ચામડીના રોગોની ચિકિત્સા પધ્ધતિઓમાં પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કરનાર ગુજરાતના પ્રથમ ડૉ. અરુણભાઈ અમીનની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
તેમનો જન્મ અમદાવાદમાં, આકાશેઠ કૂવાની પોળમાં. પિતા ડોક્ટર હતા. તેઓ ત્રણ ભાઈઓ, ત્રણે ડોક્ટર હતા. તેમને બે મોટી બહેનો હતી. સુખી કુટુંબ. અરુણભાઈના મોટાભાઈ બી.જે.મેડીકલ કોલેજના ડીન હતા તથા કોલેજમાં ફિઝિઓલોજી ભણાવતા હતા. અરુણભાઈની શાળાનો અભ્યાસ ન્યુ હાઈસ્કુલમાં થયો. આર.એચ.કાપડિયા સાહેબના તેઓ પ્રિય-શિષ્ય હતા. બે વર્ષ એમ.જી.સાયન્સ કોલેજમાં ભણી આગળ મેડીકલ કોલેજમાં અભ્યાસ કર્યો. વી.એસ. હોસ્પિટલમાં 30 વર્ષથી વધુ કામ કર્યું. તેઓ સમયના એટલા આગ્રહી કે તેમને આવતા જોઈ લોકો ઘડિયાળનો સમય ગોઠવે! અમેરિકન એકેડેમી ઓફ ડરમેટોલોજીએ તેમને હુમેનેટેરિયન એવોર્ડ આપ્યો છે! ઘરમાં વાતાવરણ જ એવું કે મેડીકલનો અભ્યાસ લોહીમાં! આજે પણ અરુણભાઈના પિતાની પાંચમી પેઢી સુધી ઘરમાં ડોક્ટરી ચાલુ છે!
નિવૃત્તિની પ્રવૃત્તિ :
2020 સુધી, એટલે કે કોરોના સુધી પોતાની પ્રાઈવેટ પ્રેક્ટીસ ચાલુ હતી. સ્પાઈનલ-સ્ટેનોસીસને કારણે ક્લિનિકના 40 પગથિયાં ચડવાની મુશ્કેલી પડતી એટલે તે બંધ કરી, પણ કોઈ દર્દી ઘરે આવે તો જરૂર તેને તપાસતા. અરુણભાઈએ પોતાના પિતાની શિખામણ (દર્દી એટલે ભગવાન!) બરાબર ગાંઠે બાંધી લીધી હતી. અત્યારે સવારે સાત વાગે ઊઠે, ચા-નાસ્તો કરી ગાર્ડનમાં થોડું ચાલે. પછી છાપા વાંચે. સુડોકુ અને ક્રોસ-વર્ડ કરવા ગમે. સ્પાઈનલ-સ્ટેનોસીસની તકલીફ છે એટલે ફીઝીઓથેરાપીસ્ટ નિયમિત કસરત કરાવવા આવે છે. બપોરે જમીને આરામ કરે. ઊઠીને પત્ની પૂર્ણિમાબહેન સાથે થોડી રમત-ગમત ચાલે. પત્ની પૂર્ણિમાબહેનનો સંપૂર્ણ સહકાર. ઘરની અને બાળકોની બધી જવાબદારી તેમણે ઉપાડી લીધી છે!
શોખના વિષયો :
કુટુંબ, દર્દીઓ અને મિત્રોમાં તેમની આખી દુનિયા સમાઈ જાય! બંને દીકરા અમેરિકા રહે છે એટલે વર્ષના 6 મહિના તેઓ અમેરિકા જ હોય! બંને વહુઓ (ઉલ્પા અને પીન્કી) દીકરીની જેમ જ તેમનું ધ્યાન રાખે છે. ફરવાનો શોખ ખરો. યુરોપ, અમેરિકા સાથે ઘણા દેશોનો પ્રવાસ કર્યો છે. સ્કુલમાં ક્રિકેટ સારું રમતા, પણ અભ્યાસ પર અસર ન થાય એટલે ક્રિકેટ છોડ્યું. આજે પણ ટીવી પર ક્રિકેટ-મેચ જોવી ગમે. ટીવી પર KBC જોવું પણ ગમે. રાસ-ગરબાનો ભારે શોખ. આજના દિવસે પણ મિત્રો સાથે રાસની રંગત જમાવી દે!
