21મી સદીને જ્ઞાન અને માહિતીની સદી કહેવામાં આવે છે. વર્તમાન સમયમાં આધુનિક ટકનોલોજી અને સોશિયલ મીડિયાનો વ્યાપ એટલો ઝડપથી વધ્યો છે કે, બહુ ઓછા સમયમાં અનેક લોકોના સંપર્કમાં પહોંચી શકાય છે. ફેસબુક, ટ્વીટર, વ્હોટ્સએપ અને બીજી ઘણીબધી સાઈટ્સના માધ્યમથી લોકો પોતાની અભિવ્યક્તિને અનેક લોકો સુધી સરળતાથી પહોંચાડી શકે છે. પરંતુ જેમ એક સિક્કાની બે બાજુ હોય છે તેમ સોશિયલ મીડિયાના પણ સારા-ખરાબ પરિબળો છે.
આપણે જાણીએ છીએ કે, વર્તમાનમાં જેટલો સમય વયસ્ક લોકો વાતચીતમાં પસાર કરે છે, એટલો સમય યુવાનો સોશિયલ મીડિયા પર એક્ટીવ રહેવાનું પસંદ કરે છે. સોશિયલ મીડિયાનો સકારાત્મક ઉપયોગ સારી વસ્તુઓ શીખવાડે છે. ઉપરાંત વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણું નવું નવું જાણી શકે છે. સોશિયલ મિડિયાના માધ્યમથી ન્યૂઝ, દુનિયામાં બનતા બનાવો, રાજકીય માહિતીની આપ-લે, સંદેશાની આપ-લે વિગેરે સરળતાથી કરીને તમે તમારી જાતને અપડેટ રાખી શકો છો, અને બીજાને પણ. સોશિયલ મીડિયાથી દુનિયા ખુબ નજીક આવી ગઈ છે.
યુનિવર્સિટી ઓફ કેન્સાસે એક રિસર્ચમાં જણાવ્યું છે કે, સોશિયલ મીડિયા વિદ્યાર્થીઓ માટે લાભદાયક છે. રિસર્ચમાં જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયામાં જોડાઈ રહેવાને કારણે અને એકબીજા સાથે વિચારોની આપ-લે કરવાને કારણે ઘણી સારી વાતો જાણી અને શીખી શકે છે. એટલું જ નહીં તેઓ ચર્ચા માટે પોતાની તર્કશક્તિનો વિકાસ કરી શકે છે.
જે વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા પર તર્ક-વિતર્ક કરે છે તેની તાર્કિક ક્ષમતા તેમના સહપાઠી વિદ્યાર્થીઓ કરતાં ઘણી વધારે હોવાનું પુરવાર થયું છે. રિસર્ચમાં પુરવાર થયું છે કે, વર્તમાન સમયમાં શિક્ષકો પણ વિદ્યાર્થીઓને ભણાવવા માટે સોશિયલ મીડિયાનો સહારો લે છે અને પોતાની જાતને અપડેટ રાખે છે.
ટેકનોલોજીનો સદુપયોગ કરો, ગુલામ ન બનો
ટેકનોલોજીના અતિરેકથી માનસિક અને શારીરિક નુકસાન થઈ શકે છે. જો મોબાઈલ અથવા સોશિયલ મીડિયાના અન્ય માધ્યમો તમારા મોટા ભાગના સમયનો વ્યય કરતા હોય અને જીવનમાં એ વસ્તુઓ જ તમારા માટે મહત્વની બની ગઈ હોય તો એ ચેતવણી છે કે, જીવનમાં કંઈક સારું નથી થઈ રહ્યું નથી.
ઘણા લોકો પોતાના રુમમાં પુરાઈને કલાકો સુધી એકલા કોમ્પ્યુટર, મોબાઈલ અથવા ટીવી સામે બેસી રહે છે. એનાથી તેઓને જરુરી શારીરિક કસરત મળતી નથી. જેથી બેઠાડુ જીવન તેમના માટે હૃદયની તકલીફો, ડાયાબિટીસ અને બીજી કોઈ મોટી બીમારી પણ નોતરી શકે છે.
સોશિયલ મીડિયાના કોઈપણ પ્લેટફોર્મનો વધુ પડતો ઉપયોગ બીજાં ઘણાં નકારાત્મક પરિણામ નોતરી શકે છે. જેમ કે તાજેતરનો એક અભ્યાસ જણાવે છે કે વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવો એ દારુ પીને ડ્રાઈવિંગ કરવા જેટલું જોખમી પુરવાર થાય છે. વાહન ચલાવતી વખતે ટેક્સ્ટ મેસેજ ટાઈપ કરવો જીવલેણ સાબિત થઈ શકે. એક સર્વેમાં જાણવા મળ્યું છે કે, 16થી 27 વર્ષના વય જૂથના વાહનચાલકોમાંથી આશરે 40 ટકા લોકો ડ્રાઈવિંગ કરતી વખતે મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે.
વર્તમાન સમયમાં મોટાભાગના બાળકો ટાઈમપાસ કરવા માટે ટીવી જોયા કરે છે અથવા કોમ્પ્યુટર અને ઈન્ટરનેટનો વપરાશ કરે છે. બાળકોએ વિવેકબુદ્ધિનો ઉપયોગ કરી આવી વસ્તુઓ સમજી વિચારીને વાપરતાં શીખવું જોઈએ, જેથી તેના ગેરફાયદાથી બચી શકાય. બાળકોના વાલીઓએ પણ તેને આમ કરવા માટે પ્રેરણા આપવી જોઈએ.
જોકે “અતિ સર્વત્ર વર્જ્યતે” એ સંસ્કૃત ઉક્તિ પ્રમાણે કોઈપણ વસ્તુનો તેની મર્યાદામાં રહીને ઉપયોગ થાય તો લાભ છે અને જો વધુ ઉપયોગ કરવામાં આવે તો નુકસાન નોતરે છે. જેથી કહી શકાય કે, વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાને અવગણી પણ શકાય નહીં અને અતિરેક પણ યોગ્ય નથી. સોશિયલ મિડિયાના વધુ પડતાં ઉપયોગ પછી તેની લત છોડાવવા માટે ક્યારેક મનોચિકિત્સકની પણ સલાહ લેવી પડે તેવી સ્થિત સર્જાય છે.
હવે તો તહેવાર અને વ્યવહાર પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જ ઉજવાઈ રહ્યા છે. હમણા જ દિવાળી ગઈ, દિવાળીની શુભેચ્છાના મોટાભાગના મેસેજ વ્હોટસઅપ પર જ આવ્યા. આપણને જાણે એમ લાગે કે, દિવાળીની ઉજવણી માત્ર સોશિયલ મીડિયા પુરતી મર્યાદિત રહી ગઈ છે. સોશિયલ મીડિયાને કારણે લાગણીના સંબધોને સ્થાન રહ્યું નથી. ખેર… સમય ખુબ આગળ નીકળી ગયો છે.
અહેવાલ- મંગલ પંડ્યા