તરતાં ટાપુ આપશે ગરમી અને ઈંધણની સમસ્યામાંથી મુક્તિ!

માણસ સમસ્યા સર્જે છે અને પછી માણસ જ એ સમસ્યાનું નિરાકરણ પણ શોધે છે! આ જૂનો ક્રમ છે. પણ નવી સમસ્યા પ્રદૂષણની છે. તેને નિવારવી હોય તો કાર્બન ડાયૉક્સાઇડનું ઉત્પાદન કાં તો ઓછું કરવું પડે, કાં તો તેને બીજા કોઈ પદાર્થમાં રૂપાંતરણ કરવું પડે. પહેલા વિકલ્પ માટેના પ્રયાસો ચાલુ છે, પણ વાહનો, કારખાનાંઓ વગેરે અનેક રીતે અને હા, આપણે શ્વાસ છોડીએ છીએ તે રીતે પણ પ્રદૂષણ તો થાય જ છે. તો એ ઘટાડવાનું કેટલું બને? તો બીજા વિકલ્પ પર જવું પડે.

નૉર્વે અને સ્વિત્ઝર્લેન્ડના વૈજ્ઞાનિકોએ બીજા વિકલ્પમાં સારું કામ કર્યું છે. તેમણે કાર્બન ડાયૉક્સાઇડને મિથેનોલ નામના ઈંધણમાં ફેરવવાની સિદ્ધિ મેળવી છે. તેના માટે સૂરજદાદાની મદદ લીધી છે. બહુ તડકો, બહુ તડકો, બહુ તડકો…તેવી બૂમરાણ મચાવવાના બદલે પશ્ચિમી જગત પાસેથી શીખવું જોઈએ કે સમસ્યાને સમાધાનમાં કેવી રીતે બદલી શકાય. સૂર્ય કોષો (સોલાર સેલ)ની મદદથી તેમણે આ કામ કર્યાનો દાવો કર્યો છે.

પીએનએએસ એટલે કે પ્રૉસિડિંગ્સ ઑફ ધ નેશનલ એકેડેમી ઑફ સાયન્સીસમાં પ્રકાશિત એક પત્રમાં સોલાર મિથેનોલ આયલેન્ડની દરખાસ્ત આ વૈજ્ઞાનિકોએ મૂકી છે. લેખમાં તેમણે સ્વીકાર્યું છે કે અશ્મિઓના ઈંધણને બાળવાના કારણે જે કાર્બન ડાયૉક્સાઇડ ઉત્પન્ન થાય તે ઘટાડવું જરૂરી છે. તો જ પૃથ્વીનું તાપમાન ઘટશે. ગરમી ઘટશે. પરંતુ અત્યારે તો એવું દેખાય છે કે આવનારા થોડાં વર્ષો સુધી તો કાર્બન આધારિત પ્રવાહી ઈંધણ જ ઊર્જાનો અગત્યનો સ્રોત રહેશે. આથી તેમણે દરખાસ્ત કરી કે શા માટે આપણે પ્રવર્તમાન ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરીને સૌર ઊર્જાની મદદથી વાતાવરણમાં રહેલા કાર્બન ડાયૉક્સાઇડને જ પ્રવાહી ઈંધણમાં ન ફેરવી નાખીએ?

પત્રમાં સંશોધકોએ સૂચવ્યું કે જે રીતે તરતાં માછીમારીના ખેતરો હોય છે તેમ તરતા ટાપુઓ બનાવવા જોઈએ. તેમાં ફૉટો વૉલ્ટેઇક સેલનો ઉપયોગ કરવાનો. તે સૌર ઊર્જાને વીજળીમાં બદલી નાખશે. તેનાથી દરિયાના પાણીમાંથી હાઇડ્રૉજન ઉત્પાદિત થશે અને કાર્બન ડાયૉક્સાઇડ છૂટો પડશે. આ વાયુને પછી મિથેનોલમાં ફેરવી નાખવાનો. તેનો ઉપયોગ ઈંધણ તરીકે ઉપયોગ કરી શકાશે.

