ભમ્મરનું ચક્કર પડ્યું ઉલટું!

સૉશિયલ મિડિયા લોકો માટે મુક્ત મનાય છે, તેમાં કેટલાક અંશે સત્ય પણ છે. તેનો ઘણી વાર ગેરલાભ પણ ઉઠાવાય છે. તેનું ઉદાહરણ તાજેતરમાં સૉશિયલ મિડિયા પર બહુ ચાલેલો ટ્રેન્ડ ‘હેલો બ્રૉઝ’ (Halo Brows) છે. આ ટ્રેન્ડ બાબતે સૉશિયલ મિડિયા પરના લોકો વિભાજીત જોવા મળ્યા હતા.

બન્યું એવું કે બ્રિટિશ મેકઅપ ઇન્સ્ટાગ્રામર હાનાહ લીને (Hannah Lyne)એ તાજેતરના દિવસોમાં પોતાના બે ફોટા મૂક્યા હતા. હાનાહ હજુ તો ૧૬ વર્ષની જ છે. આ ફોટામાં તે તેના કપાળની વચ્ચે ધનુષની પણછ જેવી એક જ ભ્રમર સાથે દેખાય છે.

તેણે આ અંગે એવી સમજૂતી આપી કે ગયા મહિને એક ટ્રેન્ડ વાઇરસ થયો હતો. તેની ચર્ચા કરતી વખતે તે અને તેની બહેનપણીઓને વિચાર આવ્યો કે માછલીની પૂંછડી જેવી ભમ્મર રાખવી જોઈએ. આના પરિણામે સૉશિયલ મિડિયા પર આંખોના ઉલાળા એ રીતે ચાલુ થઈ ગયા જેમ આપણે ત્યાં પ્રિયા પ્રકાશ વરિયારના આંખના ઉલાળા વખતે બનેલું. કેટલાકને તે ગમ્યું, કેટલાકને નહીં.

હાનાહે પૉમેડ (વાળને ચમકદાર બનાવવા માટે વપરાતો પદાર્થ)ની મદદથી તેની બંને ભમ્મરને જોડી. તેનાથી એવો દેખાવ થયો કે તેની જાણે, એક જ ભમ્મર છે. લાંબી ભમ્મર. એક આંખ પરથી શરૂ થાય છે અને બીજી આંખ પર પૂરી થાય છે અને કપાળ પર તે વળાંક લે છે. તે તેની આ ખોટી ભમ્મરને વાસ્તવિક દેખાય તેવા પ્રયાસમાં સફળ રહી. હેલો (halo) એટલે પવિત્ર માણસના કપાળ પર આછું વર્તુળ દેખાય તે. તો હાનાહના કપાળ પર જે ભમ્મર બની તેનું નામ પડ્યું હેલો બ્રૉ.

આનો ઇન્સ્ટાગ્રામ પર પ્રતિસાદ મળવાનો જ હતો. કેટલાક વપરાશકારોને આ ડિઝાઇન બહુ જ ગમી. એક જણાએ લખ્યું, ‘I love it!’.  કેટલાકે તેને અલગ ગણાવી. તો એક જણાએ તો આગાહી જ કરી દીધી, ‘એક દિવસ શેરીઓમાં લોકો આવી ભમ્મરો સાથે ફરતા હશે.’ એક જણાએ તો સમય પણ આપી દીધો, ‘હું જોઈ રહ્યો છું કે ૩૦૧૮માં લોકો આવી ભમ્મર રાખતા હશે.’

અન્યોએ હાનાહની સર્જનાત્મકતાના વખાણ કરતી ટીપ્પણી કરી: ‘તારો દેખાવ ખરેખર મૌલિક છે. તારી પ્રતિભામાં રહેલી પ્રમાણિકતા અંતહીન છે!’

એક જણાને આશ્ચર્ય થયું, ‘તારા મગજમાં આવા વિચારો કઈ રીતે આવે છે? ખરેખર આ વિચાર ખૂબ જ સર્જનાત્મક છે અને તું તેને બહુ સારી રીતે કાર્યાન્વિત કરે છે. તું ખૂબ જ પ્રતિભાશાળી છો.’

અન્યો માટે, જોકે આ બહુ સારું કામ નહોતું.

કોઈએ ટ્વિટર પર લખ્યું, ‘આ એવું લાગે છે જાણે ચર્ચના સ્ટાફે એશ વેનસડે પર દારૂ પી લીધો હોય.’ તો કોઈએ લખ્યું, ‘કોઈક તબક્કે આપણે હવે અટકવાની જરૂર છે.’

એક ટ્વિટર વપરાશકારે લખ્યું, ‘હું જોઈ શકું છું કે તેને આ પ્રેરણા કયાંથી મળી?’ આમ લખીને સાથે તેણે બ્રિટનમાં આવતી ટેલિવિઝન શ્રેણી ટેલિટબીના ટિન્કી વિનકીનો ફોટો મૂક્યો જેમાં તેના માથે ત્રિકોણ હતો.

ઇન્સ્ટાગ્રામ પર કોઈકે હાનાહને સલાહ આપી, ‘મહેરબાની કરીને આવું ફરી નહીં કરતી’ તો અન્ય વપરાશકારે લખ્યું, ‘આ ખરેખર નકામી વસ્તુ છે. તેનાથી મને ઘૃણા આવે છે.’

હાનાહ જે ઇન્સ્ટાગ્રામ પર Hannahdoesmakeupp નામથી લખે છે, તેણે ભૂતકાળમાં પણ તેની ભમ્મર વિશે સર્જનાત્મકતા દાખવવાનો પ્રયાસ કર્યો છે. એક વખત તેણે બેવડી ભમ્મર રાખી હતી. તેમાં એકની ઉપર બીજી ભમ્મર હોય તેમ દેખાતું હતું. તો તેણે ઊંધી ભમ્મર પણ રાખી હતી. જેમાં અણી તેના ચહેરાની વચ્ચે જતી હતી.