જરૂરિયાત છતાં અંગદાનનું પ્રમાણ ઓછું રહેવાના કારણો શું છે?

મુંબઈ: “જ્યારે આપણો દેશ ૨૦૪૭માં આઝાદીના ૧૦૦ વર્ષ મનાવતો હશે એ સમયે દેશમાં કોઈ પણ વ્યક્તિ અંગદાન ન મળવાને કારણે મૃત્યુને શરણ ન થાય એ અમારી સંસ્થાનું લક્ષ્ય છે.” આ શબ્દો છે ઓર્ગન ડૉનેશન માટે છેલ્લા ૨૦ વર્ષથી ભેખ લઈને કાર્યરત સુરતના નિલેશ માંડલેવાલાના. ગયા શનિવારે ૨૮ મી જૂને એઈડઝ કૉમ્બેટ ઈન્ટરનેશનલ (ACI), મીટ ઈન્ડિયા ફાઉન્ડેશન, શ્રી કાંદિવલી હિતવર્ધક મંડળ, પથદર્શક ચેરિટેબલ ટ્રસ્ટ અને પ્રગતિ મિત્ર મંડળ આ પાંચ સંસ્થાઓએ કાંદિવલી એજ્યુકેશન સોસાયટીના સહયોગથી કાંદિવલીની ટી પી. ભાટિયા કોલેજના પંચોલિયા હૉલમાં અંગદાન વિષે એક માર્ગદર્શક સેમિનારનું આયોજન કર્યું હતું. આ સેમિનારના મુખ્ય વક્તા સુરતની સંસ્થા “ડૉનેટ લાઈફ’ના સ્થાપક નિલેશ માંડલેવાલા હતા.કાર્યક્રમની શરૂઆત કે.ઈ.એસ. શ્રોફ કોલેજ ઑફ આર્ટસ એન્ડ કૉમર્સના પ્રિન્સિપલ લિલી ભૂષણે નિલેશભાઈ માંડલેવાલાને આવકાર આપીને કરી હતી. આ પ્રસંગે નિલેશભાઈના મુંબઈના સહયોગી પુરષોત્તમ પવાર પણ ઉપસ્થિત રહ્યા હતા, જેઓ મુંબઈમાં અંગદાન અને ખાસ કરીને આંખ અને ત્વચાના દાન સંબંધિત ઉમદા કાર્ય કરી રહ્યા છે. તેમણે આ પ્રસંગે કહ્યું હતું કે મૃત્યુ તો અનિવાર્ય છે. સૃષ્ટિનો દરેક જીવ મરીને કોઈ ને કોઈ રીતે કામ આવે જ છે પરંતુ ઈશ્વરની સર્વોત્તમ કૃત્તિ એવો મનુષ્ય પોતાના શરીરને મૃત્યુ પછી અગ્નિને અથવા માટીને સમર્પિત કરી દે છે. આ અણમોલ શરીરમાં ઈશ્વરદત્ત જે અણમોલ અંગો છે તે અંગદાનના માધ્યમથી અન્યોને નવું જીવન આપી શકે છે.નિલેશભાઈએ પોતાના વકતવ્યમાં કહયુ હતું કે, સમાજમાં નાની-મોટી દરેક વ્યક્તિને જીવવાનો અધિકાર છે. પૈસાને કારણે કોઈનું પણ ટ્રાન્સપ્લાન્ટ અટકવું ન જોઈએ એવો આ સંસ્થાનો હેતુ છે. ડૉનર અને રેસિપીયન્ટ બંને અમારે માટે મહત્વના છે. આ સંસ્થા કેવળ સમાજના લોકો પાસેથી જ અંગદાન કરાવે છે એવું નથી. ‘ડૉનેટ લાઈફ’ના અન્ય એક ટ્રસ્ટી પ્રકાશભાઈ પટેલે એમના કેનેડામાં મૃત્યુ પામેલા પુત્રના દેહને કેનેડાથી દેશમાં લાવીને મેડિકલના વિદ્યાર્થીઓના ઉપયોગમાં લાવી શકાય એ માટે પુત્રના દેહનુ દાન કર્યું હતું. નિલેશભાઈએ અંગદાનની સત્યઘટના પર આધારિત એક શોર્ટ ફિલ્મ ‘કાયા -ધ મિશન ઑફ લાઈફ’ અહી બતાવી હતી, જેમાં ૧૪ મહિનાના બાળકનું હ્રદય મુંબઈની સાડા ત્રણ વર્ષની બાળકીને નવજીવન આપી શક્યું હતું. આ ફિલ્મ કાર્યક્રમ દરમ્યાન બતાવવામાં આવી હતી. આ ફિલ્મ દરેક હાજર વ્યક્તિના હ્રદયને અને આંખોને ભિંજવી ગઈ હતી.ભારતમાં અંગદાન સાવ ઓછું કેમ?