અભ્યાસના લેખક એન્ડ્રીયાસ બૉર્ગસ્કલે કહ્યું કે પુનઃઉત્પાદિત કરી શકાય તેવી ઊર્જા સાથે મુખ્ય સમસ્યા એ છે કે તેને મોટા પાયે અશ્મિ ઈંધણ સાથે સ્પર્ધાત્મક બનાવવી પડે. પુનઃઉત્પાદિત ઊર્જા હજુ વાસ્તવિક વિકલ્પ બની નથી. આ માટે અનેક અવધારણાઓ મૂકાઈ છે, પરંતુ ફળીભૂત થાય તેવો કોઈ વિકલ્પ મળ્યો નથી.

 

 

તેમણે કહ્યું કે જ્યારે નૉર્વેના સંશોધકોને સરકારે માછીમારી ખેતરોને ખુલ્લા દરિયામાં ધકેલવા કહ્યું ત્યારે સૂર્ય ટાપુનો વિચાર મગજમાં આવ્યો. આ ગ્રિડને તેની પોતાની ઊર્જાની જરૂર હતી. કેટલાક સમય પહેલાં ઊર્જા ઉત્પાદન કરતા ટાપુઓની દરખાસ્ત થઈ હતી. હવે જે બાકી હતું તે ઊર્જાનો સંગ્રહ કરવાનું બાકી હતું. જેની ઊંચાઈ સાત મીટર કરતાં ઓછી હોય, જ્યાં વાવાઝોડાની ઓછી સંભાવના હોય અને પાણીની ઊંડાઈ ૬૦૦ મીટર કરતાં ઓછી હોય તેવા માપદંડ જ્યાં પૂરા થતા હોય ત્યાં આવી ચીજો મૂકી શકાય. આવા વિસ્તારો દક્ષિણ-પૂર્વ એટલે કે અગ્નિ એશિયા, ઉત્તર ઑસ્ટ્રેલિયા અને અરબીગલ્ફમાં અનુકૂળ જણાયા. ટીમે કહ્યું કે આ પૈકી ૭૦ કૃત્રિમ ટાપુ એક ચોરસ કિલોમીટરના ક્ષેત્રફળમાં પથરાયેલો છે તે મળીને એક સુવિધા (ફેસિલિટી) બને છે.

ટીમનો અંદાજ છે કે ૩૨ લાખ તરતા ટાપુઓમાંથી મળતી ઉપજ અશ્મિ ઈંધણમાંથી નીકળતા પ્રદૂષિત વાયુઓને વટી જશે. આ દરખાસ્ત છે તો ઘણી મહત્ત્વાકાંક્ષી અને તેઓ તેના નમૂના બનાવી રહ્યા છે.

આમાં સૌથી મોટો પડકાર દરિયાના પાણીમાંથી કાર્બન ડાયૉક્સાઇડ બહાર કાઢવા માટે વિશાળ સંરચના (યંત્ર) બનાવવાનો છે. આખી પ્રણાલિની આ એક પ્રક્રિયા હજુ પૂરી રીતે વિકસાવી શકાય નથી. બીજી બધી તો ઉદ્યોગોમાં પ્રવર્તે જ છે. જોકે દુબઇ ઇલેક્ટ્રિસિટી એન્ડ વૉટર ઑથોરિટીએ જાહેરાત કરી છે કે તે પર્શિયન ખાડીમાં પુનઃઉત્પાદિત થઈ શકે તેવી ઊર્જાના તરતા પ્લાન્ટ વિકસાવવાનો વિચાર કરી રહ્યું છે અને આ માટે તેણે સલાહકારોની શોધ પણ આદરી છે. આશા રાખીએ કે નવો વિકલ્પ કાર્યરત્ બને જેથી પ્રદૂષણ પણ નિવારી શકાય અને ઈંધણની સમસ્યામાંથી પણ મુક્તિ મળે.