તુજ સંગ પ્રીત લગાઈ સોના…

સુવર્ણ પ્રત્યેની ભારતીયોની પ્રીતિ યુગોથી પ્રચલિત છે. ઋગ્વેદમાં કહ્યું છે કે સૃષ્ટિનું સર્જન હિરણ્ય (સુવર્ણ) ગર્ભમાંથી થયું છે, એટલે આ પ્રેમ આપણા DNAમાં છે. રાજા દુષ્યંતે શકુંતલાને નિશાની માટે પોતાની વીંટી આપેલી અર્થાત્ સુવર્ણ એ કાળે પણ વિશ્ર્વાસ અને પ્રતિબદ્ધતાનું પ્રતીક હતું. પરીક્ષિત રાજાના સોનાના મુગટમાંથી જ કળિયુગ આ જગતમાં પ્રવેશી શક્યો એમ કહ્યું છે. આમ સોનું સંસારની માયાનું પ્રતીક પણ છે.

એ.એલ. બશમે એમના પુસ્તક વન્ડર ધૅટ વૉઝ ઈન્ડિયામાં લખ્યું છે કે બુદ્ધના સમય પછી ભારતીય વેપારીઓ વિદેશી ધરતી તરફ વેપાર માટે વળ્યા અને તેજાના, રેશમની નિકાસ છેક રોમ સુધી કરતા તથા બદલામાં સોનું લઈ આવતા. એક સમયે રોમનું ઘણુંખરું સોનું ભારત પગ કરી ગયું ને ત્યાં તંગી ઊભી થઈ ત્યારે રોમના તત્કાલીન શાસકે આદેશ બહાર પાડ્યો હતો કે ભારતીયોને સોનું ન આપવું!

આજે 10 ગ્રામની સોનાની ચેન આશરે રૂપિયા એક લાખમાં પડે, જે મોટા ભાગના મધ્યમવર્ગી ભારતીયોની વાર્ષિક બચત જેટલી ગણાય. IIM-અમદાવાદના ઈન્ડિયા ગોલ્ડ પૉલિસી સેન્ટરે કરેલા સોનાના ગ્રાહકોના સર્વેક્ષણ મુજબ સોનાનો સૌથી મોટો ગ્રાહકવર્ગ રૂપિયા બે લાખથી રૂપિયા દસ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતો મધ્યમ વર્ગ છે. સોનાની કુલ ખરીદીમાં આ વર્ગનો 56 ટકાનો હિસ્સો છે. આ સર્વે ત્રણ વર્ષ પહેલાં થયો, એ પછી સોનાનો ભાવ ભારતમાં લગભગ બમણો થઈ ગયો છે, પણ ફૂગાવાને કારણે બચત બહુ વધી નથી એટલે રૂપિયા 90,000 પ્રતિ 10 ગ્રામના ભાવે મધ્યમ વર્ગનો સોનાની માગમાં પહેલાં જેટલો હિસ્સો જળવાઈ રહેશે કે કેમ એ પ્રશ્ન છે.

અલબત્ત, વરસોવરસથી જોવાતું આવે છે કે સોનાના ભાવ વધે અને ઊંચા ભાવે એ સ્થિર થાય પછી ફરી માગ નીકળે છે. આ વખતે પણ ઝવેરીઓ એવી આશા સાથે જ બેઠા છે, છતાં લંડનમાં હેડક્વાર્ટર ધરાવતી બુલિયન રિસર્ચ કંપની મેટલ ફોક્સના મુંબઈ સ્થિત પ્રિન્સિપલ કન્સલ્ટન્ટ ચિરાગ શેઠ કહે છે: ‘અત્યારના ઊંચા ભાવે સોનાની માગ પહેલાં જેવી રહે એ મુશ્કેલ છે, કારણ કે એ મધ્યમ વર્ગની પહોંચની બહાર જઈ રહ્યું છે. જો કે ઓછી શુદ્ધતા, જેમ કે 18 કૅરેટની જ્વેલરી કે ઓછા વજનનાં આભૂષણો અને રોકાણ માટે ગોલ્ડ કૉઈનનું ચલણ વધતું જોવા મળશે.’

