100 વર્ષની વયે પોતાના ત્રણ પુસ્તકો (ઉદરિય શ્વસન, ચાલો વૃદ્ધાવસ્થાને આવકારીએ, સમી સાંજનો સ્મરણ ફેરો) વિશે ખૂબ ઉત્સાહ અને ઉમંગથી વાતો કરતા હરતી-ફરતી પ્રેરણાની પાઠશાળા જેવા ધીરુભાઈ નાયકની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
જન્મ મોસાળમાં, ગડત(ગણદેવી)માં, નાનીમા વજીયાબા પાસે મોટા થયા અને તેમના સંસ્કારો મેળવ્યા. વજીયાબા સોશિયલ-વર્કર અને બહેનોની ડિલિવરી કરાવે. એકલી રહેતી અસહાય બહેનોને વારે-તહેવારે યથાશક્તિ મદદરૂપ પણ થાય.
પિતાજીને ખેતી હતી. ચાર ભાઈ-બહેનનું કુટુંબ. મેટ્રિક ગણદેવીમાં કર્યું. આગળ અભ્યાસ માટે વડોદરા આવ્યા. ભણવામાં હોશિયાર એટલે વડોદરાના રાજા સયાજીરાવ પાસેથી સ્કોલરશીપ મળી. યુનિવર્સિટીમાં પહેલા આવ્યા અને VJTI માંથી B.Text કર્યું. નોકરીની શોધમાં અમદાવાદ આવી કસ્તુરભાઈને મળ્યા અને છેક સુધી તેમની સાથે કામ કર્યું. તેમની કારકિર્દી દરમિયાન તેમણે વિક્રમ સારાભાઈ તથા લીલાવતીબેન સાથે પણ કામ કર્યું. ટેક્સટાઇલ એસોસિએશન ઓફ ઇન્ડીયાએ તેમને ભીષ્મપિતામહ એવોર્ડ (એટલે લાઈફ-ટાઈમ-એચિવમેન્ટ એવોર્ડ) આપ્યો છે.
નિવૃત્તિની પ્રવૃત્તિ :
વહેલી સવારે ચાર વાગે ઊઠે. પ્રાર્થના અને પ્રાણાયામ લગભગ એક કલાક કરે. પછી ચા-પાણી પીએ. પાડોશીઓ, મિત્રો, અન્ય લોકો મળવા આવે તેમની સાથે પ્રેમથી વાતો કરે.
12:00 વાગે જમે પછી આરામ. ત્યારબાદ બપોરે ટપાલ જુએ, સમાચાર રેડિયો પર સાંભળે. મેડીટેશન કરે. મા-બાપ અને ગુરુજીને યાદ કરે. આધ્યાત્મમાં ઊંડા ઉતરેલા છે, અને ગીતા તેમનું પ્રિય પુસ્તક છે. તેમની સાથે તેમના જૂના સાથી કીર્તિભાઈ રહે છે અને તેમને સાથ આપે છે.
શોખના વિષયો :
આધ્યાત્મનું વાંચન, ચિંતન અને શ્રવણ. ‘પર્પઝ ઓફ લાઇફ’ શું છે તે વિચારે. પુસ્તકો વાંચે અને લેખક સાથે વાત પણ કરે! વાંચવાનું ગમે અને વંચાય નહીં તો કોઈને બોલાવી પુસ્તકો વંચાવે. ખાવા અને ખવડાવવાનો શોખ. પત્નીનું દસ વર્ષ પહેલા અવસાન થયું. ક્રિકેટનો શોખ, કોમેન્ટ્રી સાંભળે મિત્રો સાથે મેચ જુએ પણ ખરા. મુસાફરીનો શોખ હતો. કામ માટે દેશ-પરદેશ ઘણું ફર્યા છે. સ્વીઝરલેન્ડ, ઇંગ્લેન્ડ, જર્મની, ફ્રાન્સ, હંગેરી અને યુરોપ આખું. સંગીત ગમે અને સાઇગલ તેમના પ્રિય ગાયક.
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
પ્રાણાયામને લીધે તબિયત સારી છે. ભાગ્યે જ માંદા પડ્યા છે. કાયમ સ્વસ્થ રહે છે, સોશિયલી એક્ટિવ છે, ફોનથી કનેક્ટેડ રહે છે. યાદશક્તિ ઘણી સારી છે, ફોટોગ્રાફિક મેમરી! હમણાં જોવામાં ઘણી તકલીફ પડે છે અને વિઝન ઓછું થઈ ગયું છે. જોકે ત્રણ-ચાર મહિના પહેલા જ પુત્ર સાથે અંબાજી જઈ આવ્યા!
યાદગાર પ્રસંગ:
વિજય મર્ચન્ટ તેમના મિત્ર બની ગયા હતા. ટેક્સટાઇલ એસોસિએશનના પ્રેસિડેન્ટ હતા તે વખતે તેમણે ‘વેન ટુ રીટાયર’ વિશે ભાષણ આપ્યું હતું અને કહ્યું હતું કે મારે ‘રનિંગ બિટવિન ધ વિકેટ્સ’ મરવું છે! હંગેરી જઈને ઘણી બધી શોધખોળ પછી તેમણે બનાવેલું લોકભોગ્ય રૂબિયા-વાયલ આજે પણ વપરાશમાં છે. ધીરુભાઈને મિલમાં નોકરી. કોઈ કારણોસર એક ભૈયાને તેમણે ડિસમિસ કર્યો. બીજે દિવસે લોકો ભેગા થઈ તેમને મારવા આવ્યા, પણ ખિસ્સામાંથી તેમણે હીંમતભેર રિવોલ્વર કાઢી તો બધા ભાગેડું માણસો ભાગી ગયા!
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
પોતે ટેકનોલોજીના જ માણસ છે એટલે તેમના મતે ટેકનોલોજી તો સારી જ છે. તેઓ પોતે પણ ડેટા પ્રોસેસિંગ વિશે જાણતા અને વાપરતા. અત્યારે મોબાઇલનો થોડો ઘણો ઉપયોગ કરે છે.
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
અત્યારે એજ્યુકેશન ઘણું વધી ગયું છે, નોકરી માટે તકો ઘણી સારી છે. બધાને વ્હાઈટ કોલર જોબ અથવા સરકારી નોકરી જોઈએ છે, કામ ઓછું કરવું છે અને પગાર સારો જોઈએ છે! પહેલા આટલું બધું ભણતર હતું નહીં અને આટલી તકો હતી નહીં.
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
તેમને બે પુત્રો છે, બંને ડોક્ટર છે, અમેરિકામાં રહે છે. બે પૌત્ર-પૌત્રી અને પાંચ પ્રપૌત્ર-પ્રપૌત્રી છે. તેઓ દાદા-દાદી સાથે વેકેશનમાં ભારત રહેવા અને ફરવા આવે, રેગ્યુલર ફોન પર વાત કરે. ધીરુભાઈ USA જાય તો કાયમ યુવાનો ભાષણ આપવા તેમને આમંત્રણ આપે. તેઓ યુવાનોને મળે, પડોશના યુવાનોને પણ મળવાનું થાય, યુવાનો ખાસ તેમને મળવા પણ આવે. આજના યુવાનો હોશિયાર છે પણ તેમને માર્ગદર્શનની ઘણી જરૂર છે.
સંદેશો :
યુવાનો માટે: અભ્યાસ ઉપર ધ્યાન આપો, નવું નવું જાણવા માટે અભ્યાસ કરો, નોકરી મેળવવા માટે નહીં. જે શરૂ કરો તે વસ્તુ ચાલુ રાખો, અધવચ્ચેથી તેને છોડો નહીં.