રશિયાએ ૨૦૧૬ના વર્ષમાં અમેરિકાના પ્રમુખની ચૂંટણીમાં ગરબડ કરી એ હવે ઈ. સ. પૂર્વેની વાત જેવી થઈ ગઈ. રશિયાના હૅકરોએ સાઇબરસ્પેસના ત્રણ પરિમાણોને આવરી લીધા- શારીરિક, માહિતી સંબંધિત અને મગજ સંબંધિત. આમાંના પહેલાં બે તો જાણીતાં છે. વર્ષોથી હૅકરોએ કમ્પ્યૂટર અને નેટવર્કમાં અનધિકૃત પ્રવેશ મેળવવા શારીરિક એટલે કે હાર્ડવૅર અને સૉફ્ટવૅરની ત્રૂટિઓને શોધીને પોતાનું ગેરકાયદે કામ કર્યું છે. આમ કરીને તેમણે માહિતી ચોરી લીધી છે. ત્રીજું પરિમાણ જોકે નવું છે. તે ચિંતાજનક પણ છે.
અમેરિકાની નેશનલ ડિફેન્સ યુનિવર્સિટીના પ્રાધ્યાપક ડેન કુએહ્લનું માનવું છે કે આ ત્રીજું પરિમાણ જો સુરક્ષિત ન રહે તો ચિંતાજનક છે. આ પરિમાણનો ઉપયોગ લોકોની ધારણા બદલવા અને વિચારની પ્રક્રિયાનું સ્વરૂપ બદલવા કરી શકાય છે. રશિયાઈ લોકોએ આ જ તો કર્યું. તેમણે ઑનલાઇન સાધનોનો ઉપયોગ કરીને અમેરિકી લોકોની રાજકીય વિચારસરણીને બદલી નાખી અને આ રીતે તેઓ જેને સંભવતઃ મત આપવાના હતા તે પણ બદલી નાખ્યું. નિષ્ણાતો તો એવો ભય પણ સેવી રહ્યા છે કે ૨૦૧૮માં મધ્યસત્ર ચૂંટણી આવશે તેમાં પણ તેઓ આવું કરશે. ભારતમાં પણ તેઓ દખલ દેશે.
ઇન્ટરનેટ સાધનોનો ઉપયોગ જાસૂસી કરવા અને ખોટી માહિતી ફેલાવવા કરવો એ હવે યુદ્ધનું નવું શસ્ત્ર છે. હવે બૉમ્બ, મિસાઇલ કે બંદૂકથી યુદ્ધ થશે તે વાત ભૂલી જાવ. હવે આ રીતે ઇન્ટરનેટ દ્વારા જ યુદ્ધ થશે જેમાં નાગરિકોના મતોને બદલી શકાય છે.
જોકે આમાં નવી કોઈ વાત નથી તેમ પણ કેટલાક માને છે. પરંતુ હા, નવી વાત એ છે કે પહેલાં પણ લોકોના મગજ બદલવા મિડિયાનો ઉપયોગ કરાતો, પરંતુ હવે ઇન્ટરનેટ આવી જતાં સૉશિયલ મિડિયાએ તેનું સ્થાન લીધું છે. જોકે આ સાધન હવે બધાના હાથમાં છે. તેથી વિદેશી તાકાતો પણ તેનો ઉપયોગ કરી રહી છે. સરકાર પણ પોતાની વાત પહોંચાડવા તેની સહાય લઈ રહી છે તો વિપક્ષો પણ સૉશિયલ મિડિયાનો જબરદસ્ત ઉપયોગ કરી રહ્યા છે. આ વાતને ભારતના સંદર્ભમાં જ ન લેશો. બધા જ દેશની આ કહાણી છે.
૨,૪૦૦ વર્ષ પહેલાં ચીનના સૈનિક રણનીતિકાર અને તત્ત્વચિંતક સૂન ત્ઝુએ યુદ્ધનો સિદ્ધાંત વિકસાવ્યો હતો. તે મુજબ, દુશ્મનને લડાઈ વગર જ નબળો પાડી દો. આ માટે માહિતી, ખોટી માહિતી કે ખોટો પ્રચારનો ઉપયોગ કરો. ૧૯૮૪માં કેજીબી (રશિયાની જાસૂસી સંસ્થા)ના એક એજન્ટ જે અમેરિકામાં ઘૂસી ગયેલો તેણે આ રીતને લાંબા ગાળાની પ્રક્રિયા ગણાવી હતી. તેણે જે આગાહી કરી હતી તે અમેરિકામાં હવે થઈ રહ્યું છે. રશિયાએ રાજકીય કાર્યકરોને ઉત્તેજન આપવા ખોટાં સૉશિયલ મિડિયા ખાંતા ખોલ્યા. એક ખાતાએ એક લાખ અનુયાયીઓ (ફૉલોઅર)ને આકર્ષ્યા. વિચાર કરો! એક ખાતાંથી આટલી અસર પડી શકે. હેતુ એ હતો કે રિપબ્લિકન પક્ષની તરફેણમાં પ્રચાર કરવો. અને તેઓ આ હેતુમાં સફળ રહ્યા.
અને એટલે જ, તમારી પાસે કોઈ પણ માહિતી આવે તો દસ ગળણે ગાળી, ઠોકી-તપાસી, તેને આગળ વધારો. શું ખબર તમે પણ આવી વિદેશી તાકાતોના હાથા બની રહ્યા હો!