ભારતમાં અનેક ગામડાઓ છે એમાં કોઈ નવી વાત નથી, પરંતુ રાજસ્થાનમાં જયપુર પાસે એક એવું ગામ છે જેના વિશે જાણીને તમને નવાઈ લાગશે. એટલા માટે કે, આ ગામમાં કોઇ લોકો રહેતા નથી, પણ હાથી રહે છે!
હા, ખાસ હાથીઓને રહેવા માટે આ ગામ બનાવવામાં આવ્યું છે, જે હાથીગાંવ તરીકે ઓળખાય છે. જયપુરના પ્રખ્યાત આમેર મહેલથી દોઢેક કિલોમીટરના અંતરે આ ‘હાથીગાંવ’નું નિર્માણ કરવામાં આવ્યું છે. ગામમાં હાથીઓને રહેવા માટે અલગ અલગ એપાર્ટમેન્ટ્સ સહિત વિવિધ સુવિધાઓ પણ છે!
આમેર કિલ્લા પાસે આવેલા આ પર્યટક સ્થળમાં હાથીની સવારી એક મહત્વની પ્રવૃત્તિ ગણવામાં આવે છે. તેથી હાથીઓની સુરક્ષાને ધ્યાને રાખી રાજસ્થાન સરકાર દ્વારા હાથીઓનું ગામ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ગામનો કુલ વિસ્તાર 30.5 હેક્ટર છે. અહીં લગભગ 76 જેટલા હાથીઓ છે અને તેમના માટે 1 BHK અને 2 BHK જેવા ક્વાર્ટર બનાવવામાં આવ્યા છે! એટલું જ નહીં, ગામમાં હાથીઓ માટે તળાવ, માટી સ્નાન, હોસ્પિટલ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. વિદેશી પ્રવાસીઓ આ સ્થળ પર ખુબ મજા માણવા આવે છે. ખાસ કરીને તેઓ હાથીની સવારીનો આનંદ માણે છે. તેમને હાથીઓની જીવનશૈલીને પણ નજીકથી જાણવાની તક મળે છે. ગામનું સંચાલન જયપુર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવે છે.
જયપુર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના રેન્જ ઓફિસર જિતેન્દ્રસિંઘ ચૌધરીએ ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા જણાવ્યું કે,”આમેર મહેલ એક પર્યટક સ્થળ છે. અહીં પર્યટકોમાં એલિફન્ટ રાઈડિંગ (હાથીની સવારી)નો ખુબ ઉત્સાહ જોવા મળે છે. તેથી હાથીઓના સંરક્ષણ માટે સરકાર દ્વારા હાથીગાંવનું નિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પહેલા આ ગામમાં 150 જેટલા હાથીઓ હતા. તે સંખ્યા ઘટીને હવે 76 થઈ ગઈ છે. હાથીઓની સાર સંભાળ માટે સરકાર દ્વારા વિવિધ ગાઈડ લાઈન બનાવવામાં આવી છે. જેનું પાલન કરવું મહાવતો માટે અનિવાર્ય છે. તેમજ એલિફન્ટ રાઈડિંગ માટે પણ એક નિશ્ચિત સમય નક્કી કરવામાં આવ્યો છે.”
હાથીઓની સંભાળ રાખવા માટે મહાવત પરિવારો પણ અહીં રહે છે. સરકારની ગાઈડલાઈન્સ પ્રમાણે તેઓ હાથીઓની સાથે રહે છે અને તેમની સંભાળ રાખે છે. હાથીઓનો તમામ ખર્ચ સરકાર પૂરો પાડે છે. જ્યારે મહાવતોને પણ મકાન આપવામાં આવ્યાં છે. તેમનો ભરણપોષણનો આધાર હાથી પર રહે છે. તેઓ દિવસ-રાત હાથીઓ સાથે રહી પોતાનું જીવન જીવે છે અને હાથીઓનો ઉછેર કરે છે.
ભારતના એકમાત્ર હાથીગાંવમાં લગભગ 76 હાથી અને એટલી જ સંખ્યામાં મહાવત પરિવારો રહે છે, કારણ કે એક હાથીની સંભાળ એક મહાવત પરિવાર દ્વારા લેવામાં આવે છે. તેમજ હાથીઓના પણ લક્ષ્મી, ચમેલી, રૂપા, ચંચલ જેવા નામો છે અને તેઓ ફક્ત નામથી જ ઓળખાય છે.
આ ઉપરાંત ખાસ ઓળખ માટે હાથીઓના કાનની નીચે માઇક્રોચિપ્સ પણ લગાવવામાં આવી છે. મોસમના આધારે, હાથીઓને પણ મહિનામાં 15 દિવસની રજા મળે છે અને શિયાળા, ઉનાળો અને ચોમાસાની ઋતુ અનુસાર ખોરાક આપવામાં આવે છે. હાથીગાંવમાં, હાથીઓ માટે એક બ્લોકમાં ત્રણ આશ્રયસ્થાનો છે અને આ ગામમાં લગભગ 20 બ્લોક છે.આટલું જ નહીં પોલીસ સ્ટેશન પણ નજીક છે જેથી હાથી પર દિવસ-રાત નજર રાખી શકાય.
છે ને જોવા જેવું અને સવારી કરવાનું મન થાય એવું અનોખું હાથીગાંવ?
વિડીયો સ્ટોરી અહીં જુઓ:
View this post on Instagram
(નિરાલી કાલાણી-મુંબઇ)