નોટઆઉટ@81: મહેન્દ્રભાઈ શાહ,

એકવડું ઊંચું શરીર, ઘઉં-વરણો વાન અને મુખ પર પ્રમાણિકતાની ખુમારી સાથે સવાર સવારમાં લાંબા ડગલાં ભરી ઉતાવળી ચાલે ચાલતા કોઈ  વરિષ્ઠને મેડીલીંક હોસ્પિટલ પાસે જુઓ તો તે ૮૧ વર્ષના શ્રી મહેન્દ્રભાઈ શાહ હશે! જન્મ પેટલાદમાં. બે ભાઈ, બે બહેનનું કુટુંબ, પણ તેઓ મોટા થયા અમદાવાદમાં, મોસાળની જાહોજલાલીમાં! અમદાવાદમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાંથી એસ.એસ.સી.અને સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી બી.એસ.સી. ભણ્યા. અમેરિકામાં યુનિવર્સીટી ઓફ ડેટ્રોઈટમાં કેમિકલ એન્જિનિયરિંગ ભણવા ગયા. પરંતુ અભ્યાસ પૂરો થાય તે પહેલા જ કૌટુંબિક પ્રશ્નોને લીધે પાછા આવવું પડ્યું.

તેમની સાથેની વાતચીતનો એક્સ-રે :

અમેરિકાથી પાછા આવીને પાંચ વર્ષ એક ખાનગી કંપનીમાં કામ કર્યું. ત્યાર બાદ ગુજરાત સ્ટેટ ઇન્ડસ્ટ્રિયલ કોર્પોરેશનમાં ૨૫ વર્ષ કામ કરી સંસ્થાના જનરલ મેનેજરની ઊંચી પોસ્ટ સુધી પહોંચ્યા. કામ સારું અને પોતે પ્રામાણિક એટલે પ્રમોશન સરસ મળ્યાં. પણ આખા-બોલા સ્વભાવને લીધે દુશ્મનો વધતા ગયા! ૫૬ વર્ષની વયે તેમને બોકારો ટ્રાન્સફર કરવામાં આવ્યા. દીકરીના લગ્ન લીધા હતા એટલે વીઆરએસ લઈ લીધો. જોકે ઉપરી અધિકારીઓએ તેમના કામની ઘણી કદર કરી હતી. ઘણા ઓફિસરોને  સુપરસીડ કરીને તેમને પ્રમોશન આપ્યું હતું. પીગ આયર્ન પ્લાન્ટની સ્ટડી માટે બે વાર તેમને બ્રાઝિલ પણ મોકલ્યા હતા.

નિવૃત્તિની પ્રવૃત્તિ :

ત્રણ-ચાર સામાજિક સંસ્થાઓમાં કાર્યરત છે. સિનિયર સિટીઝન ગ્રુપમાં સેક્રેટરી તરીકે સેવા આપે છે. પરિમલ ગાર્ડન બેન્કર ગ્રુપમાં અને વાનપ્રસ્થ પરિવારમાં એક્ટીવ સભ્ય છે. તેઓ જે સોસાયટીમાં રહે છે તે સોસાયટીમાં વર્ષો સુધી ચેરમેન તરીકે માનદ સેવા આપી છે.

સ્ત્રીઓના વિકાસ માટે વિશેષ જાગૃત છે. બિલકુલ શંકા વિનાનો સ્વભાવ છે. પત્ની બેંક ઓફ બરોડામાં કામ કરતાં. પત્નીની બેન્કની જોબ ચાલુ રહી શકે તે માટે કુટુંબમાં અને સમાજમાં વડીલોના મીઠા વિરોધનો સામનો કર્યો. દીકરીઓનો સરખો ઉછેર થાય તે માટે પત્નીને મોરલ સપોર્ટ આપવાની સાથે-સાથે, પોતાની ઉચ્ચ પદવીની નોકરીનો છોછ રાખ્યા વગર ગૃહકાર્યમાં મદદ કરતા.