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
તબિયત સારી છે. સ્પાઈનલ-સ્ટેનોસીસની અસર છે. અમેરિકામાં તેની સારવાર કરાવી છે. પોતાનું બધું કામ જાતે કરી શકે છે. અરે, મિત્રો સાથે રાસ-ગરબા પણ રમી શકે છે! ફીઝીઓથેરાપીસ્ટ નિયમિત કસરત કરાવવા આવે છે.
યાદગાર પ્રસંગ:
1977માં અમદાવાદમાં યોજાયેલ ઓલ-ઇન્ડિયા-ડરમેટોલોજીસ્ટની કોન્ફરન્સમાં તેમનું સંચાલન હતું. પ્રમાણિકતા અને યોગ્ય વહીવટને કારણે સરસ વ્યવસ્થા સચવાઈ અને તે પણ ઓછા ખર્ચમાં. ભાગ્યે જ થાય એવું કામ તેમણે કર્યું : કોન્ફરન્સમાં ભાગ લેનાર બધાંને રજીસ્ટ્રેશન ફી પછી મોકલી આપી! એકવાર તેમના એક મિત્રનો પોતાના સંબંધીની ભલામણ કરતો ફોન આવ્યો. અરુણભાઈ દર્દીને ઘેર ગયા, સગાં-સંબંધીઓએ તો આશા મૂકી દીધી હતી. અરુણભાઈએ જરૂરી દવાઓ આપી સારવાર શરુ કરી. ‘ત્રણ દિવસ નીકળી જશે તો ચિંતા નથી’ એવું તેમનું માનવું હતું. દર્દી જોતજોતામાં સાજો થઇ ગયો અને વીસ વર્ષે પોતાના દીકરાના લગ્નની કંકોત્રી આપવા આવ્યો!
નવી-ટેકનોલોજી કેટલી વાપરો છો?:
શરૂઆતમાં કોમ્પ્યુટરનો ઘણો ઉપયોગ કર્યો. ડરમેટોલોજીને લગતા પ્રોગ્રામ જાતે બનાવતા. સ્પાઈનલ-સ્ટેનોસીસને લીધે હવે બેસીને કામ થતું નથી, પણ નવી ટેકનોલોજી માટે એકદમ પોઝીટીવ છે.
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
ત્યારે અને અત્યારે બાળકોનો ઉછેર અલગ રીતે થાય છે એટલે ફરક તો રહેવાનો! આપણે તે સ્વીકારવું પડે. પહેલા ગામડેથી લોકો શહેરમાં આવતાં, હવે દેશમાંથી યુવાનો પરદેશ જાય છે. આમાં કશું ખોટું નથી.
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
તેમને બે પુત્રો, બે વહુઓ, બે પૌત્ર, ત્રણ પૌત્રી તથા પાંચ પ્રપૌત્ર-પ્રપૌત્રી છે. બધાં બાળકો સરસ ગુજરાતી બોલી શકે છે. બાળકો તેમની અમેરિકા આવવાની આતુરતાથી રાહ જુએ. યુવાનો સાથે તેમને સારું ફાવે છે. આજનાં યુવાનો આપણા જેટલાં હાર્ડવર્કિંગ નહીં. ‘ખાઓ, પીઓ અને મઝા કરો’માં માને!
સંદેશો :
મહેનતનો વિકલ્પ એટલે વધુ મહેનત! બાળપણથી સારી ટેવો પાડો અને સારા મિત્રો બનાવો. કાયમ નવું-નવું શીખતા રહો. જે મળે તે સ્વીકારી લો. ઈમાનદારીથી કામ કરશો તો સુખી થશો.