આમ પણ હમણાં સામાન્ય જનને સોનું પરવડે એવી રેન્જમાં લાવવા માટે 18 કૅરેટ અને 14 કૅરેટના દાગીના બનાવવાનું ચલણ વધ્યું છે. એ ઉપરાંત, ઝવેરાત ઉદ્યોગે નવ કૅરેટના દાગીનાનું હોલમાર્કિંગ કરવાની સરકારને રજૂઆત કરી છે. નવ કૅરેટના દાગીના અત્યારના ભાવ કરતાં અડધા ભાવે મળી શકે. અલબત્ત, મોટા ભાગના દાગીના માટે હજી બાવીસ કૅરેટનું જ ચલણ જોવાય છે. ઓછી શુદ્ધતાનું સોનું સ્વીકારતાં ભારતીય ગ્રાહકોને સમય લાગશે. સોનાના ખૂબ ઊંચા ભાવે ગ્રાહકોમાં હાલ બે વલણ જોવામાં આવી રહ્યાં છે. એક, ઊંચા ભાવે જૂનું સોનું, સિક્કા-દાગીના વેચીને રોકડા ઊભા કરવા. છેલ્લા બે મહિનાથી સોનાની આયાત ઘટી છે, પરંતુ જૂના સોનાની સપ્લાય વધી હોવાથી એકંદરે વેપાર જળવાઈ રહ્યો છે.

બીજું, સોના સામે લોન લેવાનું વલણ પણ વધ્યું છે. નીચલો અને મધ્યમ વર્ગ નાણાંની જરૂરત સંતોષવા મોંઘવારીના સમયમાં સોનું ગિરવે મૂકીને લોન લેતો હોય છે. બૅન્કો સોનાની કિંમતના 75 ટકા અને ખાનગી ફાઈનાન્સ કંપનીઓ 65 ટકા લોન આપે છે. હવે અચાનક અને ઝડપથી ભાવ વધ્યા હોવાથી લોન લેનારો વર્ગ ગિરવે મૂકેલા સોના સામે વધુ લોનનો હકદાર બને છે અને એ વધારાની લોન મોટા ભાગના લોકો લઈ રહ્યા છે.

છેલ્લાં થોડાં વર્ષથી ડિજિટલ ગોલ્ડનું ચલણ પણ વધ્યું છે. 100 રૂપિયા જેટલી નાની રકમથી પેટીએમ-MMTC, ડિજિગોલ્ડ, ઓગ્મોન્ટ  સહિતની અનેક મોબાઈલ ઍપથી સોનું ખરીદી શકાય અને એ મોબાઈલ ઍપની કંપની એટલી રકમનું સોનું રોકાણકારના નામે થર્ડ પાર્ટી ટ્રસ્ટી કંપની પાસે જમા રાખે છે. ગોલ્ડ ઈ.ટી.એફ. આવી જ વ્યવસ્થા છે, પણ એ શૅરબજારમાં લિસ્ટેડ હોય છે એટલે એને સેબીનાં નિયમન લાગુ પડે છે. એમેઝોન, ફ્લિપકાર્ટ  જેવી ઈ-કૉમર્સ ઍપ મારફત ઘણી વખત સોના-ચાંદીના સિક્કા અમુક બૅન્કોનાં ક્રેડિટ કાર્ડથી ખરીદો તો 10 ટકા જેટલું ડિસ્કાઉન્ટ મળે છે. આ રીતે ખરીદી સસ્તી પડે છે.

અલબત્ત, અત્યારે બદલાતાં વહેણ વચ્ચે મૂળ પ્રશ્ન એ છે કે આટલા ઊંચા ભાવે સોનું ખરીદી શકાય? ઊંચા ભાવને કારણે સોના-ચાંદીની ચમક ઝાંખી પડશે?

આ બાબતે સોના-ચાંદીની બજારના અને માગ-પુરવઠા, તેજી-મંદીની સાઈકલો જોનારા અભ્યાસુઓ કહે છે કે દરેક ભાવે સોનું લેવાય, કારણ કે ફુગાવો-મોંઘવારી વધે એની સામે સોનું રક્ષણ આપે છે.

