દાડમની ખેતીમાં મોરબીનો ડંકો, સૌરાષ્ટ્રનો પ્રથમ જિલ્લો બન્યો

રાજકોટ: મોરબી એક એવું શહેર છે જે જળ હોનારત, ભૂકંપ જેવી અનેક કુદરતી આફતોમાં મોટી ખુવારી વેઠ્યા બાદ ફરી ખુમારીથી બેઠું થયું છે. આ ધરતીના લોકો વિનાશ જોયા બાદ હિંમત હાર્યા વિના કંઈક નવું કરીને દુનિયાને પોતાની તાકાતનો પરિચય આપે છે. એક સમયે મોરબી જિલ્લાના ખેડૂતો કપાસ, ઘઉં, ચણા જેવા પરંપરાગત પાક જ લેતા હતા. હળવદ પંથકની જમીન તો એક સમયે ઉજ્જડ હતી. સિંચાઈની પૂરતી સુવિધાના અભાવે કેટલાંક ખેડૂતો પાક લઈ શકતા નહોતા. પરંતુ છેલ્લાં થોડાં સમયથી નર્મદાનું પાણી મળતું થયું અને પ્રગતિશીલ ખેડૂતોએ આધુનિક પદ્ધતિથી બાગાયતી ખેતી શરૂ કરીને ક્રાંતિ કરી છે. આજે દાડમની ખેતીમાં મોરબી જિલ્લાએ સૌરાષ્ટ્રમાં પ્રથમ અને ગુજરાતમાં ત્રીજું સ્થાન મેળવી લીધું છે.ગુજરાતનો ખેડૂત ખેતીમાં સતત પરિવર્તન લાવીને પોતાની આવક વધારવા મહેનત કરી રહ્યો છે. ગુજરાત સરકાર પણ આધુનિક ખેતીને પ્રોત્સાહન આપી રહી છે. ખાસ કરીને બાગાયતી ખેતીના વિકાસમાં સરકાર વધુ રસ લઈ રહી છે. કૃષિ મંત્રાલયે ૧૯૯૧થી અલગ બાગાયતી વિભાગની રચના પણ કરી છે, જે અંતર્ગત અનેક યોજના જાહેર કરવામાં આવી છે.

આજે ગુજરાતમાં આશરે 23 લાખ હેક્ટર જમીનમાં બાગાયતી પાક લેવાય છે. ફળો અને શાકભાજીનાં વાવેતર હેઠળનો વિસ્તાર સતત વધે એ માટે ખેડૂતોને તાલીમ પણ અપાય છે. વાવેતરથી લઈને બજારમાં વેચવા લાવવા સુધીની વ્યવસ્થા માટેના ખર્ચમાં સબસિડી રૂપે આર્થિક સહાય અપાય છે, જેનું સારું પરિણામ પણ મળી રહ્યું છે.મોરબી અલગ જિલ્લો બન્યો ત્યારથી 4500 હેક્ટરમાં દાડમની ખેતી થાય છે. હળવદ તાલુકામાં 3800 હેક્ટરમાં દાડમનો પાક લેવામાં આવે છે. વાર્ષિક આશરે 50 હજાર ટન દાડમ મોરબી જિલ્લામાં પાકે છે. કચ્છ અને બનાસકાંઠા બાદ મોરબી જિલ્લો દાડમના ઉત્પાદનમાં ત્રીજો છે. કચ્છ અને બનાસકાંઠાની જેમ હળવદ પંથકનું સૂકું હવામાન દાડમના પાકને અનુકૂળ છે. રાજકોટ, જામનગર જિલ્લામાં પણ દાડમની ખેતી છૂટીછવાયી થાય છે, પણ હળવદ જિલ્લો એક પોકેટ તરીકે ઊભરી રહ્યો છે. અહીં ઈશ્વરનગર, જૂના દેવળિયા, રણમલપુર, ધણાદ સહિતનાં ગામોના ખેડૂતોએ દાડમની ખેતી અપનાવીને આવકને બમણી કરી છે.કોઈ પણ નવા પાકમાં ઉત્પાદન મળે પછી એના વેચાણની સમસ્યા મોટી હોય છે, પરંતુ મોરબી જિલ્લામાં દાડમનો પાક તૈયાર થાય એટલે મોટા વેપારીઓ સીધા ખેતરે આવીને ભાવ નક્કી કરીને માલ લઈ જાય છે. કેટલાંક ખેડૂતો માલનું સોર્ટિંગ અને પૅકિંગ પણ વાડીએ જ કરે છે. એટલું જ નહીં, હળવદ આસપાસ પાંચ ખાનગી માર્કેટ યાર્ડ ઊભાં કરવામાં આવ્યાં છે. ખેડૂતો આ યાર્ડમાં જઈને સરળતાથી દાડમ સહિતના પાકો વેચે છે. જાણીને નવાઈ લાગશે કે મોરબી જિલ્લામાંથી દિલ્હી, બેંગલુરુ, હૈદરાબાદ, મુંબઈ, લખનઉ સહિતનાં શહેરોમાં દાડમ જાય છે. જ્યારે સંયુક્ત આરબ અમીરાત (UAE), મલયેશિયા, બાંગ્લાદેશ, નેપાળ સહિતના દેશોમાં મોરબી પંથકનાં દાડમની નિકાસ કરવામાં આવી રહી છે.

