન મોકલે, હ્યુમન રિસોર્સ ટીમ ટોપ લેવલનાં એક્ઝિક્યુટિવ્સનાં જોબ ઓફર લેટર બનાવે, એકાઉન્ટ્સ તથા લીગલ ટીમ અનેક પ્રકારના રિપોર્ટ્સ અને એગ્રીમેન્ટ્સ બનાવે અને નાના-મોટા ડિપાર્ટમેન્ટ્સ બીજા જરૂરી કાગળો ડ્રાફ્ટ કરે; તે તમામ કામો કઈ ભાષામાં થાય છે તે આજકાલ કોને ખબર નથી?
રાજકોટ ખાતેની એક કંપનીમાં સીનીયર પોઝિશન ઉપર કામ કરતાં ભરત ભીમજીયાણીથી અંગ્રેજીમાં ખોટા વ્યાકરણ અને ખોટા શબ્દોનાં ઉપયોગ દ્વારા એક કવોટેશન મોકલાઈ ગયેલું. આ કારણે પોતાની અંગત અને પ્રોફેશનલ લાઈફ ઉપર શું અસર પડેલી તે જણાવતા ભરતભાઈ કહે છે કે “ભૂલ ભરેલા અંગ્રેજીમાં લખીને સરખું ચકાસ્યા વગર જ મેં પોતે એકવાર મારી કંપની વતી પત્ર-વ્યવહાર કરેલો તેનું સામી પાર્ટીએ અવળું અર્થઘટન કાઢીને અમને મોટા નુકસાનમાં નાખી દીધેલા. આ ઘટનાને કારણે અંગત પ્રતિષ્ઠાનું ધોવાણ, અપમાન ઉપરાંત પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ એમ તમામ તરફેથી મને મોટું નુકસાન થયેલું.”
આવી ભૂલો થાય જ નહી તેવો કોઈ ઉપાય ખરો? જી હા…. “Writing Assistant App” લખીને ગૂગલ કરો એટલે એકદમ પ્રોફેશનલ અંગ્રેજીમાં લખવાનાં રામબાણ ઈલાજ સમાન આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજી આધારિત અનેક એપ્લિકેશન્સ તમારી માટે હાજર જોવા મળશે.
અંગ્રેજી લખવામાં આવી એપ્લિકેશન તમને કેવી-કેવી મદદ કરશે?
આ પ્રકારની એપ્લિકેશન્સ તમે અંગ્રેજી ભાષામાં જે લખાણ તૈયાર કર્યું હોય તેનું વ્યાકરણ અને સ્પેલિંગ સુધારવા, જરૂર હોય ત્યાં વિરામચિહ્નો મૂકી આપવા અને ઉપયોગમાં લેવાયેલા શબ્દો કરતા વધુ ધારદાર અસર ઉભી કરી શકે તેવા વૈકલ્પિક શબ્દો ગોઠવી આપવાનું એટલે કે કહી શકીએ કે તમારું લખાણ વધુ અસરકારક અને સ્પષ્ટ બનાવી આપવાનું કામ કરી આપે છે. કેટલીક એપ્સ તો આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો આશ્ચર્યજનક ઉપયોગ કરીને પ્રેક્ટિકલ લાઈફમાં ખુબ જ ઉપયોગી થાય તેવા બીજા અનેક ફીચર્સ પણ ઓફર કરે છે.
તમારું લખાણ તમે આપણા દેશમાં વપરાતા બ્રિટીશ લઢણનાં અંગ્રેજીમાં લખ્યું હોય; પણ તમારે જો તેને અમેરિકન, કેનેડિયન કે ઓસ્ટ્રેલિયન પૈકી કોઈ અન્ય લઢણ મુજબ ફેરવી નાખવું હોય તો તમે તે આસાનીથી આવી એપનાં ઉપયોગથી કરી શકો છો. તમારાથી નરમ ભાષામાં લખાયેલી બાબત ખરેખર તો થોડી કડક ભાષામાં લખવી જોઈતી હતી તેવું તમને પાછળથી લાગે; તો કરો એક ક્લિક અને “એન્ગ્રી” ટોન પસંદ કરી લો. તરત જ એપ તમારા લખાણમાંથી જે નરમાશનો ટોન છે તેની જગ્યાએ ગુસ્સાનો ટોન વરતાઈ આવે તેવી રીતનાં શબ્દો અને વાક્યરચનાનાં મુજબના સુધારાઓ સૂચવવા લાગશે. આ રીતે તમે મિત્રતા, આદર, આત્મવિશ્વાસ, આનંદ, આશાવાદ, ચિંતા, દબાણ, ઉત્સાહ, અહંકાર, તટસ્થતા, દુઃખ, ગુસ્સો, જીજ્ઞાશા, ફોર્માલિટીનું સ્તર વિગેરે પ્રકારનાં બીજા અનેક ટોન તમારા લખાણમાં આ પ્રકારની એપ્સની મદદથી ઉમેરી શકો છો.