છેલ્લાં 100 વર્ષના સોનાના ભાવોનો અભ્યાસ કરતાં જણાય છે કે સોનામાં એક દાયકો તેજીનો, પછીનો દાયકો મંદી અને ત્યાર બાદ ભાવની સ્થિરતા, એ રીતે સાઈકલ ફરે છે. સપ્ટેમ્બર, 2001માં અમેરિકાના ટ્વિન ટાવર પરના ત્રાસવાદી હુમલા પહેલાં સોનાના જે ભાવ હતા એ 10 વર્ષમાં 10 ગણા વધી ગયા. 2011 પછી ભાવમાં કડાકો બોલાયો, જેની 2017-18 પછી કળ વળી અને ભાવ સુધર્યા. છેલ્લાં 100 વર્ષની તેજી-મંદીનાં વલણ યથાવત્ રહે તો 21મી સદીનો ત્રીજો-વર્તમાન દાયકો તેજીનો છે એમ કહી શકાય. સોના સાથે ચાંદીના ભાવ વધે જ છે અને ચાંદીના ભાવવધારાની ગતિ પણ સોના કરતાં ઝડપી હોય છે એટલે ચાંદીમાં પણ તેજી રહેશે.

આર્થિક સંકટો, મંદી, ફૂગાવો, રાજકીય ઊથલપાથલ સોના માટે બહુ અનુકૂળ તેજી તરફી પરિબળો છે. દરેક દેશની રિઝર્વ બૅન્કો જેવી સેન્ટ્રલ બૅન્કો એમની કરન્સીને ટેકો આપવા સોનું જમા કરી રહી છે. સહુથી વધુ સોનું અમેરિકાના રિઝર્વ ફેડરલ  પાસે છે અને રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયા  આ યાદીમાં નવમા સ્થાને છે.

આગામી વલણ વિશે અમેરિકાના નિષ્ણાત સલાહકાર અને પ્રતિષ્ઠિત અરોરા રિપોર્ટના લેખક નિગમ અરોરા પ્રિયદર્શિનીને કહે છે: ‘3000 ડૉલર પ્રતિ ઔંસના ભાવે સોનું ટેક્ધિકલી ઓવર સોલ્ડ છે (એટલે વેપારીઓ નફો બુક કરે એવી સંભાવના છે), પરંતુ સાથે-સાથે સોનાની તેજીને ટેકો આપનારાં પણ અનેક પરિબળો મોજૂદ છે, જેમ કે અમેરિકાની ટેરિફ પૉલિસી. ઘટી રહેલો ડૉલર અને અમેરિકામાં વ્યાજદર ઘટવાની સંભાવના તેમ જ અમેરિકામાં આર્થિક મંદીની દહેશત સોનાના ભાવો વધવાતરફી રાખશે.’

ટ્રમ્પ વહીવટી તંત્ર સોના-ચાંદીની આયાત ડ્યુટી વધારે એવા ભયથી બે-ત્રણ સપ્તાહથી દુનિયાભરમાંથી સોનું અને ચાંદી અમેરિકામાં ભેગાં કરાય છે. સોનાના આંતરરાષ્ટ્રીય ભાવોનું સીધું પ્રતિબિંબ ભારતીય બજારો પર પડે છે એટલે અહીં એકંદરે તેજી ચાલુ રહેશે. જો કે રોકાણકારે યાદ રાખવું પડે કે સોનાને સલામતી, મોંઘવારી સામે રક્ષણ, સંકટ સમયની સાંકળ ગણીને એમાં ઈન્વેસ્ટ કરો તો એ કોઈ પણ ભાવે સલામત છે, પરંતુ થોડું થોડું સોનું લેવું. ઊંચા ભાવે રોકાણ માટે સાવચેતી રાખવી.

ગરીબોનું સોનું કહેવાતી ચાંદી હજી ચમકશે…

સોનાની તેજી સાથે ચાંદીનો ભાવ પણ કિલોદીઠ રૂપિયા એક લાખને પાર કરી ગયો છે. યાદ રહે, હજી જુલાઈ, 2024માં સોના-ચાંદીની આયાત જકાત 15 ટકાથી ઘટાડીને 6 ટકા કર્યા પછીની આ સ્થિતિ છે, નહીં તો આજે સોનાનો ભાવ રૂપિયા એક લાખ પ્રતિ 10 ગ્રામ અને ચાંદીનો રૂપિયા 1.10 લાખ જેટલો હોત.