નિલેશભાઇના કહેવાનુસાર બીજા દેશોની સરખામણીમાં આપણા દેશમાં ઓર્ગન ડૉનેશનની ટકાવારી ખૂબ જ ઓછી છે. સ્પેનમાં ૪૬%, અમેરિકામાં ૨૬%, સ્વીડનમાં ૧૫%, બ્રિટનમાં ૧૩% અને ૧૪૦ કરોડની આબાદીવાળા આપણા દેશમાં આ ટકાવારી કેવળ ૦.૮% જ છે. ૧૨ થી ૧૪ લાખ વ્યક્તિએ કેવળ એક જ વ્યક્તિ અંગદાન કરે છે. આપણે કમાયેલી, મેળવેલી સંપત્તિને યોગ્ય વારસદાર મળે એવી ગોઠવણ કરીએ છીએ, પરંતુ આપણી સૌથી અમૂલ્ય સંપત્તિ જે આપણુ ખુદનું શરીર છે અને તેમાં ઈશ્વરની અદભૂત કારીગરી એવા અમૂલ્ય અંગો છે તેને યોગ્ય વારસદાર મળે એવો વિચાર આપણને આવતો જ નથી. આવું થવાના કારણો સમજાવતા નિલેશભાઈ કહે છે કે લોકોમાં અમુક ડર છે, અજ્ઞાન છે, ધાર્મિક ગેરમાન્યતાઓ છે. ઘણાં કહે છે કે અંગદાન કરવા માટે તેમનો ધર્મ અનુમતિ આપતો નથી. જયારે કે કોઈ પણ ધર્મમાં અંગદાન માટે મનાઈ નથી.

આજે અંગદાનની વધુ જરૂર કેમ?
આપણા દેશમાં વાર્ષિક ધોરણે પાંચ લાખ વ્યક્તિઓનુ મૃત્યુ સમયસર અંગો ન મળી શકવાને કારણે થાય છે. આ સાથે પરિવારજનોને પણ તકલીફોનો સામનો કરવો પડે છે. વર્તમાનમાં દેશમાં ૨૦ લાખથી પણ અધિક કિડની ફેલ્યોરના દર્દીઓ છે. દરેક વર્ષે એમાં બે થી અઢી લાખ દર્દીઓની વૃદ્ધિ થાય છે. આ ઉપરાંત, લિવર, પેન્ક્રિયાઝ, હ્રદય, ફેફસાં અને નેત્ર સંબંધિત રોગોના દર્દીઓ પણ ખૂબ છે. આવા આંતરિક અવયવો ખોટકાય છે ત્યારે દર્દી તેમજ તેના પરિવારજનો માટે જીવન બેહાલ બને છે. આવા બધા દર્દીઓને નવજીવન આપી શકાય તે માટે બ્રેઇન ડેડ વ્યક્તિઓના અંગો જો મળી શકે તો જ આ ઉપાય શક્ય બની શકે છે.’બ્રેઇન-ડેડ એટલે શું?
આપણા શરીરમાં બે કેન્દ્ર છે બ્રેઇન અને હાર્ટ. આ બન્નેમાંથી એક પણ કેન્દ્ર જો બંધ પડી જાય તો વ્યક્તિ મૃત ઘોષિત થાય છે. અગાઉ ફક્ત હાર્ટ ફેઇલ થયું હોય એ વ્યક્તિને જ મૃત માનવામાં આવતી હતી પરંતુ હવે કાયદાઓમાં બદલાવો આવ્યા છે. હવે જે વ્યક્તિનું બ્રેઇન કામ કરતું બંધ થઈ જાય તેને પણ મૃત માનવામાં આવે છે. કોઈ અકસ્માતને કારણે માથામાં ગંભીર ઈજા થાય, બ્રેઇન સ્ટ્રોક કે હેમરેજને કારણે નાનું મગજ કામ કરતું બંધ થઈ જાય ત્યારે એને બ્રેઇન-ડેડ કહેવાય છે. બ્રેઇન-ડેડ વ્યક્તિના શરીરમાંથી કાઢેલા અવયવો ૫ થી ૮ વ્યક્તિને જીવનદાન આપી શકે છે.

