ગૂગલ એ ઘણા બધા લોકો માટે હવે ઘણી બધી બાબતો માટે સહારો બની ગયું છે. કોઈ લખાણ અને તસવીર સાથે માહિતી શોધવી છે તો ગૂગલ કરો. કોઈ વિડિયો જોવો છે તો ગૂગલ કરો. કોઈ પુસ્તક વાંચવું છે તો ગૂગલ કરો. કેટલાક લોકો તસવીર માટે પણ ગૂગલનો ઉપયોગ કરે છે. જોકે હવે પ્રસાર માધ્યમો વધી રહ્યાં છે અને તેના કારણે ગૂગલ પર ઉપલબ્ધ તસવીરોનો તેઓ ઉપયોગ કરતા હતા. પરંતુ થોડા સમયથી ગૂગલે view imageનો વિકલ્પ કાઢી નાખ્યો છે. આથી તસવીરને મૂળ કદમાં તમે સંગ્રહી શકતા નથી. આનાથી ઘણા લોકો નિરાશ છે.
પરંતુ ટૅક્નિકલ જાણકારો દરેક સમસ્યાનો ઉકેલ શોધી કાઢતા હોય છે. એ રીતે આ તકલીફનો ઉપાય પણ છે જે અમે તમારા સુધી ગુજરાતીમાં પહોંચાડી રહ્યા છીએ. view imageનો વિકલ્પ પાછો લાવી શકાય છે.
આ તકલીફ કેમ ઉદ્ભવી? કારણકે જેમજેમ પ્રસાર માધ્યમો વધવા લાગ્યા, બીજી બધી વ્યાવસાયિક પ્રવૃત્તિઓ વધવા લાગી તેમ તેમ તસવીરોનો ઉપયોગ પણ વધ્યો. કેટલીક કંપનીઓએ આમાંથી રોકડી કરવાનો વ્યવસાય આદર્યો. ગેટી ઇમેજીસ, શટર સ્ટૉક, ફૉટોલિયા, આઈસ્ટૉક વગેરેએ પ્રસંગને અનુરૂપ તસવીરો વ્યાવસાયિક તસવીરકારો પાસે પડાવીને તેને સારી ગુણવત્તામાં ઑનલાઇન મૂકવાનું શરૂ કર્યું. પરંતુ ગૂગલ તો જે તે વેબસાઇટની તસવીર પાડીને તેને મૂકે છે. તેથી ગૂગલમાં આ તસવીરો મફત મળવા લાગી. આના લીધે ગેટી ઇમેજીસે વાંધો ઉઠાવ્યો. પરિણામે ગૂગલે view imageનો વિકલ્પ બંધ કરી દીધો.
આ બંને કંપનીઓ વચ્ચે કાનૂની સમાધાન થવાના કારણે તેમને બંનેને તો ફાયદો થયો પરંતુ વપરાશકારો દુઃખીદુઃખી થઈ ગયા કારણકે તેના પરિણામે ગેટી જેવી વ્યાવસાયિક કંપનીઓ સિવાયની જે વેબસાઇટો પર તસવીરો મફત અને કૉપીરાઇટના પ્રશ્ન વગર પ્રાપ્ય હતી તે હવે વપરાશકારો માટે પ્રાપ્ય નહોતી.
આનો ઉપાય તમારા બ્રાઉઝરમાં એક ઉમેરણ (add-on) છે. જો તમે ક્રૉમ બ્રાઉઝર વાપરતા હો તો ક્રૉમ વેબસ્ટૉર (જેમ ફૉનમાં ગૂગલ પ્લે સ્ટૉર છે તેમ પીસી કે ડેસ્કટૉપ માટે ક્રૉમ વેબસ્ટૉર છે. તેમાંથી view image નામનું ઍક્સ્ટેન્શન સ્થાપિત કરી લો.
હવે તમે ગૂગલમાં imageમાં શોધશો તો તમને view imageનો વિકલ્પ ફરી દેખાવા લાગશે. જો તમે ફાયરફૉક્સ બ્રાઉઝર વાપરતા હો તો પણ તમે view image add-on pageની મુલાકાત લઈ તેને સ્થાપિત કરી દો. તમારું કામ થઈ ગયું.
હવે તમે તમારી ઈચ્છા મુજબ ગૂગલમાં તસવીરો શોધી શકો છો, પૂર્ણ કદમાં જોઈ શકો છો અને તમારા મોબાઇલ કે કમ્પ્યૂટરમાં સંગ્રહી પણ શકો છો.