82 વર્ષની ઉંમરે 42 વર્ષની ગૃહિણી જેટલી સ્ફૂર્તિ ધરાવનાર ભદ્રાબહેન સોમાણીની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
જન્મ અને બાળપણ જૂનાગઢમાં. ચાર ભાઈ-પાંચ બહેનોનો પરિવાર. પિતા રેલવેમાં ઓડિટર હતા, ટ્રાન્સફરેબલ નોકરી એટલે ભદ્રાબહેનનો અભ્યાસ જૂનાગઢ, ભાવનગર અને વરતેજમાં થયો. તેમની પાંચ વર્ષની ઉંમરે માતા કેન્સરની બીમારીમાં અવસાન પામ્યાં. મોટી બહેનોએ તેમનું ધ્યાન રાખ્યું. તેમને આછું-આછું યાદ છે કે બાળપણમાં માતાની ગેરહાજરીમાં પિતા તેમને બહુ લાડ લડાવતા. 19 વર્ષની ઉંમરે એસ.એસ.સી. પાસ કર્યા પછી લગ્ન થયું અને અમદાવાદ આવી લગ્ન પછી કોલેજ કરી. થોડો સમય સંયુક્ત કુટુંબમાં રહ્યાં. ભણેલો-ગણેલો પરિવાર છે. બે પુત્રો છે. પતિ અને એક પુત્ર CA, બીજો પુત્ર આર્કિટેક્ટ. બંને પુત્રવધૂઓ સરસ ભણેલી છે. બંને પુત્રો- પુત્રવધૂઓ અને પૌત્ર-પૌત્રી, બધાં વર્કિંગ પ્રોફેશનલ્સ છે! તેઓ મોટા દીકરા સાથે અમદાવાદ રહે છે અને અવારનવાર નાના દીકરાને ઘરે વડોદરા આવજા કરે છે. બંને પુત્ર-પુત્રવધૂઓ સાથે સારું ફાવે.
નિવૃત્તિની પ્રવૃત્તિ :
સવારે 6:30 વાગે ઊઠે. ચા-પાણી કરે, થોડું રસોડાનું કામ કરે. નાહી-ધોઈને અડધો કલાક માળા ફેરવે. પુત્ર, પુત્રવધૂ અને પૌત્ર સાથે નાસ્તો કરે. નવ વાગે પુત્ર-પુત્રવધૂ કામે નીકળી જાય. પછી નોકર આવે એટલે ઘરનાં કામકાજમાં તેને ગાઈડ કરે. એક વાગે જમે, બપોરે થોડો આરામ કરે. છાપું વાંચે. સાડા ત્રણ-ચાર વાગે ચા-પાણી કરી સાંજની રસોઈ કરવા બહેન આવે તેની પાસે રસોઈ કરાવે. થોડું ઘરકામ કરે, મિત્રો અને સગાં-સબંધીઓને ફોન કરે. સાંજે સાડા-સાતે જમ્યા પછી ટીવી જુએ. સોશિયલ છે, મહેમાનો આવે તે બહુ ગમે. ઘરમાં અવરજવર સારી રહે છે. કામકાજ પરવારી રાત્રે 10:30-11:00 વાગે સુઈ જાય.
શોખના વિષયો :
ભરત-ગુંથણનો ઘણો શોખ, સીવણકામ પણ બહુ ગમતું. જો કે થોડા વખતથી ભરત-ગુંથણ-સીવણકામ છોડી દીધું છે. કલા-કારીગીરીમાં રસ. રસોઈ કરવી તથા મિત્રો અને સગાં-સંબંધીઓને જમાડવું ગમે. જાતજાતના મુખવાસ બનાવવાની સારી આવડત.
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
એકવડો બાંધો અને ઓછું વજન એટલે તબિયત એકંદરે સારી છે, કાયમ સ્ફૂર્તિમાં રહે છે. ઘણા સમયથી કેલ્શિયમ-વિટામીન-બીપીની ગોળીઓ લે છે, પણ કોઈ મોટી બીમારી નથી. અન્નનળી સાંકડી છે, ઓપરેશન કરી થોડી મોટી કરાવી હતી, પણ જલ્દી ખવાય નહીં અને દવાની મોટી ગોળીઓ ગળાય નહીં.
યાદગાર પ્રસંગ:
બાળપણમાં તેઓ જૂનાગઢ રેલવે-કોલોનીમાં રહેતાં ત્યારે પાડોશી ઠક્કરકાકા તેમને રોજ રમાડે. ઠક્કરકાકાને બીડી પીવાની આદત. નાની ભદ્રા તેમને રોજ બીડી પીતા જુએ. એકવાર રમતાં-રમતાં ભદ્રાએ ઠક્કરકાકાના ખિસ્સામાંથી બીડી કાઢી લીધી અને કાકાની સ્ટાઈલમાં બીડી પીધી! પછી શું થયું હશે તેની તો કલ્પના જ કરવાની!
માતાની ગેરહાજરીમાં 12 વર્ષની ઉંમરે પપ્પા અને ભાઈ સાથે મળીને બધું ઘરકામ કરતાં તે તેમને યાદ છે. એક જ અઠવાડિયાની તૈયારીમાં, પિતરાઈ-બહેનના દિયર સાથે, ઘર-આંગણે લગ્ન થયા હતા. જાનમાં ફક્ત પાંચ જણ આવ્યા હતા તે કેવી રીતે ભૂલાય!
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
ઘરમાં બધાં ટેકનો-સેવી છે, પણ ભદ્રાબહેન જાતે નવી ટેકનોલોજીનો ઉપયોગ ઓછો કરે છે. મોબાઇલ પર પોતાની જરૂરિયાત જેટલું કામ કરી લે.
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
ઘણા બધા ફેરફાર થઈ ગયા છે, પણ તેમને બધું સ્વીકાર્ય છે! તેઓ કોલેજ જતાં ત્યારે ઘરનું બધું કામ કરીને જતાં. પૈસાની તકલીફને લીધે હાથ કાયમ ખેંચમાં રહેતો. આવક ઓછી, બચત બિલકુલ નહીં. કુટુંબનો અને મોટાઓનો સપોર્ટ એટલે તે સમય નીકળી ગયો! હવે પૈસાની કોઈ તકલીફ નથી, ઘરમાં બધાં જ એક્ટિવ છે અને સરસ કમાય છે!
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
કુટુંબના યુવાનોને વારે-તહેવારે મળવાનું થાય. દીકરા-વહુના અને પૌત્ર-પૌત્રીનાં મિત્રો સાથે પણ હળવા-મળવાનું ગમે. નાતના મહિલા-મંડળમાં એક્ટિવ છે એટલે ત્યાં પણ ઘણાં યુવાનોને મળવાનું થાય. પૌત્રી સોલો-ટ્રાવેલર છે, એકલી-એકલી આખી દુનિયામાં ફરે છે, પોતાની જાતને સારી રીતે સંભાળી લે છે પણ તેમને ડર રહે છે! આજના ઘણા યુવાનો બહુ રિસ્પોન્સિબલ હોય છે અને પોતાનું કામ જાતે ફોડી લે છે. બાળકો વાહન ઝડપથી ચલાવે તે એમને ગમતું નથી.
સંદેશો :
કુટુંબના સુખ જેવું મોટું સુખ કોઈ નથી. સૌ-સૌની રીતે રહે તે યોગ્ય છે. હળીમળીને, સંપીને રહે એટલે બસ! જરૂર પડે ત્યારે એકબીજાને કામ લાગે તેવી કુટુંબ-ભાવના આજનાં યુવાનોમાં પણ વિકસે તેવી ઈચ્છા ખરી!