બિઝનેસ, એજ્યુકેશન, ટેક્નિકલ, સાહિત્ય-સર્જન અને સામાન્ય વાતચીત જેવા અલગ-અલગ ક્ષેત્રોમાં ભાષાની ફ્લેવર પણ જુદી-જુદી હોય છે. દરેક ક્ષેત્ર માટે ભાષાની ઉપયોગમાં લેવાતી ફ્લેવરમાં શબ્દો, વાક્યરચના અને પદ્ધત્તિ જુદી-જુદી હોય છે. જાણીને તમને નવાઈ લાગશે પરંતુ; આવી એપ્સ તમને તમારું લખાણ ક્યા ક્ષેત્રને આધીન તૈયાર કરવાની ઈચ્છા છે તે પણ પૂછે છે અને તમે જે ક્ષેત્ર પસંદ કરો તે ક્ષેત્ર માટે યોગ્ય ગણાતા શબ્દો અને લઢણ મુજબના સુધારાઓ સૂચવવાનું શરુ કરી દે છે. તમે જો એપના અભિપ્રાય મંજુર રાખો તો તમારા લખાણને અનફિટ બનાવતા તમામ પાસાઓ પળભરમાં ગાયબ કરીને લખાણને એકદમ પ્રોફેશનલ ટચ આપવામાં તમને મદદ કરે છે.
દરેક એપ સંપૂર્ણ ચોક્કસાઈથી જ કામ આપે છે તેમ કહેવું હાલનાં તબક્કે ઘણું વહેલું હોવા છતાં માનવ મગજની અનેક મર્યાદાઓને ઓળંગી જાય તેટલી તાકાત તો તેમાં જરૂર જોવા મળે છે. જો “Writing Assistant App”ની કેટેગરીમાં મળતી એપ્લિકેશન વાપરીને નૈતિક રીતે તમે ખોટું કરતા હો તેવી લાગણી તમને થતી હોય તો અંગ્રેજી લેખન સુધારવા માટેનાં શિક્ષક તરીકે પણ તમે આવી એપ્સનો ઉપયોગ કરી શકો છો. તમને તમારા લેખનની આવડત અને ચોક્કસાઈનાં સ્કોર-કાર્ડ તૈયાર કરી આપે અને તમે ક્યાં નબળા છો તે ધ્યાન દોરે તેવી પણ ઘણી એપ્સ ઉપલબ્ધ છે. ક્યા શબ્દોનો ઉપયોગ વારંવાર થયો છે, શબ્દો અને વાક્યોને યોગ્ય રીતે જોડ્યાં છે કે નહીં, વાક્યની અને પેરેગ્રાફની લંબાઈ બરાબર છે કે નહીં, સમગ્ર લખાણમાં એકસૂત્રતા કેવીક છે, વાક્યો દ્વારા મતલબ ઉજાગર કરવાની ઝડપ કેટલી છે, ક્યા પેરેગ્રાફ સમજવામાં અઘરા લાગે છે, લેખન શૈલી યોગ્ય છે કે નહીં વિગેરે જેવા બીજા અનેક પેરામીટર એપ દ્વારા ચેક કરવામાં આવે છે. અને આ રીતે જે સ્કોર-કાર્ડ તૈયાર થાય છે તે તમારા લખાણમાં આટલી ભૂલો સુધારવા લાયક છે તેવી ચેતવણીની સાથે-સાથે તમને વધુ સારું લખવા માટેની પ્રેરણા પણ આપે છે.
“Writing Assistant App” માટે કઈ ટેક્નોલોજીનો ઉપયોગ થઇ રહ્યો છે:
આ સદીની સૌથી ચર્ચાસ્પદ ટેક્નોલોજી જે ગણાય છે તે એટલે આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ. લેન્ગવેજ સોલ્યુશન આપતી મોટા ભાગની એપ્સ આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તા ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. આ ટેક્નોલોજીનો જયારે ભાષાઓને લગતા ક્ષેત્રોમાં ઉપયોગ કરવાનો થાય ત્યારે નેચરલ લેન્ગવેજ પ્રોસેસિંગ (NLP), કોમ્પ્યુટેશનલ લિંગ્વિસ્ટીક, ઇન્ફોર્મેશન રિટ્રાઇવલ, મશીન લર્નિંગ (ML), ડીપ લર્નિંગ (DL) અને ડેટા માઇનિંગ પૈકી કેટલીક આનુસંગિક ટેકનોલોજીઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે.
