દેશમાં પહેલી જ વાર ઉડ્યું બાયોફ્યૂઅલ વિમાન; અમેરિકા, ઓસ્ટ્રેલિયાની ક્લબમાં જોડાયું ભારત |
સસ્તા ભાડામાં વિમાન પ્રવાસ કરાવવા માટે જાણીતી એરલાઈન સ્પાઈસજેટે બાયો-ફ્યુઅલથી આંશિક રીતે સંચાલિત ભારતની પ્રથમ ફ્લાઈટનું પરીક્ષણ કર્યું હતું જે સફળ રહ્યું છે.
સ્પાઈસજેટ દ્વારા આજે ઉડાડવામાં આવેલી ફ્લાઈટ Q-400માં બાયો-ફ્યુઅલની સાથે એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (ATF)નું મિશ્રણ કરવામાં આવ્યું હતું.
72-સીટવાળી આ ફ્લાઈટે દેહરાદૂનથી દિલ્હી માટે ઉડાણ ભરી હતી. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ, ટર્મિનલ-2 ખાતે કેન્દ્રીય કેબિનેટ પ્રધાનો તથા સ્પાઈસજેટ એરલાઈનના અધિકારીઓએ વિમાનનું સ્વાગત કર્યું હતું.
વિમાનને ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્ર સિંહ રાવતે દેહરાદૂનના જોલી ગ્રાન્ટ એરપોર્ટ પરથી વિદાય આપી હતી. વિમાનમાં આશરે 20 જણ હતા. જેમાં એવિએશન રેગ્યૂલેટર એજન્સી DGCA તથા સ્પાઈસજેટના અધિકારીઓનો સમાવેશ થાય છે. ફ્લાઈટે 25 મિનિટમાં સફર પૂરી કરી હતી.
ફ્લાઈટે દિલ્હી એરપોર્ટ પર ઉતરાણ કર્યું ત્યારે એના સ્વાગત માટે કેન્દ્રીય પ્રધાનો નીતિન ગડકરી, સુરેશ પ્રભુ, ધર્મેન્દ્ર પ્રધાન, ડો. હર્ષવર્ધન, જયંત સિન્હા ત્યાં ઉપસ્થિત હતા.
આ પ્રસંગે સિવિલ એવિએશન પ્રધાન સુરેશ પ્રભુએ કહ્યું કે પર્યાવરણ માટે અનુકૂળ એવિએશન પગલાં યોજનાની સરકાર જાહેરાત કરશે.
એટીએફના ભાવ ખૂબ વધી ગયા છે ત્યારે બાયોફ્યુઅલ ફ્લાઈટનું સફળ પરીક્ષણ આવકારદાયક છે. મોંઘા થઈ ગયેલા એટીએફને કારણે ભારતીય એરલાઈન સેક્ટરને મોટો ફટકો પડ્યો છે. લગભગ તમામ એરલાઈન્સે નાણાકીય વર્ષ 2018-19ના પહેલા ક્વાર્ટરમાં આર્થિક ખોટ ભોગવી છે.
ભારતમાં એટીએફની કિંમત આખી દુનિયામાં સૌથી વધારે છે. એનું કારણ છે રાજ્યો દ્વારા અતિરિક્ત રીતે લાદવામાં આવતા જુદા જુદા કરવેરા.
સરકારે શિપિંગ ઉદ્યોગ માટેના બંકર ફ્યુઅલને ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી)માં સામેલ કર્યું છે, પરંતુ એટીએફને હજી એમાં સામેલ કર્યું નથી.
આજની સફળતા સાથે ભારત પણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા જેવા જૂજ દેશોની ક્લબમાં એન્ટ્રી કરવા સમર્થ બન્યું છે.
સ્પાઈસજેટના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર અજય સિંહે કહ્યું છે કે પરંપરાગત એવિએશન ફ્યુઅલ પરની આપણી નિર્ભરતાને 50 ટકા સુધી ઘટાડી દેવાની બાયોફ્યુઅલમાં ક્ષમતા છે.
આજની ટ્રાયલ ફ્લાઈટ માટેનું બાયોફ્યુઅલ દેહરાદૂન સ્થિત CSIR-ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ દ્વારા ડેવલપ કરવામાં આવ્યું હતું. આ ફ્યુઅલ ફ્લાઈટ સેફ્ટી માટે યોગ્ય છે કે નહીં એની કડક રીતે ચકાસણી કરવામાં આવી હતી.
સ્પાઈસજેટનું કહેવું છે કે આજની ટેસ્ટ ફ્લાઈટમાં 75 ટકા એટીએફ અને 25 ટકા બાયોફ્યૂઅલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એટીએફની સરખામણીમાં, બાયોફ્યૂઅલનો ઉપયોગ કરવાનો ફાયદો એ છે કે એનાથી કાર્બનનો ફેલાવો ઘટે છે અને ઈંધણની બચત પણ થાય છે. બાયોફ્યૂઅલ જત્રોફા ખેતીથી બનાવવામાં આવ્યું છે.