ઓર્ગન ડૉનેશન બાબતે કાયદો શું કહે છે?
દેશમાં અંગ દાન સંબંધિત ૧૯૯૪ માં NOTTAનો કાયદો બન્યો અને ૨૦૧૧માં એમાં સુધારો કરીને હવે ટિશ્યૂનું પણ દાન કરી શકાય છે. બ્રેઇન ડેડ વ્યક્તિના સોલીડ ઓર્ગનસ્ જેવા કે કિડની, લિવર, હ્રદય, ફેફસા, આંતરડા, પેનક્રિયાસ, હાથ અને ટિશ્યૂ જેવા કે કોર્નિયા, ચામડી, હાડકાં, હ્રદયના વાલ્વનું દાન કરાવી શકાય છે. આપણા દેશમાં ઓર્ગન ડૉનેશન વિષે જાગૃતિ આણવાનું અને તેના વિતરણનું કામ નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન, (NOTTO) કરે છે, જે મિનિસ્ટ્રી ઑફ હેલ્થની નીચે આવે છે. દેશમાં પાંચ ROTTO છે એટલે રિજીયન ઓર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન અને ત્યાર બાદ SOTTO એટલે સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન. દેશભરમાં ઓર્ગન ડોનેશનની પ્રક્રિયા NOTTO, SOTTO અને ROTTO ના માધ્યમથી થાય છે. 

આ અવસરે કાંદિવલી હિતવર્ધક મંડળ હોસ્પિટલના CMO(ચીફ મેડિકલ ઓફિસર) ડો. નીતા સીંઘી, મંડળના પ્રેસિડન્ટ રજનીકાંત ઘેલાણી, વાઈસ પ્રેસિડન્ટ ભરત શાહ, મેનેજિંગ ટ્રસ્ટી વિનોદ વોરા પણ હાજર રહયા હતા. સ્કીન ડૉનેશનની પ્રવૃતિમાં સક્રિય એવા સન્ડે ફ્રેન્ડઝ નામની સંસ્થાના યોગેશ દોશી અને વિપુલ શાહ પણ ઉપસ્થિત હતા. નેત્ર દાન પર ટી. પી. ભાટિયા કોલેજના પ્રિન્સિપાલ સંગીતા શ્રીવાસ્તવના પિતા વી. પી શ્રીવાસ્તવ દ્વારા લિખિત ગીતની પ્રસ્તુતિ જયેશ આશરે કરી હતી. પંકજ કક્કડે પણ માનવતાને ઉજાગર કરતાં ગીતો જેવા કે ‘કિસી કી મુસ્કુરાહટો પે… જેવા ગીતોની સુંદર પ્રસ્તુતિ કરી હતી. ચેતન ગઢવીએ મેઘાણીની સુંદર રચના મોર બની થનગાટ કરે ગાઈને કાર્યક્રમનું સમાપન કર્યું હતું. કે.ઇ.એસ. કોલેજના સંખ્યાબંધ વિધાર્થીઓએ પણ આ સેમિનારમાં હાજર રહયા હતા.

(સોનલ કાંટાવાલા-મુંબઈ)