ચાંદીનો ભારતમાં વધુ વપરાશ આભૂષણો અને વાસણો બનાવવા માટે થાય છે, પરંતુ હવે સૌરઊર્જાની વધતી માગને કારણે એની પૅનલ બનાવવા માટે ચાંદીનો વપરાશ વધી રહ્યો છે.

હાલ રૂપિયા એક લાખના ભાવે પણ કોઈ જૂની ચાંદી કે વાસણો વેચીને રોકડું કરી લેવા ઈચ્છતું નથી, કારણ કે 2010થી ભારતીય વેપારીઓ અને ચાંદીના રોકાણકારો એક કિલોનો ચાંદીનો ભાવ એક લાખ રૂપિયા આવે એની રાહ જુએ છે. 2011માં રૂપિયા 70 હજારની ઉપર ભાવ આવ્યો અને પછી કડાકો બોલી ગયો. એ વખતે ચાંદીના આંતરરાષ્ટ્રીય ભાવ પણ ઔંસદીઠ 49 ડૉલર થયેલા, જ્યારે આજે 34 ડૉલર જ છે. આ સામે 2011માં સોનું ઔંસદીઠ 2000 ડૉલર થયેલું, એ અત્યારે 14 વર્ષ પછી 3000 ડૉલર થયું છે. ચાંદીના દેશના સૌથી મોટા આયાતકાર અને વેપારી આમ્રપાલી-ગુજરાતના CEO ચિરાગ ઠક્કર જણાવે છે કે ચાંદીમાં તેજી બરકરાર રહેશે. જો ભાવ થોડો પણ નીચે આવ્યો તો ઘણી લેવાલી નીકળશે. ટેક્ધિકલ નિર્દેશાંકો પણ તેજી સૂચવે છે. 34 ડૉલરથી ઉપર 38, 42 અને 52 ડૉલર પ્રતિ ઔંસ ભાવ થઈ શકે એટલે રૂપિયા દોઢ લાખ પ્રતિ કિલોનો ભાવ પણ સંભવ છે.’

સોનાની તુલનાએ ચાંદીના ઉત્પાદન અને વપરાશમાં મોટો ફરક છે. સોનું ખાણમાંથી કાચા સોના રૂપે મળે, જ્યારે ચાંદીની ખાણ હોય. ઉપરાંત જસત જેવી ધાતુઓમાં મિશ્રિત સ્વરૂપે પણ નીકળે, જેને રિફાઈન કરીને જસત અને ચાંદી જુદી પાડવામાં આવે છે. આભૂષણો અને વાસણોમાં વપરાતી ચાંદીમાં મિશ્રણ બહુ જ થતું આવ્યું છે. સોનામાં હોલમાર્કિંગ ફરજિયાત થયા બાદ ગ્રાહકોની સોનાની શુદ્ધતા પ્રત્યે વિશ્ર્વસનીયતા વધી છે. જ્યારે ચાંદીની શુદ્ધતા સામે પ્રશ્ન છે. આજે પણ ચાંદીનાં વાસણો કે આભૂષણોમાં 25થી 50 ટકા સુધીનું મિશ્રણ મળશે. આ સમસ્યાના હલ માટે ચાંદીમાં ફરજિયાત હોલમાર્કિંગ કરવા માટે વેપાર-ઉદ્યોગે એક અવાજે કેન્દ્ર સરકારને ભલામણ કરી છે. જેનો સરકારે સૈદ્ધાંતિક સ્વીકાર કરી લીધો હોવાનું ઉદ્યોગવર્તુળો જણાવે છે.

ચાંદીમાં તેજી ચાલુ રહેવા માટે વધી રહેલી માગ મુખ્ય પરિબળ છે. ભારતમાં અત્યારે ચાંદીની માગ ઊંચા ભાવને કારણે સીમિત છે, પરંતુ સોનું પણ મોંઘું થયું હોવાથી નવી નવી જ્વેલરી પહેરવા ઈચ્છતી નવી પેઢી પણ ચાંદીનાં આભૂષણો તરફ વળી રહી છે.

(રાજેશ ભાયાણી-મુંબઈ)

(તસવીરો: મલબાર ગોલ્ડ ડાયમંડ્સ)