ઈશ્વરનગર ગામના યુવા ખેડૂત ભરત માકાસણાએ એમ.બી.એ.નો અભ્યાસ છોડીને વતનમાં દાડમની ખેતી શરૂ કરી છે. એ ચિત્રલેખાને કહે છે, “અમારા વડીલો કપાસ, મગફળી, ચણા, ઘઉં જેવા પરંપરાગત પાક લેતા હતા. પણ હવે નવા વિચારો સાથે આધુનિક ખેતી કરવામાં આવે તો ખૂબ સારાં પરિણામ મળે છે. મેં એક દસકા પહેલાં 16 વીઘાં જમીનમાં દાડમની ખેતી ચાલુ કરી હતી, આજે 65 વીઘાંમાં દાડમ છે. દાડમના રોપા આણંદથી લાવીને રોપ્યા છે. વાર્ષિક 150 ટન જેટલું ઉત્પાદન મળે છે. હાલ ભાવ પણ સારા એટલે કે કિલોના 100થી 120 રૂપિયા મળે છે.’

આ યુવા ખેડૂત ઉમેરે છે કે દાડમની ખેતી થકી વર્ષે અંદાજે 60 લાખ રૂપિયાની ઊપજ થાય છે. રોપણીના વર્ષે છોડ નાનો હોય ત્યારે મિશ્ર પાક તરીકે કપાસ કે મગફળી લઈ શકાય છે. જેથી ખેડૂતને એક વર્ષ માટે ડબલ ફાયદો મળે છે. ગુજરાત સરકાર બાગાયતી ખેતીમાં રોપા, ડ્રીપ ઈરિગેશન અને મિનિ ટ્રૅક્ટર ખરીદવા સબસિડી આપે છે. હળવદ પંથકના વધુ ને વધુ ખેડૂતો દાડમ તરફ વળી રહ્યા છે. નર્મદાનું પાણી મળ્યા બાદ દાડમની ખેતીએ આ વિસ્તારની આર્થિક સિકલ બદલી નાખી છે.

આ જ ગામના અન્ય ખેડૂત પ્રફુલ્લભાઈ રાજપરા ચિત્રલેખાને કહે છે: ‘મારી 90 વીઘાં જમીનમાંથી 45 વીઘાંમાં દાડમની ખેતી કરું છું. થોડાં વર્ષ અગાઉ સ્થાનિક બાગાયતી અધિકારી અમને મુંબઈમાં બાગાયત કૃષિના એક સેમિનારમાં ભાગ લેવા લઈ ગયા હતા. ત્યાં દાડમની ખેતી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દાડમની ખેતી માટે અનુકૂળ હવામાન હોવાથી અમે એ તરફ વળ્યા. આજે એનાં ખૂબ સારાં પરિણામો મળ્યાં છે. સારું ચોમાસું અને વાતાવરણ અનુકૂળ રહે તો વર્ષે મને 70 થી 80 લાખ રૂપિયાની આવક થાય છે. અહીંના દાડમની ગુણવત્તા સારી હોવાથી બાંગ્લાદેશ, નેપાળ સહિતના દેશોમાં નિકાસ થાય છે. સ્થાનિક મજૂરોને પણ સારી રોજગારી મળી રહી છે.’બાગાયતી ખેતીને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકાર અમુક યોજના હેઠળ ખેડૂતોને મદદ કરી રહી છે. કૃષિ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ કહે છે: ‘ગુજરાતનો ખેડૂત આજે અનેક ફળફળાદી-શાકભાજીનો પાક લેતો થયો છે. ગુજરાતમાં ગુણકારી દાડમના પાકનું વાવેતર સતત વધી રહ્યું છે. દાડમના પાકમાં સામાન્ય કૅટેગરી, અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના ખેડૂતને એના ખર્ચના પંચાવન ટકાથી 75 ટકા લેખે પ્રતિ હેક્ટર સહાય ચૂકવવામાં આવે છે. આ સહાય ત્રણ વર્ષમાં તબક્કાવાર ચૂકવવામાં આવે છે. વધુમાં વધુ ચાર હેક્ટરની મર્યાદામાં પ્રતિ લાભાર્થીને સહાય ચૂકવવામાં આવે છે. આ સહાયને કારણે ખેડૂતો વધુ આવક મેળવે એવો હેતુ છે.’મોરબી જિલ્લાના મદદનીશ બાગાયતી અધિકારી બ્રિજેશ જેઠલોજા કહે છે, ‘દાડમને ગોરાડું અને મધ્યમ કાંપની જમીન તથા સૂકું હવામાન અનુકૂળ આવે છે, જે મોરબી જિલ્લામાં હળવદ અને આસપાસના પંથકમાં છે. ખેડૂતોને દાડમની ખેતીમાં એક હેક્ટરદીઠ એક લાખનો અંદાજિત ખર્ચ ગણીને એમને સબસિડી રૂપે સરકાર ચુકવણું કરે છે. એ ઉપરાંત, ખેડૂતોને તાલીમ અને રોપા મેળવવા માટે વિભાગ દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે.’

(દેવેન્દ્ર જાની – રાજકોટ)