લોકો પોતાની લાગણીઓ કેવા સંજોગોમાં ક્યા પ્રકારના ટોન અને શબ્દો સાથેની ભાષાથી અભિવ્યક્ત કરે છે તેના ભાષાનાં નિયમાનુસાર સાચા લાખો-કરોડો ટાઈપ કરેલા લખાણોને એપની માસ્ટર ડેટાબેઝમાં દાખલ કરી દેવામાં આવે છે. આનાથી રચાતા એલ્ગોરિધમ દ્વારા તમારા લખાણની તપાસ કરવામાં આવે છે. અને ભાષાનાં નિયમોનું તમારા લખાણમાં ક્યાં ઉલ્લંઘન થયું છે તે પકડી પાડીને સાચું લખાણ કેવું હોવું જોઈએ તેનો કૃત્રિમ બુદ્ધિમત્તાથી ઉકેલ પણ આપી દેવામાં આવે છે.
સમયનાં અભાવે દુનિયાની ટોપ-મોસ્ટ કંપનીના એક્ઝિક્યુટિવસ પણ આજકાલ પોતાના લખાણને અસરકારક અને પરિણામલક્ષી બનાવવા ખાસ સમય ફાળવવાનાં બદલે નિ:સંકોચ આવી એપ્લિકેશનસ વાપરતા થઇ ગયા છે. છેલ્લે મળતા આંકડાઓ અનુસાર જગતભરમાં અત્યારે ઉદ્યોગગૃહો, પ્રોફેશનલ્સ અને ખાનગી વપરાશકર્તાઓ થઈને ૬૯ લાખ કરતાં પણ વધુ લોકો આવી એપ્સ રોજેરોજ વાપરી રહ્યા છે.
કઈ એપ તમને અનુકૂળ રહેશે?
તમારી માટે ક્યા પ્રકારનાં ફીચર્સ અગત્યનાં છે અને તે ફીચર્સ કઈ એપમાં ઉપલબ્ધ છે તે સૌપ્રથમ તો શોધી કાઢવું તમારી માટે પહેલું અને અગત્યનું પગથિયું છે. એકવાર એપ નક્કી થઇ જાય પછી આ એપ ક્યા પ્લેટફોર્મ ઉપર ચાલે તે રીતની છે તે સમજતાં તમને વાર નહીં લાગે. કેટલીક એપ તમારા કમ્પ્યુટર અથવા લેપટોપમાં સોફ્ટવેર એપ્લિકેશન સ્વરૂપે ઇન્સ્ટોલ થઇ શકે છે; કેટલીક વર્ડ-પ્રોસેસર્સ અને ઈમેઈલ ક્લાયન્ટમાં એડ-ઇન્સ તરીકે, કેટલીક બ્રાઉઝર્સના એક્સ્ટેન્શન તરીકે, કેટલીક એન્ડ્રોઇડ અથવા અન્ય મોબાઈલ પ્લેટફોર્મ ઉપર, તો કેટલીક એપ્લિકેશન્સ ક્રોસ-પ્લેટફોર્મ ઉપયોગ થઇ શકે તેવી સુવિધા સાથેની હોય છે. સામાન્ય રીતે ક્રોસ-પ્લેટફોર્મ એપ્લિકેશન પસંદ કરવી યુઝર્સ માટે વધુ અનુકૂળ રહે છે.
Grammarly અને ProWritingAid જેવી ખૂબ આગવું સ્થાન ધરાવતી એપ્લિકેશન્સ ઉપરાંત Hemingway, Ginger, WhiteSmoke, PaperRater, AutoCrit જેવી અનેક એપ્સ ઉપલબ્ધ છે. આ પૈકી માફક આવે તેવી કોઈપણ એક એપને પસંદ કરી શકો છો. આ એપ્લિકેશન દ્વારા અંગ્રેજી લખાણમાં તમારી ભૂલો શોધી – સુધારીને તમે તમારી અંગત અને તમારી કંપની બન્નેની શાખને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડી શકો છો.
અંગ્રેજી ભાષાના અંદાજે અઢી લાખ શબ્દો પૈકી “ન્યૂ જનરલ સર્વિસ લિસ્ટ (NGSL)”નાં અભિપ્રાય મુજબ માત્ર ૨૮૦૦ શબ્દો જ અતિ ઉપયોગી છે. પરંતુ આપણે ગુજરાતીઓ માટે કદાચ આ પણ ઘણું વધારે પડતું કહેવાય!!! એટલે “પૂછતાં પંડિત થવાય” કહેવત અનુસાર “Writing Assistant” પ્રકારની અલગ-અલગ એપ્સનાં ટ્રાયલ વર્ઝન વારાફરતી ચકાસીને જે આપણી જરૂરીયાતો સાથે બંધબેસતી હોય તે એપ્લીકેશન ખરીદીને ઉપયોગ ચાલુ કરી જ દઈએ.
(પુનીત આચાર્ય-સોમપુરા)