ફેસબુક વીપીએન ઍપ દ્વારા પ્રતિસ્પર્ધીઓ પર કરે છે જાસૂસી!

જો તમે ફેસબુક પર ઑનાવો વીપીએન ઍપનો ઉપયોગ કરતા હો તો સાવધ થઈ જજો. તે તમારા ડેટાને ચોરી શકે છે. તમારી જાસૂસી કરી શકે છે. બ્રિટનની એક કૉમન્સ કમિટીએ આ અંગે વિગતવારર અહેવાલ આપ્યો છે. સર્વપક્ષીય સભ્યોની બનેલી આ સમિતિએ કહ્યું છે કે ફેસબુકે તેની ઑનાવો વર્ચ્યૂઅલ પ્રાઇવેટ નેટવર્ક ઍપ દ્વારા પ્રતિસ્પર્ધકો વિશે માહિતી એકઠી કરી હતી.

સાંસદોનો દાવો છે કે ફેસબુકે આંતરરાષ્ટ્રીય રીતે ડેટા પ્રાઇવસી અને સ્પર્ધા વિરોધી કાયદાઓનો જાણી જોઈને ભંગ કર્યો છે. આ અહેવાલ ૧૦૦થી વધુ પાનાંઓનો છે. તેમાં ચૂંટણીઓમાં ફેસબુક પર ખોટા સમાચારના પ્રભાવની વિગત પણ આપેલી છે.

ડિજિટલ, કલ્ચરલ, મિડિયા અને સ્પૉર્ટ કમિટીએ લખ્યું છે કે ઑનાવોના ઉપયોગથી ફેસબુક તેના ગ્રાહકો તરફથી ઍપના વપરાશનો ડેટા એકત્ર કરી શકે છે, તેમાં કેટલા લોકોએ ઍપ ડાઉનલૉડ કરી તે જ વાત નથી આવતી, પરંતુ કેટલી વાર તેનો ઉપયોગ કર્યો તેની વાત પણ આવે છે. ઉલ્લેખનીય છે કે ઑનાવો વધુ સુરક્ષા આપવા માટે બનાવાઈ હોવાનો દાવો છે.

અહેવાલમાં જણાવાયું છે કે આ જાણકારીથી તેમને એ નક્કી કરવામાં મદદ મળી કે કઈ કંપની સારી કમાણી કરી રહી છે અને આ રીતે તેને સંભવિત સ્પર્ધકો અંગે અમૂલ્ય ડેટા મળી ગયો. તે પછી તેઓ તે કંપનીને ખરીદી શકે છે, અથવા જો તેમને પડકારરૂપ લાગે તો તેને બંધ કરાવી શકે છે

આ સમિતિ હવામાં વાત નથી કરતી. અહેવાલમાં એક આલેખ પણ આપ્યો છે જે ઑનાવોએ એકત્ર કરેલા ડેટાનું વિશ્લેષણ છે. તેમાં બતાવાયું છે કે ફેસબુકની માલિકી અને પ્રતિસ્પર્ધી સેવાઓ દ્વારા કેટલી વાર ઍપનો ઉપયોગ કરાયો. વર્ષ ૨૦૧૩માં ફેસબુકે પ્રતિસ્પર્ધી સ્નેપચેટને ૩ અબજ ડૉલરમાં ખરીદવા પ્રસ્તાવ કર્યો હતો. તેણે ઇન્સ્ટાગ્રામ ૧ અબજ ડૉલરમાં ખરીદી હતી. વર્ષ ૨૦૧૪માં તેણે વૉટ્સએપ ૧૯ અબજ ડૉલરમાં ખરીદી લીધી.

 

આ અહેવાલમાં એમ પણ દર્શાવાયું છે કે ફેસબુક તેની હરીફ કંપનીઓને તેની સેવાઓમાં પ્રવેશ બંધ કરી શકે છે. દા.ત. વર્ષ ૨૦૧૩માં ફેસબુકના સ્થાપક અને મુખ્ય કાર્યકારી માર્ક ઝુકરબર્ગને સૉશિયલ મિડિયા પ્રતિસ્પર્ધી કંપની ટ્વિટર દ્વારા વિને વિડિયો સર્વિસ શરૂ થવાની છે તેની માહિતી અપાઈ હતી. તેમને ઇ-મેઇલ દ્વારા માહિતી અપાઈ હતી કે ટ્વિટર વિનેના વપરાશકારોને ફેસબુક પર ફ્રેન્ડ શોધવાની છૂટ આપશે.

ઇ-મેઇલમાં લખાયું હતું કે “આપણે તેમના ફ્રેન્ડ્સનો એપીઆઈમાં પ્રવેશ આજે બંધ કરી દઈશું, સિવાય કે કોઈ વાંધો ઉઠાવે.” આ પગલાથી વિને વપરાશકારો તેમના ફેસબુક મિત્રોને વિને સર્વિસનું આમંત્રણ આપી ન શકે. ઝુકરબર્ગે શું કહ્યું? તેમણે હા પાડી દીધી!

અહેવાલ મુજબ, નવેમ્બર ૨૦૧૩ના રોજ, ફેસબુક પર ૫,૦૦૦થી વધુ ઍપ વ્હાઇટલિસ્ટ કરવામાં આવી અર્થાત્ તેઓ યુઝર ડેટા અને યુઝરના ફેસબુક ફ્રેન્ડના ડેટામાં વિશેષ પ્રવેશ મેળવી સકતી હતી. આ કંપનીઓમાં ‘લિફ્ટ’, ‘ઍરબીએનબી’ અને નેટફ્લિક્સ જેવી કંપનીઓનો સમાવેશ થતો હતો. આ ફેસબુકના આંતરિક ઇ-મેઇલમાં એવી ચર્ચા પણ થઈ હતી કે ફેસબુકના ડેટામાં કંપનીનો પ્રવેશ ચાલુ રહે તે માટે જાહેરખબર પર અઢી લાખ ડૉલરનો વાર્ષિક ખર્ચ જોડવો જોઈએ.

વર્ષ ૨૦૧૨માં ઝુકરબર્ગે ઇ-મેઇલમાં ફેસબુક એપ્લિકેશન ડેવલપરો વચ્ચે ડેટા લીક થવાના જોખમ અંગે સંદેહ વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું હતું કે “મને લાગે છે કે આપણે ડેવલપરોને ડેટા લીક કરીએ છીએ, પરંતુ મને નથી લાગતું કે એક ડેવલપરથી બીજા ડેવલપર વચ્ચે કોઈ ડેટા લીક થયો હોય કે તે આપણા માટે કોઈ ગંભીર મુદ્દો હોય.”

ગયા વર્ષે ફેસબુકને યુકેની ડેટા સુરક્ષા પર નજર રાખતી સંસ્થાએ કેમ્બ્રિજ એનાલિટિકા કૌભાંડમાં તેની ભૂમિકા માટે પાંચ લાખ પાઉન્ડનો દંડ ફટકાર્યો હતો. માહિતી આયોગના કાર્યાલયે કહ્યું કે સૉશિયલ મિડિયાની વિશાળકાય કંપની ફેસબુક ડેવલપરોને સ્પષ્ટ સંમતિ વગર વપરાશકારોના ડેટામાં પ્રવેશ આપે છે.

એક વ્યક્તિત્વ પ્રશ્નોત્તરી દ્વારા મેળવાયેલા યુઝર ટેડાનો ઉપયોગ કેમ્બ્રિજ એનાલિટિકાએ સંભવિત મતદારોની વિગતો મેળવવામાં કર્યો હતો.