ખાસ બીમારી આવી નથી. બંને પગના ઓપરેશન 17 વર્ષ પહેલાં કરેલાં, પરંતુ હજુ સુધી નિયમિત ચાલવાનું, સામાન્ય કસરતો અને હેલ્દી ખોરાકને લીધે તબિયત ઘણી જ સારી છે. ફરવાનો ઘણો શોખ છે. દેશ અને વિદેશમાં ઘણું ફર્યા છે અને સંજોગો અનુકૂળ થાય તો હજુ પણ પ્રવાસ કરવા છે! ભારત દેશ આખો ફરી લીધો છે. કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી ભુવનેશ્વર  સુધી! ચારધામ યાત્રા પણ માણી છે! વિદેશમાં અમેરિકા, ઇંગ્લેન્ડ, સિંગાપુર, બેંગકોક, જાપાન, દુબઈ, બ્રાઝિલ સહિતની મોટાભાગની દુનિયા જોયેલી છે.

ખાવા-પીવાનો અને ખવડાવવાનો ઘણો શોખ. મિત્રો સાથે હોટલોમાં જવાનો પણ શોખ. પત્નીને ગમે એટલે મિત્રોને બોલાવે, જાતે રસોઈ કરતા આવડે નહીં. માત્ર ચા બનાવી શકે! કોઈ પણ ધર્મનાં મંદિરોમાં દર્શન કરવા ગમે. પત્તા રમવાનો ( તીન-પત્તી) ચસકો ખરો!

નવી ટેકનોલોજીનો ઉપયોગ :

તેઓ નવી ટેકનોલોજીનો ઉપયોગ બિલકુલ  નહીંવત કરે છે. બંને દીકરીઓ નવી ટેકનોલોજીમાં જ ભણી છે પણ તેઓ મોબાઈલ, વોટ્સેપ, ઈમેલ જેવા સામાન્ય ઉપયોગ સિવાય ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરતા નથી. તેમના મતે નવી ટેકનોલોજીના ફાયદા ઘણા છે. મેડિકલ સાયન્સમાં નવી ટેકનોલોજીથી ઘણી પ્રગતિ થઈ છે. આમ તો કોઈ ગેરફાયદા નથી પરંતુ યુવાનો મોબાઇલનો મિસ-યુઝ કરે છે. ભારત જેવા ગરીબ દેશ માટે ટેકનોલોજીને લીધે મજૂરોનો અને લેબરનો ઉપયોગ ઓછો થઈ રહ્યો છે એટલે ગરીબી અને બેરોજગારીના પ્રશ્નો વધુ થઈ રહ્યા છે.

આજની પેઢી સાથે સંકળાયેલા છો? : 

ભણીગણીને મોટી દિકરી અમેરિકામાં સ્થાયી થઈ છે. નાની દિકરી નજીકમાં જ રહે છે. ગિફ્ટ સિટીમાં ઘણી મોટી પોસ્ટ પર કામ કરે છે. તેનો દીકરો બારમા ધોરણમાં ભણે છે. પૌત્ર-પૌત્રીઓ સાથે સારો મનમેળાપ છે. અને એટલે એમનાં કિશોર અને યુવાન મિત્રો સાથે રોજિંદા ટચમાં છે.

યુવાનો માટે સંદેશ :

ભણતર મેળવો પણ સાથે-સાથે મા-બાપની સેવા કરજો. આજકાલના મા-બાપ જ બાળકોને શીખવતાં નથી કે વડીલોની કેવી રીતે આમન્યા રાખવી, તો તેઓ વડીલોની સેવા કેવી રીતે કરશે? તેમનું માન કેવી રીતે સાચવશે? જો બાળકો દાદા-દાદી સાથે ઉછરશે તો ધીરજ, શાંતિ, માનસિક સ્થિરતા સહજ રીતે તેમનામાં આવશે.

(દર્શા કીકાણી)