હવેનો જમાનો વીઆરનો આવશે. તમે ઘણી બધી જગ્યાએ આ વાત સાંભળતા હશો. વર્ચ્યુઅલ રિયાલિટીની વાત તમે ક્યાંક ને ક્યાંક વાંચી હશે પરંતુ ભારતમાં હજુ તેનો એટલો પ્રવેશ નથી થયો. વર્ચ્યુઅલ રિયાલિટી એટલે તમે કોઈની સાથે વાત કરતા હો તો તે તમારી સામે જ હોય તેવો આભાસ થાય તે. ગુજરાતીમાં કહીએ તો આભાસી વાસ્તવિકતા.
પરંતુ થ્રીડીથી થોડી આગળ એવી આ ટૅક્નૉલૉજીની એક મર્યાદા અત્યાર સુધી હતી અને તે એ કે તેમાં તમે તમારી સામે કોઈ મીઠાઈ કે બીજી કોઈ ચીજ હોય તેને પકડવા માગતા હો, સ્પર્શ કરવા માગતા હો કે તે ચીજને ખસેડવા માગતા હો તો તેમ તમે કરી શકતા નહોતા.
હવે આની પણ સુવિધા આવી ગઈ છે. હવે તમે વર્ચ્યુઅલ રિયાલિટીમાં તમારી સામેની ચીજને સ્પર્શી શકશો, તેને પકડી શકશો. જ્યુરિચના ઇપીએફએલ અને ઇટીએચ ખાતેના વૈજ્ઞાનિકોએ સ્પર્શની અનુભૂતિ કરાવે તેવા-સ્પર્શક્ષમ હાથમોજાં બનાવ્યાં છે. તેને પહેરવાથી પહેરનારને આભાસી ચીજોને પકડવા,સ્પર્શવા અને તેને ખસેડવા જેવી અનુભૂતિ કરાવે છે. આ મોજાંની દરેક આંગળી આઠ ગ્રામથી ઓછા વજનની છે. તે ૨૦૦ વૉલ્ટ સાથે ૪૦ એનનું બળ ઉત્પન્ન કરે છે.
આ મોજાંનું નામ ડેક્સટ્રઇએસ (DextrES) રખાયું છે. તે માત્ર ૨ મિમી જાડા છે અને તે નાનકડી બેટરી પર ચાલશે. પરંતુ અત્યારે તેના માટે વીજળીના વાયર જરૂરી છે. ઇપીએફએલના અનુસાર, આ ઉપકરણ અદ્ભુત ચોકસાઈ અને હલનચલનની સ્વતંત્રતા આપે છે.
ઇપીએફએલના સૉફ્ટ ટ્રાન્સડ્યુસર્સ લેબૉરેટરી (એલએમટીએસ)ના વડા હર્બર્ટ શીએ કહ્યું કે “અમે એક એવું હળવું ઉપકરણ બનાવવા માગતા હતા જેમાં વજનદાર ઍક્ઝૉસ્કેલેટૉન, પમ્પ, કે જાડા વાયરની જરૂર ન પડે.” અત્યારે જાડાં વર્ચ્યુઅલ રિયાલિટી મોજાં આવે છે.
આથી મોજાંની સામગ્રી તરીકે નાયલૉનની પસંદગી કરાઈ. દરેક આંગળીમાં પાતળી ઇલાસ્ટિક મેટલ પટ્ટી રખાઈ જે ઇન્સ્યુલેટર દ્વારા અલગ પડે છે. જ્યારે કોઈ આભાસી ચીજ સાથે કોઈ ક્રિયા કરવા જાય છે ત્યારે મેટલ સ્ટ્રિપ વચ્ચેના કન્ટ્રૉલર દ્વારા એક વૉલ્ટેજ તફાવત લાગુ પડે છે. પરિણામે ઇલેક્ટ્રૉસ્ટેટિક આકર્ષણના કારણે સ્ટ્રિપ એકબીજા સાથે ચોંટી જાય છે. આનાથી આંગળી કે અંગૂઠાની હલનચલન અટકી જાય છે. વૉલ્ટેજ દૂર થાય ત્યારે મેટલ સ્ટ્રિપ સરળતાથી સરકે છે અને વપરાશકાર ફરી એક વાર તેની આંગળીઓ મુક્ત રીતે ફેરવી શકે છે.
આના પછી વધુ પરીક્ષણો કરી ડૅક્સ્ટ્રઇએસને વધુ સુવિધાજનક બનાવાશે. જ્યુરિચના ઇટીએચ ખાતેની ઍડ્વાન્સ્ડ ઇન્ટરેક્ટિવ ટૅક્નૉલૉજીના વડા ઑટ્મર હિલિજીસે કહ્યું કે માનવની સંવેદન પ્રણાલિ ખૂબ જ વિકસિત અને ખૂબ જ જટિલ છે. આપણી આંગળીઓના સાંધામાં ખૂબ જ ઉચ્ચ ઘનતાના અલગ-અલગ પ્રકારનાં રિસૅપ્ટર હોય છે જે ત્વચામાં જોડાયેલાં હોય છે. આથી કોઈ આભાસી ચીજ સાથે કોઈ ક્રિયા કરતી વખતે વાસ્તવિક અનુભૂતિ કરાવવી એ ખૂબ જ જટિલ સમસ્યા છે અને હાલમાં તે ઉકેલાઈ છે.